વડોદરામાં રાજ્યભરમાં નકલી ઘી સપ્લાય કરતી ફેક્ટરી પકડાઈ
તહેવારો ટાંકણે ભેળસેળીયા તત્વો સક્રિય
વડોદરામાં ઝડપાયેલા શંકાસ્પદ ઘીના તાર સમગ્ર રાજ્યમાં વિસ્તરેલા હોવાથી કચ્છવાસીઓમાં ફફડાટઃ સરહદી બજારોમાં નકલી ઘીનો જથ્થો ઘૂસી ગયાની આશંકાએ ગ્રાહકોમાં મોટો ચિંતાનો માહોલ
ભુજ - કચ્છઉદય : ગુજરાતના વડોદરા સ્થિત પોર જીઆઈડીસીમાં આવેલી ચાલીસા ફૂડ્સ ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ૮૧૩૬ કિલો શંકાસ્પદ ઘી અને પામોલીન તેલનો વિપુલ જથ્થો ઝડપાતાં આખા ગુજરાત સહિત ખાસ કરીને કચ્છ જિલ્લાના પ્રજાજનોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે. આટલી મોટી માત્રામાં શંકાસ્પદ માલ તૈયાર થઈને રાજ્યના ખૂણે-ખૂણે પહોંચી ગયો છતાં સરકારી તંત્ર નિદ્રાધીન કેમ રહ્યું તેવા સવાલો ઉઠી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આ ફેક્ટરીમાંથી શુદ્ધ દેશી ઘીના નામે પામોલીન તેલનું મિશ્રણ કરીને તૈયાર કરાયેલું ભેળસેળયુક્ત ઘી જથ્થાબંધ પેકિંગોમાં આખા રાજ્યમાં સપ્લાય કરવામાં આવ્યું છે, ત્યારે આ ઝેરી માલ સરહદી કચ્છ જિલ્લાના વેપારીઓ અને છૂટક બજારો સુધી પણ પહોંચી ચૂક્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.કચ્છ જિલ્લાના ભુજ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા, માંડવી અને રાપર જેવા મુખ્ય વેપારી મથકોએ રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી જથ્થાબંધ ઘી અને તેલની આયાત થતી હોય છે. આગામી દિવસોમાં આવતા ઉત્સવો અને તહેવારોની મોસમમાં ઘી તથા મિઠાઈની માંગ ચરમસીમાએ પહોંચતી હોય છે, ત્યારે વડોદરાથી નીકળેલો આ શંકાસ્પદ ઘીનો જથ્થો કચ્છના કયા કયા સ્થળે અને કયા કયા વેપારીઓ પાસે પહોંચ્યો છે તે અત્યંત ગંભીર અને ચિંતાજનક વિષય બની ગયો છે. કચ્છની પ્રજા બ્રાન્ડેડ કે દેશી ઘીના નામે આ ભેળસેળયુક્ત જથ્થો ખરીદીને પોતાના પરિવારના આરોગ્યને જોખમમાં મૂકે તે પહેલાં સ્થાનિક કચ્છવાસીઓએ અત્યંત જાગૃત અને સાવચેત રહેવાની જરૂર છે.
બીજી તરફ, કચ્છીજનોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ થતા આ ચેડાં અટકાવવા માટે કચ્છ જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર તેમજ સ્થળ પરનું આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે. વડોદરાનું કૌભાંડ સપાટી પર આવ્યા બાદ જો કચ્છનું વહીવટી તંત્ર ઊંઘતું રહેશે તો નફાખોરો કચ્છના અંતરિયાળ ગામડાઓ સુધી નકલી ઘી પધરાવી દેશે. કચ્છના હોલસેલ વેપારીઓ, પ્રોવિઝન સ્ટોર્સ, ડેરી પાર્લરો અને મિઠાઈની દુકાનોમાં તુરંત જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને સેમ્પલિંગ કરવામાં આવે અને શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવે તો જ કચ્છીજનોને નકલી ખાદ્ય સામગ્રીના મોટા જોખમથી બચાવી શકાશે.

Comments