આત્મહત્યા નિવારણ સપ્તાહ અંતર્ગત ભુજનીલાલન કોલેજમાં પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ
ભુજ - કચ્છઉદય : આત્મહત્યા નિવારણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આર.આર.લાલન કોલેજ, ભુજના મનોવિજ્ઞાન વિભાગ અને જી.કે. જનરલ હોસ્પિટલ ભુજના સંયુક્ત ઉપક્રમે પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. માનસિક સ્વાસ્થ્ય તથા આત્મહત્યા નિવારણ અંગે સમાજમાં જાગૃતિ કેળવવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં ૫૨ જેટલા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓએ માનસિક સ્વાસ્થ્ય,આત્મહત્યા નિવારણ તથા સંબંધિત વિવિધ વિષયોને આવરી લેતાં સર્જનાત્મક પોસ્ટરો તૈયાર કર્યા હતા, વિદ્યાર્થીઓએ પોતાના પોસ્ટરની થીમ અને તેમાં રહેલા સંદેશની પણ રજૂઆત કરી હતી. સર્જનાત્મક અભિવ્યક્તિના માધ્યમથી મહત્વપૂર્ણ સામાજિક સંદેશ લોકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ ઉપસ્થિતો માટે જાગૃતિ અને સંવેદનશીલતાનો અનુભવ બની રહ્યો હતો.
કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. સી.એસ.ઝાલા, મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષા ડૉ.પલ્લવીબેન ચૌહાણ તથા વિભાગના મુલાકાતી અધ્યાપકો કર્મદીપસિંહ જાડેજા, ધ્યાનિકા પરમાર, રિયા આગઠ અને આરિફ લુહાર આયોજન અને સંચાલનમાં સહભાગી બન્યા હતા. જ્યારે કોલેજના અન્ય વિવિધ વિષયોના અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજનાં મનોવૈજ્ઞાનિક કરિશ્માબેન પારેખ તથા અદાણી મેડિકલ કોલેજના મનોચિકિત્સક ડૉ.નિરવ ચાનપા એ ખાસ ઉપસ્થિત રહી સેવા પુરી પાડી હતી. નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીઓના પોસ્ટરની વિષય વસ્તુ, સર્જનાત્મકતા અને સંદેશને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે પ્રથમ ૧૦ ક્રમના વિદ્યાર્થીઓ સહિત તમામ અન્ય સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લઈ આત્મહત્યાના કારણો તથા તેના નિવારણ માટેના સૂચનો અંગે માહિતી મેળવી પોસ્ટરોના માધ્યમથી રજૂ કરવામાં આવેલા સંદેશાઓ એ માનસિક સ્વાસ્થ્ય અંગે વધુ સમજ કેળવવા તેમજ સંવેદનશીલતા પૂર્વક વાતચીત કરવાની દિશામાં જાગૃતિ ઊભી કરી હતી.
કાર્યક્રમ બાદ પ્રાપ્ત પ્રતિસાદમાં મોટાભાગના મુલાકાતીઓએ સમગ્ર અનુભવને અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયી ગણાવી, માનસિક સ્વાસ્થ્ય અંગેની પોતાની સમજમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાને પણ મુલાકાતીઓએ બિરદાવી ભવિષ્યમાં આવા જાગૃતિ કાર્યક્રમો વ્યાપક સ્તરે યોજવા અંગે સૂચનો કર્યા હતા. તેમાં ઓનલાઇન જાગૃતિ સભર વીડિયો, વક્તૃત્વ સ્પર્ધા, જાગૃતિ રેલી, રોલ-પ્લે અને નાટ્ય કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય રીતે જોડવાના સૂચનોનો સમાવેશ થાય છે. સમાજમાં માનસિક સ્વાસ્થ્ય અંગે ખુલ્લી ચર્ચા અને જાગૃતિ વધે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.આ સમગ્ર આયોજન વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને સહભાગિતાને પ્રોત્સાહન આપવાની સાથે માનસિક સ્વાસ્થ્ય તથા આત્મહત્યા નિવારણ જેવા મહત્વપૂર્ણ વિષય અંગે જાગૃતિ ફેલાવતું અસરકારક માધ્યમ બન્યું હતું.
-------

Comments