નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભુજ તાલુકા ભાજપ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
ભુજ - કચ્છઉદય : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬માં જન્મદિવસ નિમિત્તે તેમની સેવા અને સમર્પણના ૨૫ વર્ષની ઉજવણીમાં ભુજ તાલુકા ભાજપ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભુજ તાલુકાના વિવિધ ગામોમાં સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભુજ તાલુકા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિવિધ ગામોમાં આંગણવાડીઓમાં કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો. તાલુકાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ઉપરાંત ભુજ તાલુકાના ગામોમાં વિવિધ સ્થળોએ દીપોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યા માં ગ્રામજનો જોડાયા હતા તથા વૃદ્ધઆશ્રમો તથા સેવાકીય સ્થળોએ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામો માં સ્વછતા અભિયાન,ગાયો માટે ઘાસચારાનું વિતરણ, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ, મહિલા મોરચા દ્વારા સેનેટરી પેડ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભુજ તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ બરાડીયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે ભુજ તાલુકાના વિવિધ ગામોમાં સૌ કાર્યકરોએ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સેવા સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો અને ભાજપનો કાર્યકર સમગ્ર વર્ષ દરમિયાન પણ આવા લોકઉપયોગી અને સેવાકીય કાર્યો કરતો રહ્યો છે ત્યારે આ જન્મદિવસ ને સેવાઉત્સવ તરીકે સૌ કાર્યકરોએ ઉજવ્યો છે. સમગ્ર અભિયાન દરમિયાન ભાજપના આગેવાનો, કાર્યકરો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જનસેવા તથા સમાજ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપ્યો હતો.
------------

Comments