K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

આત્મા જ વ્યક્તિનો સાચો મિત્ર છે : આચાર્ય મહાશ્રમણજી

14 February




શાંતિદૂત આચાર્યશ્રીએ નવદીક્ષિત મુનિ કૈવલ્યકુમારને વડી દીક્ષા પ્રદાન કરી

ભુજ : જન-જનને સદ્દભાવના, નૈતિકતા અને નશામુક્તિની પ્રેરણા આપનારા જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં અનુશાસ્તા, યૂગપ્રધાન આચાર્ય મહાશ્રમણજી પોતાની ધવલ સેનાની સાથે વર્તમાનમાં કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં મંગલ પ્રવાસ કરી રહ્યા છે. આચાર્યશ્રીએ તેમના ભુજ પ્રવાસ દરમિયાન તેરાપંથ ધર્મસંઘનો ૧૬૧મો મર્યાદા મહોત્સવ ઉજવ્યો, જે આખા ગુજરાતની ધરા પર પ્રથમ મર્યાદા મહોત્સવ બન્યો સાથે સાથે આચાર્યશ્રીએ અહીં દીક્ષા સમારંભનું આયોજન કરી એક દીક્ષાર્થીને મુનિ દીક્ષા પણ પ્રદાન કરી હતી. આ ઉપરાંત આચાર્યશ્રીની મંગલ સન્નિધિમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.આચાર્યશ્રીએ શ્રદ્ધાળુઓની ભાવનાઓને ધ્યાનમાં રાખીને શહેરમાં પધરામણી દરમિયાન ભુજમાં આવેલા મંછાકેશવ સદનમાં પધાર્યા અને તેરાપંથ ભવનમાં રાત્રિ રોકાણ પણ કર્યું હતું. તેમના આરાધ્યની આવી કૃપાથી ભુજના નાગરિકો આનંદિત થયા હતા. સાત દિવસ પહેલાં આચાર્યશ્રીએ જે દીક્ષાર્થીને મુનિ દીક્ષા આપી હતી, તે જ નવદીક્ષિત મુનિ કૈવલ્યકુમારજીને શુક્રવારે છેદોપસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા) પ્રદાન કરી હતી. પોતાના જ શહેરમાં પોતાના આરાધ્યના મુખારવિંદથી દીક્ષિત થવું અને પછી વડી દીક્ષા પણ ત્યાં જ થવી, તે નવદીક્ષિત મુંની માટે ખૂબ જ આનંદદાયક ક્ષણ બની. શુક્રવારે કતીરા પાર્ટી પ્લોટમાં બનેલા ‘કચ્છી પૂજ’ સમવસરણમાં યૂગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીની મંગલ સન્નિધિમાં નવદીક્ષિત મુનિ કૈવલ્યકુમારજીની વડી દીક્ષા (છેદોપસ્થાપનીય ચારિત્ર)નો વિધિવત કાર્યક્રમ યોજાયો હતો. સાત દિવસ પહેલાં જ આ નવદીક્ષિત મુનિએ મુંનિત્વની દીક્ષા ગ્રહણ કરી હતી. જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘની પરંપરાનુસાર, પ્રથમ દીક્ષા લીધા બાદ સાત દિવસ પછી વડી દીક્ષા (છેદોપસ્થાપનીય ચારિત્ર)નું આયોજન થતું હોય છે. આ ભુજના ઈતિહાસમાં એક વિરલ ક્ષણ બની રહી હતી. હંમેશાની જેમ, શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજીએ ઉપસ્થિત જનતા સમક્ષ પાવન પાથેય પ્રદાન કરતા જણાવ્યું હતું કેપ શાસ્ત્રમાં મિત્ર વિશેનો ઉલ્લેખ આવે છે. દુનિયામાં લોકો મિત્રતા કરે છે અને તેના પાછળ કંઈક કારણ હોઈ શકે છે. મિત્ર પાસેથી મદદ મળી શકે, ખાસ વાતચીત થઈ શકે, પરંતુ શાસ્ત્રમાં કહ્યું છે કે, "હે પુરુષ! તારી આત્મા જ તારો સાચો મિત્ર છે અને તે જ તારો સૌથી મોટો શત્રુ પણ બની શકે છે." માનવજીવનમાં આનંદ કે દુઃખ જે કંઈ પણ મળે, તે પોતે જ પોતાની આત્માથી પ્રાપ્ત કરે છે. શાસ્ત્ર અનુસાર, સદ્‌પ્રવૃતિમાં લાગી રહેલી આત્મા મિત્ર બને છે, જ્યારે દુર્ભાવોમાં ફસાઈ ગયેલી આત્મા શત્રુ બની જાય છે. વ્યાવહારમાં લોકો એકબીજાને મિત્ર કે દુશ્મન માનતા હોય, પણ મૂળમાં દરેક વ્યક્તિની પોતાની આત્મા જ તેનું કલ્યાણ કરનારી કે નુકસાન કરનારી છે. અહિંસાની સાધનામાં રત આત્મા સજીવન મિત્ર છે, જ્યારે રાગ-દ્વેષ અને હિંસામાં ફસાઈ ગયેલી આત્મા શત્રુ સમાન છે.આચાર્યશ્રીએ મંગલ પ્રવચન બાદ મોટી દીક્ષાના મહત્ત્વ અને વિશેષતા વિશે સમજાવ્યું હતુ. ત્યારબાદ આર્ષવાણી ઉચ્ચારી નવદીક્ષિત મુનિ કૈવલ્યકુમારજીને વડી દીક્ષા પ્રદાન કરી હતી. તેઓએ ભક્તિપૂર્વક આચાર્યશ્રીને વંદન કરી અને મંગલ આશીર્વાદ પ્રાપ્ત કર્યુ હતુ. આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મોહનભાઈ પટેલે તથા પોલીસ ઈન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદીેએ આચાર્યશ્રીના દર્શન કર્યા અને તેમના મંગલ પ્રવચન સાંભળ્યા બાદ ભાવનાત્મક અભિવ્યક્તિ આપી હતી તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM