Trending News
સ્થાનિક સમાચાર

ભાદરવે આવ્યો અષાઢ : કચ્છડો તરબતર માંડવીમાં ર૪ કલાકમાં ૯ ઈંચ, અંજારમાં ૮ ઈંચ વરસાદ

15 September



કચ્છ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ : ગાંધીધામ, ભચાઉ, મુન્દ્રામાં પાંચ ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર : છેવાડાના લખપત, અબડાસા અને નખત્રાણામાં પણ ચાર ઈંચથી વધુ પાણી વરસ્યું : વાગડમાં મેઘરાજાએ આજે પોરો ખાધો : અવિરત મેઘકૃપાથી  નદી-નાળાં છલકાયા : ભુજના મોટા બંધમાં પાણીની આવક જોઈ શહેરવાસીઓ મલકાયા : રાત્રિ દરમિયાન મેઘતાંડવ બાદ આજે વહેલી સવારે પણ ભુજ, માંડવી અને અબડાસા સહિતના તાલુકાઓમાં વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા ; મોસમનો કુલ વરસાદ ૨૭૮ર મીમી પહોંચ્યો


ભુજ - કચ્છઉદય : દુષ્કાળના ડાકલા વચ્ચે વિઘ્નહર્તાએ કચ્છવાસીઓના વિઘ્નને હરીને કચ્છમાં મેઘવર્ષા કરાવતા સરકારી ચોપડે કચ્છ જિલ્લામાં અછત દુર થઈ છે. છેલ્લા ર૪ કલાક દરમિયાન માંડવી વિસ્તારમાં ૯ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં આજે સવારે પાંચ ઈંચ પાણી  વરસ્યું હતું. આ સીવાય રાત્રિથી સવાર સુધીમાં અંજારમાં અનરાધાર સાત ઈંચથી વધુ વરસાદ પડતા ઠેર - ઠેર પાણી  ભરાયા હતા. સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખૂશી ફેલાઈ છે. જોકે નિચાણવાળા વિસ્તારના લોકોએ સમસ્યાઓનો સામનો કર્યો હતો, પરંતુ બે મહિને આવેલા મેઘરાજાની ખૂશી સામે સમસ્યાઓ નબળી પડતી જણાય છે. 
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ થી ૩૬ કલાક દરમિયાન સાર્વત્રિક અને ધોધમાર વરસાદ નોંધાયો છે, જેના કારણે સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ ગયું છે. કલેક્ટર કચેરી કચ્છના ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર ૧૪ સપ્ટેમ્બરના રોજ દિવસ અને રાત્રિ દરમિયાન જિલ્લાના તમામ દસ તાલુકાઓમાં થઈને કુલ ૮૯૧ મીલીમીટર જેટલો આક્રમક વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ આજે વહેલી સવારે ૬ થી ૮ વાગ્યાના બે કલાકના સમયગાળામાં પણ વધુ ૧૦૬ મીલીમીટર વરસાદ નોંધાતાં કચ્છનો કુલ મોસમી વરસાદ ૨૫૩૬ મીલીમીટરના આંકડે પહોંચી ગયો છે. આજે વહેલી સવારે ૬ થી ૮ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. આ બે કલાકમાં માંડવી તાલુકામાં સૌથી વધુ ૩૧ મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અબડાસામાં ૧૭ મીમી, ભુજમાં ૧૫ મીમી, મુન્દ્રામાં ૧૧ મીમી, ગાંધીધામમાં ૧૦ મીમી અને અંજારમાં ૯ મીમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. લખપતમાં ૮ મીમી અને નખત્રાણામાં ૫ મીમી વરસાદ સાથે સવારના આઠ વાગ્યા સુધીમાં જિલ્લામાં વધુ ૧૦૬ મીમી વરસાદ ઉમેરાયો હતો. બપોરના ૧ર વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો છેલ્લા ર૪ કલાક દરમિયાન લખપત તાલુકામાં ચાર ઈંચ, રાપરમા દોઢ ઈંચ, ભચાઉમાં સવાચાર ઈંચ, અંજારમાં આઠ ઈંચ, ભુજમાં સવાર ચાર ઈંચ, નખત્રાણામાં સાડા ત્રણ ઈંચ, અબડાસામાં સાડા ત્રણ ઈંચ અને મુન્દ્રા અને ગાંધીધામમાં સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. માંડવી વિસ્તારમાં આજે સવારે આઠથી દસ દરમિયાન એક સાથે પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. 
ગઈકાલે સૌથી વધુ મેઘમહેર અંજાર તાલુકામાં જોવા મળી હતી, જ્યાં ૨૪ કલાકમાં ૧૮૪ મીમી એટલે કે સાડા સાત ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને અંજારમાં મોડી રાત્રે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીના આઠ કલાકના સમયગાળામાં જ ૧૫૨ મીમી પાણી પડી જતાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પૂર્વ કચ્છના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ગાંધીધામમાં ૧૧૭ મીમી અને ભચાઉમાં ૧૧૨ મીમી વરસાદ નોંધાયો હતો. ભચાઉમાં રાત્રે ૨ થી ૪ વાગ્યા વચ્ચે ૫૩ મીમી વરસાદ થયો હતો, જ્યારે ગાંધીધામમાં પણ મોડી રાત્રે ગાજવીજ સાથે આક્રમક વરસાદ વરસતાં માર્ગો જળમગ્ન બન્યા હતા.
જિલ્લાના અન્ય વિસ્તારોની વિગત જોઇએ તો ૧ગઈકાલે મુન્દ્રા તાલુકામાં ૯૦ મીમી અને જિલ્લા મથક ભુજમાં ૮૪ મીમી વરસાદ નોંધાયો હતો. સરહદી તાલુકા લખપતમાં મોડી રાત્રે અને વહેલી સવારે ધોધમાર વરસાદથી ૭૭ મીમી પાણી વરસ્યું હતું. આ ઉપરાંત રાપર અને નખત્રાણામાં ૬૦-૬૦ મીમી, અબડાસામાં પ૫ મીમી તેમજ માંડવીમાં ૫૨ મીમી વરસાદ નોંધાયો હતો. આમ સમગ્ર જિલ્લામાં તમામ તાલુકાઓમાં બપોર પછી તેમજ રાત્રિના સમયે મેઘરાજાએ અનરાધાર હેત વરસાવ્યું હતું. આ સતત વરસાદને કારણે નદી-નાળાઓ બે કાંઠે વહેતા થયા છે અને સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
સમગ્ર કચ્છમાં લાંબા સમય બાદ સાર્વત્રિક અને સારો વરસાદ વરસતાં ધરતીપુત્રો સહિત પ્રજાજનોમાં ખુશી અને આનંદનો માહોલ છવાઈ ગયો છે. હવામાન ખાતાએ હજુ પણ પોતાની આગાહી યથાવત રાખતા સૌની આશા બંધાઈ છે. 


