K U T C H U D A Y
Trending News

એજીઈએલ દ્વારા ખાવડામાં ૪૮૦ મેગાવોટના નવા પ્રોજેક્ટ...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

રજિસ્ટ્રેશનમાં છૂટછાટ નહીં મળતા  કચ્છમાં અનેક પ્રિ-સ્કૂલોને લાગશે તાળા

04 February

નોંધણીને આડે હવે માંડ ૧૦ દિવસ બાકી 






ભુજ : શિક્ષણ એ દરેક બાળકનો મુળભૂત અધિકાર છે પરંતુ કચ્છમાં શિક્ષણ એ એક ધીકતો વ્યવસાય બની ગયો છે. શિક્ષકો અને સ્ટાફની ઘટ્ટથી પીડાતી સરકારી શાળાઓના પાપે કચ્છમાં ખાનગી શાળાઓ અને પ્રિ-સ્કૂલોનો રાફડો ફાટયો છે. વાલીઓ પોતાના બાળકને પાયાથી જ સારૂં શિક્ષણ મળે તે માટે સરકારી આંગણવાડી કે બાલમંદિરના બદલે મોંઘી ફી ખર્ચી ખાનગી પ્રિ-સ્કૂલ નર્સરીઓમાં અભ્યાસ કરવા માટે દાખલ કરાવતા હોય છે. દર વર્ષે કચ્છમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ખાનગી પ્રિ-સ્કૂલ નર્સરીઓ શરૂ થતી હોય છે. જે પૈકી કેટલીક તો માત્ર કમાણી કરવા માટે જ શરૂ કરવામાં આવી હોય તેમ સરકારના શિક્ષણ વિભાગની કોઈ પણ મંજૂરી વિના જ શરૂ કરી દેવામાં આવતી હોય છે. નોંધણી વિનાની પ્રિસ્કુલમાંથી નિકળતા બાળકોને ધોરણ ૧ માં પ્રવેશ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત નોંધણીની પ્રક્રિયા ખુબ જ જટીલ હોવાથી પ્રિસ્કૂલ સંચાલકો તેની કડાકુટમાં પડવાનું ટાળતા હોય છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી દરેક શૈક્ષણિક સંસ્થા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દેવાતા હવે ભૂલકાઓની શાળાઓ નોંધણી માટે દોડતી થઈ છે. રાજ્યની પ્રિ-સ્કૂલોની નોંધણીને આડે હવે માંડ ૧૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે સરકારે પ્રિ-સ્કૂલ નોંધણી માટે જે છૂટછાટ આપવાની બાંહેધરી આપી હતી તે અંગે પરિપત્ર ન કરાતા કચ્છમાં અનેક પ્રિ-સ્કૂલોને તાળાં મારવાનો વારો આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર દ્વારા ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ જાહેર કરાયેલા પ્રિ-સ્કૂલની નોંધણી નીતિ સામે છેલ્લા એક વર્ષથી પ્રિ-સ્કૂલ એસોસિયેશન લડત આપી રહ્યું છે. પ્રિ-સ્કૂલ નોંધણીની શરતોના કારણે પ્રિ-સ્કૂલો ચલાવવી ખૂબ જ મુશ્કેલ હોવાનું એસો.નું માનવું છે. એસો. દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા બાદ ૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રિ-સ્કૂલ એસો. દ્વારા પોતાની રજૂઆતો કરવામાં આવી હતી અને સરકાર તરફથી પણ મૌખિક રીતે યોગ્ય કરવાની ખાતરી આપી હતી. જોકે, ત્યારબાદ હજુ સુધી સરકાર દ્વારા તે અંગે કોઈ સત્તાવાર 
પરિપત્ર કરવામાં આવ્યો નથી. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ પ્રિ-સ્કૂલોની નોંધણીનો છેલ્લો દિવસ છે ત્યારે એસો. મુંઝવણમાં મૂકાયું છે. એસો. દ્વારા જે માગણી કરવામાં આવી હતી તેમાં પ્રિ-સ્કૂલ ભાડાના સ્થળોએ ચાલે છે, જ્યાં માલિક રેન્ટ એગ્રીમેન્ટ બદલવાની મંજૂરી આપતા નથી. આ કારણથી સરકાર કોઈ પણ રેન્ટ એગ્રીમેન્ટ ચલાવે તેવી અમારી માગણી છે. સાથે સાથે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ સ્વીકારે તેવી રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત ૧૦૦થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવા નાના પ્રિ-સ્કૂલો માટે મોટી ટ્રસ્ટ રચવાની જરૂર ન હોવાની રજૂઆત કરાઈ હતી. ૧૫ વર્ષના રજિસ્ટર્ડ લીઝની માગ કરવામાં આવી છે, જે ભાડાની જગ્યા પર શક્ય નથી. જેથી પાંચ વર્ષના નોટરીઝ્‌ડ ભાડા કરારને માન્ય રાખવો જોઈએ. આ ઉપરાંત સરકાર દર ક્લાસ દીઠ રૂ. ૫ હજારની ફીની માગણી કરવામાં આવી છે, તેના બદલે દરેક પ્રિ-સ્કૂલ માટે રૂ. ૧૦ હજારની ફી નક્કી કરવામાં આવે તેવી પણ રજૂઆત હતી. જો કે રાજ્ય સરકારે હજુ સુધી કોઈ પરિપત્ર બહાર ન પાડતા હવે છેલ્લી ઘડીએ ફેરફારની શક્યતા નહીવત હોવાથી કચ્છમાં નોંધણી વિના ચાલતી અનેક પ્રિ-સ્કૂલ નર્સરીઓને તાળા મારવાની નોબત આવશે. અન્યથા આવી નર્સરીઓને ચેઈન પ્રિ-સ્કૂલ સાથે જોડાણ કરવાની ફરજ પડશે. 
.

Comments

COMMENT / REPLY FROM