નખત્રાણાના દેવીસરની સરકારી શાળામાં શિક્ષકોની ઘટથી વાલીઓમાં ભારે રોષ
અંગ્રેજી અને ગણિત-વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોના શિક્ષકોને અન્યત્ર ચાર્જ અપાતા શિક્ષણ કાર્ય પ્રભાવિત : જિલ્લા શિક્ષણાધિકારીએ આઠ દિવસમાં ઉકેલ લાવવાની આપી ખાતરી
નખત્રાણા - કચ્છઉદય : નખત્રાણા તાલુકાના દેવીસર ગામમાં આવેલી સરકારી માધ્યમિક શાળામાં લાંબા સમયથી ચાલી રહેલી શિક્ષકોની તંગીને કારણે વાલીઓ અને સામાજિક આગેવાનોમાં અસંતોષ વ્યાપી ગયો છે. શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષકને અગાઉથી જ અન્ય શાળામાં ડેપ્યુટેશન પર મોકલી દેવાયા હતા. તેવામાં હવે ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયોના શિક્ષકને પણ અન્ય શાળાનો પ્રભારી ચાર્જ સોંપાતાં દેવીસર શાળાના વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી રહી છે. મુખ્ય વિષયોના શિક્ષકોના અભાવે બાળકોનું ભવિષ્ય અંધકારમય બનવાની ભીતિ સેવાઈ રહી છે, જેના પગલે વાલીઓ સહિત સરપંચના પ્રતિનિધિ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને ગામના વિવિધ સમાજના આગેવાનોએ ભેગા મળીને આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.
સામાજિક આગેવાનોએ સમગ્ર પરિસ્થિતિ અંગે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને યોગ્ય ઉકેલ લાવવાની માગ કરી હતી. વાલીઓનો આક્ષેપ છે કે સમગ્ર કચ્છ જિલ્લામાં અનેક સરકારી માધ્યમિક શાળાઓ શિક્ષકોના અભાવે રામભરોસે ચાલી રહી છે. સરકાર દ્વારા નવી શાળાઓને મંજૂરી તો આપી દેવાય છે, પરંતુ પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતી ન કરાતાં આ સમસ્યા સર્જાય છે. તેવામાં વ્યવસ્થાના નામે શિક્ષકોને એકથી બીજી શાળામાં ચાર્જ સોંપાતાં મૂળ શાળાના વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે. આ રજૂઆતને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ આગામી આઠ દિવસની અંદર આ પ્રશ્નનું યોગ્ય નિવારણ લાવવાની ખાતરી આપી છે.
---------

Comments