Trending News
શિક્ષણ સમાચાર

નવરાત્રિ બાદ હવે કચ્છની શાળાઓમાં પરીક્ષાની ઘડીઓ

21 October


આવતીકાલથી ધો. ૩થી ૧૨ની સત્રાંત કસોટી શરૂ, ૨૬મીએ જ્ઞાન સહાયકોને શાળાની ફાળવણી

ભુજ-કચ્છઉદય : કચ્છમાં નવરાત્રિની રોનક ઓસરતાં જ વિદ્યાર્થીઓ હવે પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. ગુરુવાર, ૨૨ ઓક્ટોબરથી ધોરણ ૩થી ૧૨ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષાઓ શરૂ થવાની છે. ધોરણ ૧ અને ૨માં વિભાગીય નિયમો અનુસાર પરીક્ષા યોજાતી નથી.
ધોરણ ૩થી ૮ની પરીક્ષાઓ ૩૦ ઓક્ટોબર સુધી ચાલશે. ધોરણ ૩થી ૫ના વિદ્યાર્થીઓ માટે સવારે ૧૧થી બપોરે ૧ વાગ્યા સુધી ૪૦ ગુણની કસોટી લેવાશે. જ્યારે ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓએ બપોરે ૨થી ૫ દરમિયાન ૮૦ ગુણની પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષાનો તબક્કો પૂરો થયા પછી પરિણામ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવશે.
કચ્છની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતનો પ્રશ્ન યથાવત્‌ છે. આ સ્થિતિમાં અભ્યાસકાર્યને અસર ન થાય તે માટે પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ કરાવવામાં આવ્યો છે. ખાલી જગ્યાઓ ભરવા ગુજરાતી માધ્યમના પ્રાથમિક જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણૂક માટે ત્રીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે.
આ ભરતી માટે ૨૨ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે. ૨૪મીએ ગુણવત્તા યાદી જાહેર થયા બાદ ૨૬ ઓક્ટોબરે ભુજ સ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીમાં ઉમેદવારોનાં દસ્તાવેજોની ખરાઈ અને શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારબાદ લાયક ઉમેદવારોને શાળાઓ ફાળવવામાં આવશે.
.......

Comments

COMMENT / REPLY FROM