K U T C H U D A Y
Trending News

મુંદરાના હવાલા રેકેટમાં વધુ એક કસ્ટમ અધિકારી સાણસા...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કચ્છ કેનાલ બંધ કરવાનો નિર્ણય ઉનાળુ વાવેતર કરનાર ખેડૂતો માટે મુસીબત બનશે ’

15 March

ઉનાળાના પ્રારંભે જ વાગડમાં જળ સંકટ સર્જાશે





સમારકામ માટે ટેન્ડર સહિતની પ્રક્રિયા શરૂ થયા પહેલા જ નહેર બંધ કરવાના નિર્ણય સામે કચ્છના કિસાનોમાં આક્રોશ ફેલાયો : આગામી ૩૦ માર્ચથી સૌરાષ્ટ્ર અને કચ્છની નર્મદા કેનાલોમાં પાણી છોડવાનું કરાશે બંધ : આકરા ઉનાળાની શરૂઆત પહેલા જ કચ્છ- સૌરાષ્ટ્રના ખેડૂતો માટે માઠા સમાચાર : કચ્છ સહીત કુલ્લ પાંચ જિલ્લાના ખેડૂતોના પાક પર પહોંચશે અસર : ઉનાળુ પાકમાં પણ મોટી નુકસાનની ભીતિ : ૧પમી માર્ચથી સૌરાષ્ટ્રની કેનાલોમાં પાણી બંધ કરાશે : ટપ્પર ડેમ સહિત પીવાના પાણી માટે ખાસ વ્યવસ્થા કરાશે



કચ્છની નર્મદા કેનાલમાં બે મહિનાથી વધુ સમય માટે રિપેરીંગના કામ માટે પાણી બંધ થતાં સર્જાઈ શકે છે પાણીની વિકટ સમસ્યા : નર્મદા કેનાલમાં બાકી રહેલું પાણી ખેડૂતો એરંડા અને વરિયાળીને બચાવવા વાપરી નાખશે તો પીવાના પાણીની તકલીફ સર્જાશે : ૧૫ એપ્રિલ સુધી કેનાલ ચાલુ રાખવામાં આવે  તો ખેડૂતો મોટી આર્થિક નુકસાનીથી બચી શકે : સમારકામ માટેની ટેન્ડર સહિતની પૂર્વ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેનાલમાં પાણી બંધ કરવામાં આવે તેવી સ્થાનિક જાગૃત કિસાનોએ વ્યક્ત કરી લાગણી : સિંચાઈની સાથે પીવાના પાણીની પણ બુમરાડ અત્યારથી જ શરૂ : ઉનાળાની શરૂઆત સાથે જ મહત્તમ તાપમાનનો પારો ૪ર ડિગ્રીને આંબી જતા પીવાના પાણીની જરૂરીયાત પણ વધી છે : ભુજ શહેરની જ વાત કરીએ તો હાલ નગરપાલિકામાં પ૦ થી વધુ ટેન્કરોની દૈનિક માંગ ઉઠી : ખાનગી ટેન્કરોનો આંક એનાથી પણ વધુ પહોંચ્યો 





