કચ્છ યુનિવર્સિટીની સિદ્ધિ : કુદરતી સ્વીટનરની પેટન્ટ પબ્લીશ થઈ
ભુજ - કચ્છઉદય : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને તેના સંશોધકોએ ખાદ્ય ઉદ્યોગમાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવનના એસોસિએટ પ્રોફેસર ડૉ. વિજયકુમાર રાણાભાઈ રામના માર્ગદર્શન હેઠળ બિજલ મુલેન્દુભાઈ શુક્લા, નિખિલ જગદીશ પ્રજાપતિ, ભારતકુમાર અનિલકુમાર લોનિયા અને સોમિયા અનમની સંશોધક ટીમે ’એ ફોર્મ્યુલેશન ઑફ પ્યુરિફાઇડ સ્ટીવિયોલ ગ્લાયકોસાઇડ ઍઝ નેચરલ સ્વીટનર’ માટેની ભારતીય પેટન્ટ મેળવી છે, જે ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ પબ્લીશ થઈ છે. આ સંશોધન સ્ટીવિયા નામના છોડના પાંદડામાંથી મળતા સ્ટીવિયોલ ગ્લાયકોસાઇડ્સને શુદ્ધ સ્વરૂપમાં રજૂ કરે છે, જે સામાન્ય ખાંડ કરતાં ૨૦૦ થી ૩૦૦ ગણા વધુ મીઠા હોવા છતાં નહિવત્ કેલરી ધરાવે છે અને લોહીમાં શુગરના સ્તર પર કોઈ અસર કરતા નથી.હાલમાં વિશ્વભરમાં ૫૩ કરોડથી વધુ અને ભારતમાં આશરે ૧૦.૧ કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે, ત્યારે આ કુદરતી સ્વીટનર ડાયાબિટીસ, મેદસ્વીપણું અને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓ માટે વરદાન સમાન સાબિત થશે. આ નવું ફોર્મ્યુલેશન પરંપરાગત પ્રક્રિયાઓની ખામીઓ દૂર કરીને વધુ સ્વચ્છ, ટકાઉ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપે છે, જે બ્લડ શુગર, વજન અને હૃદયના આરોગ્યના નિયંત્રણમાં અત્યંત ફાયદાકારક છે.
વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક કુદરતી ગળપણનું બજાર આશરે ૩૧.૫ અબજ ડોલર હતું, તેવામાં ડૉ. વિજયકુમાર રાણાભાઈ રામ, બિજલ મુલેન્દુભાઈ શુક્લા, નિખિલ જગદીશ પ્રજાપતિ, ભારતકુમાર અનિલકુમાર લોનિયા અને સોમિયા અનમની આ શોધ ભારતને સ્વદેશી ટેક્નોલોજી સાથે વૈશ્વિક બજારમાં મજબૂત સ્થાન અપાવી શકે તેમ છે. હાલમાં આ પેટન્ટ પરીક્ષણ હેઠળ છે અને તેને અંતિમ મંજૂરી મળ્યા બાદ વ્યાપારી સ્વરૂપ આપવામાં આવશે, જે ’આત્મનિર્ભર ભારત’ના સપનાને સાકાર કરશે. આ અદ્ભુત સંશોધન બદલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર ડૉ. મોહન પટેલ અને રજીસ્ટાર ડૉ. અનિલ ગોર દ્વારા સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
---------

Comments