Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

શિક્ષણ સમાચાર

શિક્ષકો માટે ફરજિયાત ટેટ પરીક્ષાના વિરોધમાં ભુજ ખાતે ૭૦૦થી વધારે પ્રા. શિક્ષકોએ ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો 

20 June




કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

ભુજ - કચ્છઉદય : સમગ્ર દેશની સાથે ગુજરાતભરમાં પણ ટેટ પરીક્ષા મુદ્દે શિક્ષકોએ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. ગુજરાતમાં ટેટ (ટીચર એલિજિબિલિટી ટેસ્ટ) મુદ્દે પ્રાથમિક શિક્ષકોનો વિરોધ હવે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી જેના અનુસંધાને રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ગત ૧૭ જૂને ધરણાં અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો યોજાયા હતા જ્યારે બાકીના જિલ્લાઓમાં ૨૦ થી ૩૦ જૂન દરમિયાન આંદોલનના કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે  ભુજના બહુમાળી ભવન પાસે સાંજે ૩ થી ૫ ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાભરમાંથી ૭૦૦ થી વધારે શિક્ષકો ઉમટી પડ્યા હતા.ધરણા કાર્યક્રમ બાદ  કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણા આહિર, રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા,  જિલ્લાસંઘના કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા,ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્ર ઠક્કર, રામુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર,  જટુભા રાઠોડ સહિતના આગેવાનોએ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરપાર્થ કોટડીયાને આવેદનપત્ર આપ્યું હતું.
સંઘના આગેવાનોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૦ પહેલાના એટલે કે ટેટ-૧ અમલીકરણ પહેલાં ભરતી થયેલા શિક્ષકો પર ખોટી રીતે આ પરીક્ષા થોપી દેવામાં આવી છે જેના વિરોધમાં અને  આ પરીક્ષામાંથી મુક્તિ આપવા માટે લડત શરૂ કરવામાં આવી છે. અગાઉ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો જેની સામે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રિવ્યૂ પીટીશન દાખલ કરવામાં આવી હતી. પણ તાજેતરમાં સુપ્રીમ કોર્ટની ડબલ બેચે ફરી એ જ ચુકાદો આપી પરીક્ષા પાસ કરવાની મુદ્દત વધારી આપી હતી. આ ચુકાદા બાદ મુદ્દો ફરી ગરમાયો છે. ટેટ અમલમાં આવે તે પહેલાં ભરતી થયેલા શિક્ષકો અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર દેશમાં ચિંતા ઊભી થઈ છે. શિક્ષક સંગઠનના આગેવાનોનું કહેવું છે કે ટેટ પહેલાં ભરતી થયેલા શિક્ષકોની નિમણૂક જે તે સમયના સરકારના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ જ કરવામાં આવી હતી. તેથી વર્ષો સુધી સેવા આપી રહેલા શિક્ષકોને હવે ફરી પરીક્ષા આપવાની ફરજ પાડવી બિલકુલ યોગ્ય નથી. ગુજરાતના ૭૫ હજાર અને દેશના ૨૫ લાખ શિક્ષકો આ ચુકાદાથી પ્રભાવિત થવાનો દાવો કરતા શિક્ષક સંઘના નેતાઓનું કહેવું છે કે શિક્ષકોની ભરતી તે સમયના કાયદા, આરટીઈની જોગવાઈઓ અને સરકાર દ્વારા નક્કી કરાયેલા ધોરણો અનુસાર થઈ હતી. ટેટની જોગવાઈ બાદમાં અમલમાં આવી હોવાથી અગાઉથી સેવા બજાવતા શિક્ષકોને તેમાંથી મુક્તિ આપવી જોઈએ. કચ્છ જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ સાંસદ તથા ધારાસભ્યોને પણ આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત આગામી ૫ થી ૨૯ જુલાઈ દરમિયાન રાજ્ય કક્ષાના કાર્યક્રમો યોજાશે, જેમાં સરકારનું ધ્યાન આ મુદ્દા તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ઓગસ્ટ મહિનામાં દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
ટેટ પહેલાં ભરતી થયેલા શિક્ષકોને પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવા માટે સરકાર કાયદાકીય અને નીતિગત નિર્ણય લે તેવી માંગ કરાઈ છે. આ મુદ્દે સંસદ અને વિધાનસભા સ્તરે જરૂરી સુધારા કરીને શિક્ષકોને રાહત આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. હાલ રાજ્યભરમાં શરૂ થયેલા આંદોલન બાદ સરકારનું વલણ શું રહે છે અને શિક્ષકોની માંગણીઓ અંગે કોઈ નીતિગત નિર્ણય લેવાય છે કે નહીં તેના પર રાજ્યના હજારો શિક્ષકોની નજર મંડાયેલી છે. જિલ્લા મથક ભુજ ખાતે યોજાયેલ ધરણા કાર્યક્રમમાં રાજ્ય જિલ્લા અને તાલુકા શિક્ષક સંઘના અગ્રણીઓ વિલાસબા  જાડેજા, મનહરસિંહ ઝાલા, કિશોરસિંહ જાડેજા, ભૂપતસિંહ સોઢા, નરેન્દ્રસિંહ જાડેજા, નિર્મલસિંહ જાડેજા, શામજી આહિર, હર્ષદ પંચાલ, મેહુલ જોશી, શોભના વ્યાસ સહિતના આગેવાનો ઉપરાંત વિશાળ સંખ્યામાં જિલ્લાભરમાંથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકે આયોજનને સફળ બનાવવા કચ્છ જિલ્લા અને ભુજ તાલુકા સંગઠનના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. 
----------

Comments

COMMENT / REPLY FROM