ભુજ : આકરા ઉનાળાની શરૂઆત પહેલા જ કચ્છ- સૌરાષ્ટ્રના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. નર્મદા વિભાગે પાણી છોડવાની અને કેનાલના ભરોસે ઉનાળું પાક ના કરવાની તાકીદ કરી છે. નર્મદા વિભાગે સૂચન કર્યુ છે કે, આગામી ૩૦ માર્ચથી કચ્છની નર્મદા કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. આ સાથે જ કચ્છ સહીત કુલ્લ પાંચ જિલ્લાના ખેડૂતોના પાક પર અસર પહોંચશે, ઉનાળુ પાકમાં પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કચ્છ કેનાલમાં રિપેરીંગ કામ બાકી હોવાથી સફાઈ કરવાની હોવાથી આગામી ૩૦ માર્ચથી કેનાલ બંધ કરવામાં આવશે.  નર્મદા આાધારિત પિયત કરતા ખેડૂતોને પિયત આાધારિત ઉનાળું પાકોનું વાવેતર કરવું નહીં તેવી સુચના આપી દેવામાં આવી છે. શાખા નહેરો, વિશાખા નહેરો અને પ્રશાખા નહેરોમાં સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવશે. એટલું જ નહીં નહેરોમાંથી અનાધિકૃત રીતે રાખવામાં આવેલા મશીનો, પંપ અને નળીઓ પણ હટાવી લેવા આદેશ કરવામાં આવ્યો છે. જોકે સમારકામ માટે ટેન્ડર સહિતની પ્રક્રિયા શરૂ કરવા પહેલા જ નહેર બંધ કરવાના નિર્ણય સામે કચ્છના કિસાનોમાં આક્રોશ ફેલાયો છે. સમારકામ પૂર્વેની જરૂરી પ્રક્રિયાઓ શરૂ પણ થઇ નથી તેમ છતાં કેનાલ બંધ કરવાનો નિર્ણય ઉનાળુ વાવેતર કરનાર ખેડૂતો માટે મુસીબત બનશે તેવું વાગડના જાગૃત કિસાન અગ્રણીઓ જણાવી રહ્યા છે. ગત વર્ષોમાં પણ કેનાલ બંધ કરાયા બાદ ટેન્ડર પ્રક્રિયા સહિત હાથ ધરાતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. જયારે કેનાલનું સમારકામ કરવાનું પહેલેથી જ આયોજન શા માટે નથી કરાતું ? તેવા સવાલો ખેડૂતો ઉઠાવી રહ્યા છે. તો સિંચાઈની સાથે પીવાના પાણી બૂમરાડ અત્યારથી જ ઉઠી રહી છે. તાપમાનનો પારો ઉનાળાના આરંભે જ ૪ર ડિગ્રીને આંબી જતા પાણીની જરૂરીયાત પણ વધી છે. હાલ ભુજ શહેરમાં નગરપાલિકા દ્વારા પ૦ ટેન્કરો દૈનિક સપ્લાય માંગ આવી રહી છે. તો ખાનગી ટેન્કરોના આંટાફેરા પણ વધી ગયા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. માર્ચ માહિનામાં અત્યારથી મે મહિના જેવી આકરી ગરમી પડી રહી છે. સામાન્ય માણસોની સાથે સાથે હવે ખેડૂતો માટે પણ માઠા સમાચાર સામે આવ્યા છે. કચ્છમાં આગામી ૩૦ માર્ચથી કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવામાં આવશે. નર્મદાનું પાણી બંધ થતાં જ કચ્છ સહીત પાંચ જિલ્લામાં ખેડૂતોના પાક પર ખતરો ઉભો થશે. વાગડ વિસ્તારના રાપર તાલુકાથી પસાર થતી કચ્છની નર્મદા કેનાલમાં બે મહિનાથી વધુ સમય માટે રિપેરીંગના કામ માટે પાણી બંધ થતાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે છે. આગામી દિવસોમાં સામખીયાળી ખાતેના સમ્પથી રાપર તાલુકાના ૯૭ ગામ અને ૨૨૭ વાંઢ વિસ્તારમાં અને રાપર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જશે. 
