K U T C H U D A Y
Trending News

મુંદરાના હવાલા રેકેટમાં વધુ એક કસ્ટમ અધિકારી સાણસા...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં ત્રાટકેલી ટીમોએ ૫ાંચ દિવસમાં ૨૭૦ લાખની વીજચોરી પકડી

18 December



વીજચોરો સામે તંત્રની લાલઆંખ : અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાના જુદા-જુદા વિસ્તારમાં પીજીવીસીએલના દરોડા


ગાંધીધામ : છેલ્લાં કેટલાંક સમયથી કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે લાલ આંખ કરી છે. જીયુવીએનએલ કચેરીના આયોજન હેઠળ તથા જીયુવીએનએલ કચેરીના અધિકારીઓના તેમજ નિગમીત કચેરીના મુખ્ય ઈજનેર અને અંજાર વર્તુળ કચેરીના વિશેષ મુખ્ય ઈજનેર, વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ પૂર્વ કચ્છના ચારેય તાલુકાના અનેક વિસ્તારોમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવ્યા છે. ગત સપ્તાહમાં તા.૯થી ૧૩-૧૨ સુધી આ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લાની અંજાર, ગાંધીધામ અને ભચાઉ વિભાગીય કચેરી હેઠળની પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, જીયુવીએનએલ પોલીસ અને એસઆરપી સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૫૬ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક વગેરે મળીને કુલ ૨૧૪૦ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૨૪૬ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં અંદાજીત કુલ રૂ. ૨.૭૦ કરોડની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. જેમાં અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ શહેરના વિવિધ વિસ્તારો તેમજ કોટડા, લાખાપર, પશુડા, વરસામેડી, ભુવડ, વીડી, ગળપાદર, ખારીરોહર, વંડી, તુણા, કડોલ, સામખીયારી, સણવા, મોડા, આડેસર ગામોમાં સૌથી વધુ વીજચોરી પકડવામાં આવી હતી.  આગામી દિવસોમાં ચેકિંગની ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

Comments

COMMENT / REPLY FROM