K U T C H U D A Y
Trending News

મુંદરાના હવાલા રેકેટમાં વધુ એક કસ્ટમ અધિકારી સાણસા...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કચ્છમાં જમીન માલિકો અને ડેવલોપર્સના ‘ભેદી’ જોઈન્ટ પ્રોજેક્ટથી કરચોરીનું કૌભાંડ

28 November

કાળા નાણાંનું એપી સેન્ટર એટલે બાંધકામ સેક્ટર



કેપિટલ ગેઈન ટેક્સથી બચવા મૂળ જમીન માલિક અને બિલ્ડર વચ્ચે થતા કરારથી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન : બે દાયકા દરમ્યાન બાંધકામ ક્ષેત્રે આવેલી તેજી સાથે ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો પણ ઉંચકાયો ગ્રાફ



જમીન ધારકથી માંડી બિલ્ડરો, ડેવલોપર્સ અને  ખરીદદારો ટેક્સ ચોરી માટે અપનાવી રહ્યા છે અલગ-અલગ તરકીબો : ભ્રષ્ટાચારના કિચળમાં કેટલાક ભ્રષ્ટ સરકારી બાબુઓ અને જમીન કાયદાના જાણકાર કાળા ડગલાધારીઓની સંડોવણીની ચર્ચાઓ
----------------------------------------------------------------------------------
આવકવેરા વિભાગ અને વહિવટી તંત્ર દ્વારા તલસ્પર્શી તપાસ થાય તો વ્યાપક કૌભાંડનો થાય ખૂલાસો : બાંધકામ ક્ષેત્રના જાણકારોએ વ્યક્ત કર્યો મત
----------------------------------------------------------------------------------

ભુજ : કચ્છ જિલ્લામાં કરચોરી અને કાળા નાણાં માટે રિયલ એસ્ટેટ બદનામ થઈ ચૂક્યું છે. કચ્છમાં કેપિટલ ગેઈન ટેક્સ (સીજીટી)માંથી બચવા જમીન માલિક અને બિલ્ડર્સ - ડેવલોપર્સ વચ્ચે થતાં કરારો થકી સરકારી તિજોરીને વર્ષે કરોડોનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે.વર્ષ ર૦૦૧માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ થયેલા સર્વાંગી વિકાસના પગલે કચ્છ જિલ્લામાં જમીનો સોનાની લગડી સમાન બની છે. એક સમયે પાણીના ભાવે મળતી જમીનોની કિંમત આસમાનને આંબી રહી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવેલી તેજી સાથે ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો ગ્રાફ પણ ઉંચકાયો છે. બિલ્ડરો અને ડેવલોપર્સ ટેક્સ બચાવવા માટે વિવિધ તરકીબો અપનાવે છે. સીજીટી બચાવવા વિવિધ કિમિયાઓ અપનાવી સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવે છે. આ ભ્રષ્ટાચારના કિચળમાં કેટલાક ભ્રષ્ટ સરકારી બાબુઓ અને કાયદાના જાણકાર કાળા ડગલાધારીઓના હાથ પણ ખરડાયેલા હોવાનું આ ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યા છે.કચ્છના વિકાસ બાદ શહેરી અને મોટા શહેરોની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ હેતુસરના બાંધકામો વધ્યા છે. ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવી મોટા-મોટા પ્રોજેક્ટ ધમધમતા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ જમીન માલિક અને બિલ્ડર સાંઠગાંઠ કરી જોઈન્ટ ડેવલોપમેન્ટ કરાર કરે છે. આવા કિસ્સાઓમાં જમીન વેચાણના દસ્તાવેજ થતાં નથી કે જમીનનું વેચાણ સરકારી ચોપડે નોંધાતું નથી. આવા પ્રોજેક્ટમાં જમીન માલિક ભાગીદાર બને છે. જમીન માલિક અને બિલ્ડર સંયુક્ત રીતે પ્રોજેક્ટ હાથ ધરે છે. કેટલાક કિસ્સાઓમાં જમીન માલિકને ચોક્કસ બાંધકામ, મકાન કે કોમર્શિયલ સ્પેસ આપવા અંગે કરાર કરવામાં આવે છે. લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાંથી બચવા વ્યાપકપણે આ પેટર્ન અપનાવાઈ રહી છે. આ પ્રકારના સોદામાં જમીન માલિક તેની જમીનની કિંમત મુજબ કોમર્શિયલ સ્પેશ કે બાંધકામ મેળવવા છતાં તેના પર કોઈ ટેક્સ ભરતા નથી. આ ઉપરાંત કચ્છમાં કેટલાક પ્રોજેક્ટ્‌સ પર જમીન માલિકને જમીનની કિંમતનો એક ચોક્કસભાગ આપી દેવામાં આવે છે. ત્યારબાદ તે જમીન પર થતાં બાંધકામના દસ્તાવેજ મૂળ માલિકના નામે કરાવી વ્હાઈટની રકમમાંથી જમીનની બાકી રહેતી રકમ ચૂકવવામાં આવે છે. જ્યારે બિલ્ડર કે ડેવલોપર્સને સોદાની બાકીની રકમ રોકડમાં ચૂકવવામાં આવે છે. કેટલાક સ્થળો પર નવા બાંધકામોના વેચાણ દસ્તાવેજ માત્ર જમીન વેચાણના બનાવી દઈ સ્ટેમ્પ ડ્યુટીની મોટી ચોરી કરવામાં આવતી હોય છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં ડેવલપ થઈ રહેલી નવી-નવી રહેણાંકની વસાહતોમાં બિલ્ડરો માત્ર જમીનના દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવી પાકું બાંધકામ કરેલ મકાન, ટેનામેન્ટના વેચાણ કરતા હોય છે. બિલ્ડરો પોતાની વગનો ઉપયોગ કરી આવા સોદાઓમાં ખરીદદારોને માત્ર જમીનના દસ્તાવેજ પર જ મકાનની લોન આપી પાસ કરાવી દેતા હોય છે. કચ્છના મોટા શહેરો જેવા કે ભુજ નજીકના ગામડાઓમાં માધાપર, મીરઝાપર, સેડાતા, રતિયા સહિત અનેક ગામમોમાં બિલ્ડર જમીન ખરીદી લીધા બાદ પણ જમીન પોતાના નામે ન કરી મુળ ખેડુતના નામથી અન્ય લેનાર નામો કરી વચ્ચે ઈન્કમટેક્ષની મોટા પાયે ગણભર થઈ છે. ગાંધીધામમાં ગળપાદર, મેઘપર બોરીચી, મેઘપર કુભારણી, ગળપાદર, વરસામેડી, તો અંજાર નજીક આવેલ સત્તાપર સહિત અનેક ગામોમાં આવા મોટા જમીન પ્રોજેકટ થયા છે પણ બિલ્ડર આ જમીન પોતાના નામે ન કરી કારોડો રૂપીયા ટ્રેકસનો ગોલમાલ કર્યો છે.  કચ્છ જિલ્લામાં ટેક્સ ચોરી અને કાળા નાણાં માટે રિયલ એસ્ટેટ સેક્ટરનું નામ બદનામ થયું છે. આવા કરારો હવે આવકવેરા વિભાગના રડારમાં આવી ગયા છે. વહિવટી તંત્ર દ્વારા પણ તલસ્પર્શી તપાસ કરવામા ંઆવે તો કચ્છમાં સીજીટી અને અન્ય ટેક્સ ચોરીના મોટા કૌભાંડ બહાર આવી શકે તેવું જાણકારો જણાવી રહ્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM