ટેટ પરીક્ષાના વિરોધમાં શનિવારે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના ધરણાં
કચ્છમાંથી ૨૫૦ પ્રાથમિક શિક્ષકો જોડાશે
ભુજ - કચ્છઉદય : સમગ્ર દેશની સાથે ગુજરાતભરમાં પણ ટેટ પરીક્ષા મુદ્દે શિક્ષકોએ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. ગુજરાતમાં ટેટ (ટીચર એલિજિબિલિટી ટેસ્ટ) મુદ્દે પ્રાથમિક શિક્ષકોનો વિરોધ હવે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી જેના અનુસંધાને પ્રથમ તબક્કામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ગત જૂન મહિનામાં જિલ્લા કક્ષાએ ધરણાં સાથે કલેકટરો, સાંસદો અને ધારાસભ્યોને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો યોજાયા હતા. હવે બીજા તબક્કામાં આગામી તા. ૧૧ જુલાઈ, શનિવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના ધરણાં કાર્યક્રમ યોજાશે. સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે બપોરે ૨ થી સાંજે ૫ વાગ્યા સુધી યોજાનાર આ ધરણાં કાર્યક્રમ માં રાજ્યભરમાંથી ૧૫ હજારથી વધુ પ્રાથમિક શિક્ષકો ઉમટી પડશે તેવું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલે જણાવ્યું હતું. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત આ ધરણાં કાર્યક્રમને રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનોએ સમર્થન જાહેર કર્યું છે. ધરણાં કાર્યક્રમ બાદ સોમવારે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીઓને આવેદનપત્રો આપવામાં આવશે. કચ્છ જિલ્લામાંથી જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઇ આહિર, રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, ઉપપ્રમુખ વિલાસબા જાડેજા, જિલ્લા સંઘના કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા, કોષાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત વિવિધ તાલુકા સંઘના પ્રમુખ - મહામંત્રી સહિતના હોદ્દેદારોની આગેવાનીમાં ૨૫૦ થી વધુ પ્રાથમિક શિક્ષકો જોડાનાર હોવાનું જિલ્લા સંઘના સિનિયર ઉપપ્રમુખ જીતેન્દ્ર ઠક્કરે જણાવ્યું હતું. સંગઠનના સૂત્રધારોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૦ પહેલાના એટલે કે ટેટ -૧ અમલીકરણ પહેલાં ભરતી થયેલા શિક્ષકો પર ખોટી રીતે આ પરીક્ષા થોપી દેવામાં આવી છે જેના વિરોધમાં અને આ પરીક્ષામાંથી મુક્તિ આપવા માટે લડત શરૂ કરવામાં આવી છે. અગાઉ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો જેની સામે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રિવ્યૂ પીટીશન દાખલ કરવામાં આવી હતી. પણ તાજેતરમાં સુપ્રીમ કોર્ટની ડબલ બેચે ફરી એ જ ચુકાદો આપી પરીક્ષા પાસ કરવાની મુદ્દત વધારી આપી હતી. આ ચુકાદા બાદ મુદ્દો ફરી ગરમાયો હતો. ટેટ અમલમાં આવે તે પહેલાં ભરતી થયેલા શિક્ષકો અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર દેશમાં ચિંતા ઊભી થઈ છે. શિક્ષક સંગઠનના આગેવાનોનું કહેવું છે કે ટેટ પહેલાં ભરતી થયેલા શિક્ષકોની નિમણૂક જે તે સમયના સરકારના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ જ કરવામાં આવી હતી. તેથી વર્ષો સુધી સેવા આપી રહેલા શિક્ષકોને હવે ફરી પરીક્ષા આપવાની ફરજ પાડવી બિલકુલ યોગ્ય નથી. ગુજરાતના ૭૫ હજાર અને દેશના ૨૫ લાખ શિક્ષકો આ ચુકાદાથી પ્રભાવિત થવાનો દાવો કરતા શિક્ષક સંઘના નેતાઓનું કહેવું છે કે શિક્ષકોની ભરતી તે સમયના કાયદા, આરટીઈની જોગવાઈઓ અને સરકાર દ્વારા નક્કી કરાયેલા ધોરણો અનુસાર થઈ હતી. ટેટની જોગવાઈ બાદમાં અમલમાં આવી હોવાથી અગાઉથી સેવા બજાવતા શિક્ષકોને તેમાંથી મુક્તિ આપવી જોઈએ. જો માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ઓગસ્ટ મહિનામાં દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. ટેટ પહેલાં ભરતી થયેલા શિક્ષકોને પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવા માટે સરકાર કાયદાકીય અને નીતિગત નિર્ણય લે તેવી માંગ કરાઈ છે. આ મુદ્દે સંસદ અને વિધાનસભા સ્તરે જરૂરી સુધારા કરીને શિક્ષકોને રાહત આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. હાલ રાજ્યભરમાં શરૂ થયેલા આંદોલન બાદ સરકારનું વલણ શું રહે છે અને શિક્ષકોની માંગણીઓ અંગે કોઈ નીતિગત નિર્ણય લેવાય છે કે નહીં તેના પર રાજ્યના હજારો શિક્ષકોની નજર મંડાયેલી છે.ધરણાં કાર્યક્રમમાં ટેટ પરીક્ષા ઉપરાંત પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેવા કે વર્ષ ૨૦૦૫ પછીનાને ઓપીએસ માં સમાવવા, ધો.૬ થી ૮ને ૪૨૦૦ ગ્રેડ પે, સીસીસી પરીક્ષાની મુદત તથા સીસીસી સર્ટી બાબતના પ્રશ્નો, શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્તિ, તાલીમોનો અતિરેક તથા એચ.ટાટના ચાર્જ બાબતની વિસંગતતા દૂર કરવી, એઈઆઈ સીધી ભરતીમાં પગાર રક્ષણ તથા પ્રાથમિક શિક્ષકનો અનુભવ માન્ય રાખવો, બદલી પામેલ શિક્ષકોને ૧૦૦% છૂટા કરવા, ૨૦૦૫ ૫હેલાંના શિક્ષકોના નાણાં જીપીએફમાં જમા કરવા, એનપીએસ માંથી ઓપીએસમાં આવેલ નિવૃત્ત શિક્ષકોને પેન્શન ચાલુ કરવા સહિતના પડતર પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
-----

Comments