K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક - ક્રાંતિતીર્થ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વારસાને સદાય માટે નવી પેઢીઓ સુધી પહોંચાડશે - મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

04 October

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માંડવીના મસ્કા ખાતે રૂ. ૨૦ કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી અને આકર્ષણો સાથે આધુનીકરણ પામેલ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક - ક્રાંતિતીર્થનું લોકાર્પણ કરાયું

મ્યુઝીયમ ગેલેરી તથા ઇન્ડીયા હાઉસની મુલાકાત લઇને ભારતના સ્વાતંત્ર્ય સેનાની શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની જીવન ગાથા તથા ભવ્ય વારસાને નિહાળ્યો 






ભુજ,: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૭મી જન્મજયંતિ નિમિત્તે  કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે રૂ. ૨૦ કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી અને રસપ્રદ આકર્ષણો સાથે આધુનીકરણ પામેલ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક - ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક - ક્રાંતિતીર્થ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વારસાને સદાય માટે નવી પેઢીઓ સુધી પહોંચાડશે તેવી ભાવના વ્યક્ત કરી હતી.  મુખ્યમંત્રીશ્રીએ નવીનીકરણ પામેલા ક્રાંતિતીર્થની તકતીનું અનાવરણ કરીને બ્રિટિશ સામ્રાજ્યના ગઢમાં સ્વતંત્રતાની મશાલ જગાવનાર દેશભક્તશ્રી શ્યામજી કૃષ્ણ વર્માના જીવનની ઝાંખી કરાવતી મ્યુઝીયમ ગેલેરી તથા ઇન્ડીયા હાઉસની મુલાકાત લઇને ભારતના સ્વાતંત્ર્ય સેનાની શ્રી શ્યામજી કૃષ્ણવર્માની જીવનગાથા તથા તેના ભવ્ય વારસાને નિહાળીને ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.   ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તથા હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં "શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક"ની સ્થાપના કરવામાં આવી હતી. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૫ કરોડની ફાળવણી તેમજ જીએમડીસી દ્વારા ફાળવેલા ૫ કરોડ સહિત કુલ રૂ. ૨૦ કરોડના ખર્ચે મુખ્યત્વે પ્રાચીન ઇતિહાસ અને આધુનિક સુવિધાઓનો સમન્વય કરીને ક્રાંતિતીર્થનું આધુનીકરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ નવીનકરણ પામેલા ક્રાંતીતીર્થના લોકાર્પણ પ્રસંગે ઇન્ડિયા હાઉસ અને વીરાંજલી ગેલેરીનું પુનઃનિમાર્ણ, અદ્યતન આર્કિટેકચરલ લાઇટિંગ અને મુલાકાતીઓ માટે ઉમેરાયેલી લિફટ જેવી સુવિધાઓ નિહાળી હતી.   મુખ્યમંત્રીશ્રીએ વીરાંજલી ગેલેરીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માના જન્મ, શિક્ષણ, દેશભ્રમણ, સ્વદેશગમન, કારકિર્દી, સ્વામી દયાનંદ સાથે સક્રિયતા સહિતની તેમના વ્યકિતગત જીવન-કવનની સમગ્ર ઝાંખી નિહાળી હતી. ત્યારબાદ બ્રિટિશ સામ્રાજ્યના ગઢ લંડનમાં ૬૫ ક્રોમવેલ એવન્યુ સ્થિત મૂળ ઇન્ડિયા હાઉસની આબેહૂબ પ્રતિકૃતિ તરીકે સંપૂર્ણ પુનઃનિર્માણ કરવામાં આવેલા ઇન્ડિયા હાઉસની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મુલાકાત લીધી હતી. ઐતિહાસીક દ્રષ્ટિકોણ જાળવીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરાયેલા ઇન્ડિયા હાઉસમાં શ્યામજી કૃષ્ણ વર્માના જીવનપ્રસંગો અને ભારતના સ્વતંત્રતા આંદોલનના વિવિધ પ્રવર્તકો વિશેના દસ્તાવેજો અને પ્રદર્શિત કરાયેલા પેઇન્ટિંગ્સ, આધુનિક પ્રદર્શનો, ઇન્ટરેકિટવ ડિસ્પ્લેબોર્ડસ અને ડિજિટલ ટચસક્રીન ટેકનોલોજીથી સજ્જ સમગ્ર માહિતીને મુખ્યમંત્રીશ્રીએ રસપૂર્વક નિહાળીને જરૂરી જાણકારી મેળવી હતી તથા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માને અંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે વનવિભાગ દ્વારા શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે નમો વનવડ મોડેલ અન્વયે કરવામાં આવેલી કામગીરી તથા સામાજીક વનીકરણ હેઠળ વનકવચ યોજના અંતર્ગત વાવેતર કરાયેલા ૨૦ હજાર રોપાની માહિતી મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી.ક્રાંતિતીર્થની આ સમગ્ર મુલાકાત દરમિયાન જાણીતા ઇતિહાસકાર , લેખક, પત્રકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેમોરીયલના આધુનિકીકરણ અંગે માહિતગાર કર્યા હતા. આ મુલાકાત વેળાએ સાસંદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા,  ધારાસભ્ય સર્વશ્રી અનિરુદ્ધભાઈ દવે, કેશુભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી તથા ત્રિકમભાઇ છાંગા સહિત આગેવાન શ્રી દેવજીભાઈ વરચંદ, દિલીપભાઈ દેશમુખ, કલેકટર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ. કે. પ્રજાપતિ હાજર રહ્યા હતા.


 

Comments

COMMENT / REPLY FROM