Trending News
સ્થાનિક સમાચાર

ભુજોડીના આહિર કન્યા વિદ્યાલયમાં  જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી

31 August


સાંસ્કૃતિક કાર્યક્રમ અને મટકીફોડનું કરાયું ભવ્ય આયોજન

ભુજ - કચ્છઉદય : જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે આહિર કન્યા વિદ્યાલય - ભુજોડી મધ્યે પૂર્વ-ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવાયેલા આ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણ ભગવાનની બાળલીલાઓ જીવંત થતાં શાળાનું વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું.
કાર્યક્રમનો મંગલ પ્રારંભ ભગવાન શ્રીકૃષ્ણની આરતીથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળાના નાના ભૂલકાઓ રાધા અને કૃષ્ણના મનમોહક પહેરવેશમાં સજ્જ થઈને આવ્યા હતા, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાર્થીનીઓએ કૃષ્ણ લીલા, મનમોહક રાસ અને સુંદર નૃત્ય પ્રસ્તુત કરીને ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા.
આ ભવ્ય ઉજવણીનું મુખ્ય આકર્ષણ ‘મટકીફોડ’નો કાર્યક્રમ રહ્યો હતો. શાળાના પ્રાર્થનાહોલમાં ઊંચે બાંધવામાં આવેલી મટકીને નંદલાલાના જયઘોષ સાથે ફોડવામાં આવતાં સમગ્ર પરિસરમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય ભવાનીબેન ડાંગરે વિદ્યાર્થીઓને સંબોધતા ભગવાન શ્રીકૃષ્ણના જીવન, તેમના ઉચ્ચ આદર્શો અને ‘શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા’ના કર્મના સિદ્ધાંત વિશે પ્રેરણાદાયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખજાનચી રણછોડભાઈ ડાંગરે પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું હતું. 
કાર્યક્રમના અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવા અને ઉત્સાહ વધારવા માટે સંસ્થાના ઉપપ્રમુખ રાણાબાપા, સ્વામીજી પુરુષોત્તમ દાસજી, જીવાભાઈ માતા, સુપરવાઈઝર બાબુભાઈ આહીર તેમજ સંસ્થાનો સમગ્ર સ્ટાફ અને સર્વે વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રમુખ બાબુભાઈ હુંબલ અને મંત્રી શિવજીભાઈ આહિર  કાર્યક્રમમાં હાજર ન રહી શકતા તેઓ દ્વારા શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો હતો. 
----------

Comments

COMMENT / REPLY FROM