.........

ભુજના મોટા બંધમાં પાણીની ભારે આવક : રમણીય દ્રશ્યો સર્જાયા

જિલ્લા મથક ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં ગત રાત્રિથી પડી રહેલા સાડા ત્રણ ઈંચ વરસાદના કારણે નદીઓ અને વોકળાઓ જીવંત બન્યા છે. ઉપરવાસમાં થયેલા સારા વરસાદને લીધે ભુજના ઐતિહાસિક મોટા બંધમાં પાણીની વિપુલ પ્રમાણમાં નવી આવક શરૂ થઈ ગઈ છે. લાંબા સમય બાદ બંધમાં પાણીની આવક થતાં અત્યંત આહલાદક અને રમણીય દ્રશ્યો સર્જાયા છે, જેને જોવા માટે સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા.

................

ભચાઉ ખાતે મુનિસુવ્રત સ્વામી જિનાલયના દ્વાર ઉદ્ઘાટન કરાશે

ભચાઉ - કચ્છઉદય : ભચાઉ રેલ્વે સ્ટેશન સામે આવેલ મેઘદૂત કોમ્પલેક્ષ ખાતે નવનિર્મિત  મુનિસુવ્રત સ્વામી જિનાલયના દ્વાર ઉદ્ઘાટનનો ધાર્મિક મહોત્સવ આવતીકાલે તા. ૧૬-૯ના રોજ યોજાશે. મહોત્સવમાં મોઘીબેન વિજપાર નોંઘા સતરા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ખીમજીભાઈ વિજપારભાઈ સતરાના હસ્તે સવારે ૬ઃ૩૦ કલાકે દ્વાર ઉદ્ઘાટન કરવાની વિધિ સંપન્ન કરવામાં આવશે. આ પાવન પ્રસંગે સમગ્ર ભચાઉ જૈન સકલ સંઘના શ્રાવક- શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેશે.


 

Comments

COMMENT / REPLY FROM