K U T C H U D A Y
Trending News

મુંદરાના હવાલા રેકેટમાં વધુ એક કસ્ટમ અધિકારી સાણસા...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ખારીના પ્રેમ પ્રકરણમાં એકમેકને પામવા માટે  ભુજના નિરાધાર વૃદ્ધની હત્યા કર્યાનો ઘટસ્ફોટ

12 October


વૃદ્ધનો દેહ સળગાવી યુવતીએ પોતે અગ્નિસ્નાન કર્યું હોવાનું જાહેર કરી બન્ને જણા દ્વારકાના ભાણવડ ગામે ભાગી ગયા : મહિનો રોકાયા બાદ પાપનું પશ્ચાતાપ કરવા ભુજ આવ્યા પણ પરિવારે પોલીસને જાણ કરતા ભાંડો ફુટ્યો : પોલીસ કાર્યવાહીથી બચવા મોમાયમોરામાં અંતિમ દર્શન કરી બન્ને જણા આપઘાત કરે તે પહેલા ખાવડા પોલીસના હાથે ઝડપાઈ ગયા 

ભુજ : થ્રીલર ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી ચકચારી અને રહસ્યમયી ઘટના પરથી આખરે પડદો ઉંચકાઈ ગયો છે. જેમાં  યુવક - યુવતીએ લગ્નના પવિત્ર સંબંધની સાથે મોતનો પણ મલાજો જાળવ્યો નથી. પ્રેમાંધ પરિણીતોએ એક મેકને પામવા માટે ભુજના નિરાધાર વૃધ્ધની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસની પુછપરછ ચાલુ છે જે બાદ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે.
આ અંગેની વિગતો મુજબ ભુજ તાલુકાના ખારી ગામે બે મહિના પહેલા મૃત પામેલી દિકરી ઘરે આવતા પિતા ચોંકી ઉઠયા હતા અને પિતાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા એક બાદ એક રહસ્યના આટા પાટા સર્જતી ઘટનામાં પડદો ઉંચકાઈ ગયો છે. ભુજ તાલુકાના નાડાપા ગામે રહેતી મુળ ગોડપરની રામીના લગ્ન ૧૦ વર્ષ અગાઉ ખારી ગામે થયા હતા. પતિ જોડે મનમેળ ન થતા કોર્ટ મારફતે છુટાછેડા લીધા હતા. છુટાછેડા લીધાના ૧પ દિવસ બાદ ૪ જૂન ર૦ર૪ના ખારી ગામના કાનજી ચાડ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ રામીને ગામમાં રહેતા પરિણીત યુવા અનિલ ગાગલ સાથે પ્રેમ સબંધ હતો, સામાજીક દ્રષ્ટિએ બન્નેના લગ્ન શક્ય ન હતા. જેથી ભાગી જવાનું નક્કી કર્યું. પ જુલાઈના રામીએ કાકાજી સસરાના વાડામાં લાકડાના ભારામાં આગ લગાવી બળી મરવાનું નાટક કર્યું હતું. તેમજ સ્થળ પર કપડા, ઝાંઝર, મોબાઈલ મુકયા હતા. મોબાઈલમાં પોતે આપઘાત કરતી હોવાનો વીડીયો પોસ્ટ કર્યો હતો. જેથી પરિવારને વિશ્વાસ આવી ગયો અને રામીએ આપઘાત કરી લીધો છે તેમ માની પરિવારે તમામ અંતિમવિધિ કરી નાખી હતી. જો કે અચાનક ર૭ સપ્ટેમ્બરે રાત્રે રામી અચાનક તેના પ્રેમી અનિલ સાથે નાડાપા ગામે તેમના પિતાના ઘરે આવી અને પોતે આપઘાત કર્યું નથી તેમ જણાવ્યું હતું. પોલીસમાં જવાનું કહેતા બન્ને જણા ભાગી ગયા હતા. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી જેમાં સમગ્ર મામલો હત્યાનો હોવાનું સામે આવ્યું હતું. બન્નેને રાપર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. પુછપરછમાં બન્ને કબુલાત આપી કે, રામીએ આપઘાત કરવા માટે કાવત્રું રચ્યું હતું. તેમાં લોકોને ખાતરી થાય તે માટે અન્ય કોઈનું મૃત શરીર જોઈતું હતું. અનિલ બિનવારસુ લાશ મેળવવા માટે ત્રણ જુલાઈના ભુજ આવ્યો હતો. આખો દિવસ ફર્યા બાદ કોઈ લાશ ન મળી. હમીરસર કાંઠે બેઠો ત્યારે ૭૦ વર્ષિય વૃધ્ધ જોવા મળ્યા તેમની સાથે વાતચીત કરતા કોઈ સગા વ્હાલા ન હોવાથી પોતાની સાથે આવવા જણાવ્યું પણ કાકાએ ના પાડી રાત્રે તેઓ સુઈ ગયા ત્યારે તેમને બળજબરીથી ગાડીમાં બેસાડી ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસમાં ન પકડાય તે માટે મુખ્ય માર્ગના બદલે છછી - ભોજરડોના કાચા રસ્તે ખાવડા ગયો હતો. ઘરે વાડામાં આવી લાશ છુપાવી દીધી. બીજા દિવસે કોઈનેે ખબર ન પડે તેમ લાશને રામીના કાકાજી સસરાના વાડામાં લાકડાના ભારા વચ્ચે ગોઠવી આગ ચાંપી દીધી અને સ્થળ પર કપડા, ઝાંઝર ચિતામાં નાખી દીધા અને બહારે મોબાઈલને ચપ્પલ રાખ્યા હતા. વૃદ્ધના અંતિમ સંસ્કાર થતા તેમના ફુલને પરિવારે રામીના ફુલ હોવાનું માની અંતિમવિધિ કરી હતી. બન્ને જણા વૃદ્ધને સળગાવ્યા બાદ વાગડમાં રવેચી મંદિરે ગયા હતા, ત્યાંથી રામવાવ મિત્રના ઘરે રોકાયા બાદમાં પ્રેમિકાને રાજકોટ મુકી આવી અનિલ ગાગલ ખારી ગામે આવ્યો અને પ્રેમિકાના સાસરીયાએ રાખેલા બેસણામાં હાજરી પણ આપી હતી. બાદમાં ફરી પ્લાનીંગ પ્રમાણે ચાલ્યો ગયો, જો કે પોલીસને ખબર પડી જતા બન્ને જણાએ આપઘાત કરવાનું નક્કી કર્યું અને મોમાયમોરા સ્થિત મોમાય માતાજીના મંદિરે અંતિમ દર્શન કરવા માટે રવેચી, વ્રજવાણી ગયા, રાપરમાંથી આપઘાત માટે દોરડું ખરીદયું અને મોમાયમોરા પહોંચે તે પહેલા ખાવડા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. બન્ને જણા દ્વારકાના ભાણવડમાં મિત્રના ઘરે મહિનો સુધી રોકાયા હતા. બે મહિના સુધી આમથી તેમ ભટકયા બાદ આખરે હવે પોલીસની કસ્ટડીમાં આવી ગયા છે. ખાવડા પોલીસે બન્નેની પુછપરછ હાથ ધરી છે. સાથે હતભાગી વૃદ્ધનો સ્ક્રેચ બનાવી જાહેર કર્યો છે. વૃદ્ધના પરિવારને શોધવામાં આવી રહ્યો છે. બાદમાં સત્તાવાર રીતે ગુનો દાખલ થશે. આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે.

 

Comments

COMMENT / REPLY FROM