K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

હોળી - ધૂળેટીના પાવન પર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભકામનાઓ

13 March


હોલિકા દહનમાં આપણે અનિષ્ટનો નાશ કરીએ છીએ, તેમ જ આપણે રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગનો અંત આણીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગર :રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હોળી અને ધૂળેટીના પાવન અવસર પર ગુજરાતના નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, હોળીનો તહેવાર પરસ્પર પ્રેમ, સૌહાર્દ અને પ્રકૃતિના રંગોથી જીવનને સજાવવાનો સંદેશ આપે છે. આ પર્વ રંગ અને ઉમંગનું જ પ્રતિક માત્ર નથી, પરંતુ આપણને પ્રકૃતિના સંતુલનને જાળવી રાખવાની પ્રેરણા પણ આપે છે. જેવી રીતે ’હોલિકા દહન’ દ્વારા આપણે અનિષ્ટ તત્ત્વોનો નાશ કરવાની કામના કરીએ છીએ, તેવી જ રીતે આપણે રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગનો અંત આણવો જોઈએ.આ પવિત્ર અવસરે, તેમણે નાગરિકોને પ્રાકૃતિક ખેતી સ્વીકારી શૂદ્ધ, પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ઉત્પાદનોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી એ સશક્ત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેનો પાયો છે.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના ખેડુતોને અનુરોધ કર્યો છે કે તેઓ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી ધરતી માતાની ફળદ્રુપતા જાળવી રાખે અને પ્રાકૃતિક ખેત ઉત્પાદનો દ્વારા સ્વસ્થ સમાજની રચનામાં યોગદાન આપે. તેમણે નાગરિકોને પણ અપીલ કરી છે કે, તેઓ પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન અનાજ, ફળ અને શાકભાજીનો વધુમાં વધુ ઉપયોગ કરે, જેથી પરિવાર અને સમાજનું સ્વાસ્થ્ય સુધરી શકે.શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે આવો, આ હોળી પર આપણે સંકલ્પ લઈએ કે, રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન આપીશું, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું સેવન કરીશું અને ધરતી માતાને પવિત્ર અને ફળદ્રુપ રાખવામાં પોતાનું યોગદાન આપીશું. પ્રાકૃતિક ખેતી અપનાવીએ,  ભૂમિ, પાણી, પર્યાવરણ અને પ્રાણીમાત્ર પર પ્રેમ વરસાવીએ.
હોળી અને ધૂળેટીની સમગ્ર ગુજરાતવાસીઓને પુનઃ હાર્દિક શુભકામનાઓ!
----------------------

Comments

COMMENT / REPLY FROM