કચ્છની ૩૧ ખાનગી શાળાઓમાં આરટીઈ હેઠળ ‘ઝીરો’ એડમિશન
મફત શિક્ષણ છતાં વાલીઓનો અણગમો
ખાસ યોજના અંતર્ગત ધોરણ-૧ની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં ચોંકાવનારો ખુલાસો : પાયાની સુવિધાઓ અને શિક્ષણના સ્તરના અભાવે વાલીઓએ ફોર્મ ભરવાનું પણ ટાળ્યું
ભુજ - કચ્છઉદય : શિક્ષણના અધિકાર (આરટીઈ) હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ-૧માં મફત ભણવાની સુવર્ણ તક ઉપલબ્ધ હોવા છતાં, કચ્છ જિલ્લાના શિક્ષણ જગતમાંથી એક ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. ચાલુ વર્ષની પ્રવેશ કાર્યવાહીના ચાર રાઉન્ડ પૂર્ણ થયા બાદ સામે આવેલા આંકડા મુજબ, કચ્છ જિલ્લાની ૩૧ ખાનગી પ્રાથમિક શાળાઓમાં એક પણ બાળકે પ્રવેશ મેળવ્યો નથી. સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ આપવાની આ યોજના હોવા છતાં, જિલ્લાની આ શાળાઓમાં પ્રવેશનો મોટો દુકાળ જોવા મળ્યો છે અને ત્યાં એડમિશનનો આંકડો ‘શૂન્ય’ નોંધાયો છે. રાજ્ય સ્તરે જોવા જઈએ તો કુલ ૩૬૫ શાળાઓમાં એક પણ ફોર્મ ભરાયું નથી, જેમાં સુરત અને વલસાડ પછી કચ્છ જિલ્લો ૩૧ શાળાઓ સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે રહ્યો છે. શિક્ષણના નિષ્ણાતો અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વાલીઓમાં હવે જાગૃતિ આવી છે. જે ખાનગી શાળાઓમાં માત્ર નામ પૂરતું શિક્ષણ અપાતું હોય, યોગ્ય અને લાયક શિક્ષકો ન હોય અથવા શૈક્ષણિક અને પાયાની સુવિધાઓનો તદ્દન અભાવ હોય તેવી શાળાઓને વાલીઓએ ફોર્મ ભરતી વખતે પસંદગીની યાદીમાંથી જ બાકાત રાખી દીધી હતી. મફત શિક્ષણ મળતું હોવા છતાં વાલીઓએ પોતાના બાળકના ભવિષ્ય સાથે સમાધાન કરવાને બદલે આવી નબળી શાળાઓ પર પસંદગી ઉતારવાનું સ્પષ્ટપણે ટાળ્યું છે.
સમગ્ર રાજ્યમાં આરટીઈ હેઠળ ધોરણ ૧ની પ્રવેશ પ્રક્રિયાના ચાર રાઉન્ડના અંતે કુલ ૮૬,૫૯૧ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, જેમાંથી ૭૮,૭૪૨ વિદ્યાર્થીઓએ નિયત શાળાઓમાં જઈને પોતાનો પ્રવેશ પાકો કરાવી લીધો છે. જોકે, હજુ પણ રાજ્યભરમાં આરટીઈની ૫,૦૯૦ બેઠકો ખાલી પડી છે, કારણ કે વાલીઓએ તે બેઠકો વાળી શાળાઓમાં રસ દાખવ્યો નથી. કચ્છ ઉપરાંત અન્ય જિલ્લાઓની સ્થિતિ પર નજર કરીએ તો સુરતની ૧૩૪, વલસાડની ૭૧ અને અમદાવાદ શહેર-ગ્રામ્યની મળીને ૩૪ શાળાઓમાં કોઈ પ્રવેશ થયો નથી. કચ્છ જિલ્લાના વાલીઓએ આ શૂન્ય અરજી વાળી શાળાઓને ફોર્મ ભરવા લાયક પણ ન ગણીને એ સંકેત આપ્યો છે કે મફત શિક્ષણની સાથે શિક્ષણનું સ્તર અને શાળાનું વાતાવરણ પણ એટલું જ મહત્વનું છે.

Comments