ભુજના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ૨૪મો પાટોત્સવ દિવ્યતાપૂર્વક ઉજવાયો
ભુજ - કચ્છઉદય : બીએપીએસ સંસ્થાએ પૂ. પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં વિશ્વભરમાં ૧૫૦૦ ઉપરાંત મંદિરોનું નિર્માણ કરી માનવ માત્ર માટે મુક્તિનો માર્ગ મોકળો કરી આપ્યો છે. અમેરિકા, દિલ્હી, ગાંધીનગર અને સુરત ના વિશાળ અક્ષરધામ, શિખરબદ્ધ મંદિરો હરી મંદિરોથી લઈને કુટીર મંદિર એ ભક્તોને પરમાત્માની ભક્તિ કરવા તથા સંસ્કાર પામવાનું સનાતન સ્થાન રહ્યું છે. ભુજમાં પણ વર્તમાનમાં એરપોર્ટ રીંગ રોડ પર ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણકાર્ય જોશભેર થઇ રહ્યું છે.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે આસો સુદ પાંચમ તારીખ ૧૦-૧૦-૨૦૦૨ના અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ તેને ૨૪ વર્ષ પૂર્ણ થતા ગુરુહરી પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી ભુજ ખાતે મંદિરનો પાટોત્સવ નિર્મળસિંહની વાડી, ભાનુશાલી નગર સ્થિત મંદિરે દિવ્યતા તથા ભવ્યતા પૂર્વક ઉજવાયો હતો. વિશાળ ભક્ત સમુદાયની ઉપસ્થિતિમાં પાટોત્સવની મહાપૂજા તથા અભિષેક વિધિ કરાઈ હતી. સંતો - ભક્તો દ્વારા ભગવાનને અનેક વાનગીઓ સભર અન્નકૂટનો થાળ ધરાવવામાં આવ્યો હતો. ૧૯૮૬માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કચ્છમાં પધાર્યા ત્યારે મંદિરની આવશ્યકતા વ્યક્ત કરી અને ૧૮-૫-૧૯૯૮ના પૂજ્ય ડોક્ટર સ્વામીના હસ્તે હરીમંદિરનું ખાતમુહૂર્ત થયું હતું. ભૂકંપ સમયે સમગ્ર કચ્છમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રાહત અને સેવાકાર્યોનું કેન્દ્ર બનેલ. આ સ્થળે સૌ પ્રથમ ૧૯૭૯માં ગણ્યા ગાંઠ્યા હરિભક્તોથી શરૂ થયેલ રવિસભા વર્તમાનમાં વિશાળ હરિભક્તોના સમૂહ સુધી પહોંચી છે.
કોઠારી પૂજ્ય વિવેકમંગલ સ્વામીના હસ્તે પાટોત્સવની પૂજાવિધિ તથા આરતી કરાઇ હતી. યુવકો તથા કાર્યકરો દ્વારા સમર્પિત હરિભક્તોની સેવાગાથાની સ્મૃતિ કરી હતી. અખંડસેવા સ્વામી તથા પરમચૈતન્ય સ્વામીના માર્ગદર્શનમાં કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી અન્નકુટની સેવામાં તથા મહાપ્રસાદની સેવામાં પૂ. પરમમંગલ સ્વામીના માર્ગદર્શનમાં કાર્યકરો જોડાયા હતા.
-----

Comments