આ વિસ્તારના જાગૃત આગેવાનોના જણાવ્યા અનુસાર દર વર્ષે સમારકામ માટે કેનાલને મહિનાઓ સુધી બંધ રાખી દેવામાં આવે છે. કેનાલનું દર વર્ષે નિયમિત સમારકામ થાય તે ઇચ્છનીય છે પરંતુ, સમારકામની સરકારી પ્રક્રિયા લાંબી હોય છે. સરકાર દ્વારા કેનાલમાં પાણી બંધ થયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ ટેન્ડર રજૂ કરવાની મુદ્દત પૂરી થયા બાદ ટેન્ડરની ચકાસણી સહીત લાંબી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. સમારકામનો કોન્ટ્રાકટ અપાય તે બાદ સમારકામ થતું હોય છે. નર્મદા નિગમ દ્વારા જો ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને એજન્સી નક્કી થયા બાદ કેનાલને સમારકામ માટે બંધ કરવામાં આવે તો ખેડૂતોને લાભ થઇ શકે છે. પરંતુ નિગમ દ્વારા મનસ્વી નિર્ણય કરી મહિનાઓ સુધી પાણી બંધ કરીદેવામાં આવે છે જે ખેડૂતો માટે મુસીબતનું કારણ બને છે. રાપર શહેરને હાલ આઠ એમએલડી પાણીની જરૂરિયાત છે. રાપર શહેરમાં પાણીની સમસ્યા આ વખતે સખત ગરમી વચ્ચે વિકટ બની જાય તેવી સંભાવના છે. સમગ્ર કચ્છમાં સામખીયાળીથી પાણી આપવામાં આવે છે તો તે મુજબ રાપર તાલુકા અને શહેરને પુરતા પ્રમાણમાં પાણી મળે એવી સંભાવના ઓછી છે એટલે નગરપાલિકાની પાણી વ્યવસ્થા માટે પરસેવો વળી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છે. રાપર તાલુકાની સાડા ત્રણ લાખની વસ્તી અને ત્રણ લાખ જેટલા પશુઓ માટે પાણી માટેનો એક માત્ર આધાર નર્મદા  કેનાલ છે. નગરપાલિકા કે ગ્રામીણ વસ્તારોમાં આવેલી પંચાયત દ્વારા ભાગ્યે લોકલ સ્ત્રોત પાણીના ઉભા કર્યા છે.સૌથી વધુ કફોડી હાલત ઉનાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતોની થશે. તાજેતરમાં ખેડૂતોએ રજુઆત કરી હતી કે, એરંડા, વરિયાળી અને પાછોતરા વાવેતરને જોતા હજુ એકાદ મહિના સુાધી પાણીની જરૃરિયાત રહેશે. કચ્છ જિલ્લામાં ૩૦મી એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવું હોય તો સાંકળ ૦ કિમી થી ૮૨ કિમી સુધીમાં પણ પાણી ચાલુ રાખવું પડે તો આ સાંકળમાં પાણી ચાલુ રખાવવા કચ્છના ખેડુતો હવે કોની પાસે રજુઆત કરે ? તેવો સવાલ જાણકારો ઉઠાવી રહ્યા છે. 
નહેરો બંધ થઈ જશે તો ખેડુતોને કરોડો રૂપિયાનું નુકશાન જશે.  પાણી ચાલુ રહેશે તેવી આશાએ ખેડૂતોએ ઘાસચારાનું વાવેતર કર્યું હતું. તે ખર્ચ પણ એળે જશે. આજુબાજુના તળાવો નહિં ભરાય તો આસપાસનું વાવેતર, ઘાસચારો બળી જશે. ખાતર, બિયારણ અને મહેનતના અથવા મજૂરીના લાખો રૂપિયાનું પાણી  થઈ જશે.  કેનાલો બંધ કરવામા આવશે તો નર્મદા આાધારિત  પાણી પુરવઠા ઉપર મોટી અસર થશે  કેમ કે  રાપર તાલુકાના ફતેહગઢ, સુવઈ ડેમને પણ નર્મદાથી ભરાયા છે, રાપરને પાણી પુરુ પાડનાર નગાસર પણ અધુરુ રહેશે. કેનાલ બંધ થશે તો ઉનાળામાં વાગડમાં જળ સંકટ સર્જાશે. નર્મદા કેનાલમાં બાકી રહેલું પાણી ખેડૂતો એરંડા અને વરિયાળીને બચાવવા વાપરી નાખશે તો પીવાના પાણીની તકલીફ સર્જાશે. સ્થાનિક જાગૃત કિસાનો સમારકામ માટેની ટેન્ડર સહિતની પૂર્વ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેનાલમાં પાણી બંધ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જો ૧૫ એપ્રિલ સુધી કેનાલ ચાલુ રાખવામાં આવે  તો ખેડૂતો મોટી આર્થિક નુકસાનીથી બચી શકે છે તેવું વધુમાં ઉમેર્યું હતું. 

 

Comments

COMMENT / REPLY FROM