Trending News
સ્થાનિક સમાચાર

મિરજાપરમાં ધાર્મિક દબાણો હટાવી ૧૫ કરોડની જમીન મુક્ત કરાવાઈ

19 September



કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલા મેગા ઓપરેશનમાં ૩,૦૦૦ ચોરસ મીટર જંગલ વિસ્તાર ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવાયો

કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલ અને કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી હર્ષ ઠક્કરની ગેરકાયદેસર દબાણકારો સામે સપાટાબદ્ધ લાલઆંખ


ભુજ - કચ્છઉદય : કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા વન અને પર્યાવરણની સુરક્ષા તેમજ સંરક્ષિત જંગલ જમીનને બચાવવાના ભાગરૂપે આજે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભુજ પશ્ચિમ રેંજ હેઠળ આવતા અને ભુજ શહેર મધ્યે આઈ.ટી.આઈ. કોલેજ નજીક આવેલા મિરજાપર અનામત જંગલમાં ધાર્મિક સ્થળના નામે ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર વન વિભાગે કડક કાર્યવાહી કરીને તેમને સંપૂર્ણપણે તોડી પાડ્યા છે.કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલ અને કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી હર્ષ ઠક્કરના સીધા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાયદાકીય ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. મિરજાપર જંગલ વિસ્તારમાં હઝરત મિશ્કીન્સા વલીની દરગાહ તથા હઝરત મામુસાઈ દરગાહના નામે ઊભા કરી દેવાયેલા પાકા ધાર્મિક બાંધકામો અને તેની આસપાસના અન્ય ગેરકાયદે દબાણોને વન વિભાગની ટીમે સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દીધા છે.આ મેગા ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન આશરે ૩,૦૦૦ ચોરસ મીટર જેટલી કિંમતી વન જમીન ગેરકાયદેસર કબ્જામાંથી મુક્ત કરાવવામાં આવી છે, જેની અંદાજિત બજાર કિંમત ૧૫ કરોડ જેટલી થાય છે. વન વિભાગે આ કિંમતી જમીનનો ભૌતિક કબ્જો પોતાના હસ્તક મેળવી લીધો છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યા અનુસાર, ભુજ પશ્ચિમ રેંજ દ્વારા આ ગેરકાયદેસર દબાણો અંગે અગાઉથી જ નિયમાનુસાર કારણદર્શક નોટિસો પાઠવવામાં આવી હતી. આ નોટિસની સમયમર્યાદા પૂર્ણ થતાં જ કાયદાકીય જોગવાઈઓ હેઠળ આ કડક પગલું ભરવામાં આવ્યું છે.આ કામગીરીમાં ભુજ પશ્ચિમ રેંજના મદદનીશ વન સંરક્ષક આર.એલ.ચૌધરી અને જે.બી.જોશી ઉપરાંત નખત્રાણા પૂર્વ રેંજના આરએફઓ એ.બી.સરવૈયા, નખત્રાણા પશ્ચિમ રેંજના આરએફઓ વી.સી.મોદી, માંડવી નોર્મલ રેંજનો તમામ વન સ્ટાફ જોડાયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભુજ શહેર પોલીસ ઈન્સપેક્ટર તેમજ પોલીસ કાફલાના ચુસ્ત અને કડક બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Comments

COMMENT / REPLY FROM