K U T C H U D A Y
Trending News

મુંદરાના હવાલા રેકેટમાં વધુ એક કસ્ટમ અધિકારી સાણસા...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ખનિજ લીઝ એકસમાટી રદ્દ થતાં જિલ્લાના બાંધકામ ક્ષેત્રને ફટકા

28 July


રો-મટેરિયલની અછત સર્જાતા  ખાનગી પ્રોજેકટો અને સરકારી મોટા પ્રોજેક્ટથી માંડી મકાનોના બાંધકામમાં સર્જાયો અવરોધ : ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ સ્થિતિ વધુ ગંભીર બનવાનો અંદેશો : બાંધકામ કરનાર મજુરો સહિત ખનન સંલગ્ન ટ્રાન્સપોર્ટ સહિતના વ્યવસાયોને માઠી અસર : પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગાર મેળવતા અનેક લોકોના રોજગાર છીનવાશે 



મુન્દ્રા, ખાવડાના સોલાર પ્રોજેક્ટ, કંડલા પોર્ટ સહિત ડીપી વર્લ્ડ પ્રોજેક્ટ ઉપરાંત ડીફેન્સ, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયતના રોડ-રસ્તાના પ્રોજેક્ટની ગતિ પડશે મંદ : ભૌગોલિક સ્થિતિ અને વિશાળતાના કારણે જિલ્લા બહારથી રો-મટેરિયલની આયાત નથી વ્યવહારૂ ઉકેલ : ખાવડા - મુન્દ્રા સહિત જેવા છેવાડાના વિસ્તારો માટે જિલ્લા બહારથી રો-મટેરિયલ મંગાવવાની સ્થિતિમાં પરિવહન ખર્ચ મટેરિયલની મૂળ કિંમતથી વધે તેવી સંભાવના


ભુજ : કચ્છ જિલ્લામાં પર્યાવરણ અને વન્ય સંપદાને નુકશાન ન પહોચે તે માટે તમામ લીઝો માટે રાજ્યકક્ષાની કમિટી પાસેથી પર્યાવરણીય મંજૂરી ફરજીયાત રહે છે. કચ્છમાં ચાઈનાક્લે,  બેન્ટોનાઈટ, રેતી, કાંકરી સહિત અનેક  ગૌણ ખનિજની અનેક લીઝ કાર્યરત છે. તાજેતરમાં પર્યાવરણીય મંજૂરીના અભાવે ખાણ ખનિજ વિભાગે રપપ જેટલી ગૌણ ખનિજની લીઝને એક સાથે બંધ કરી દેતા વિવિધ વ્યવસાયોમાં તેની માઠી અસર દેખાઈ રહી છે.
આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં પર્યાવરણીય મંજૂરીના અભાવે રપપ લીઝ એક સાથે બંધ થઈ જતાં જિલ્લામાં મોટા સરકારી તેમજ ખાનગી વિકાસ પ્રોજેક્ટથી માંડી મકાન બાંધકામ ક્ષેત્રે રો-મટેરિયલની અછત સર્જાઈ છે. રેતી, કાંકરી જેવી લીઝ બંધ થતાં બાંધકામ, પરિવહન ક્ષેત્ર ઉપરાંત લીઝ મારફતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગાર મેળવતા હજારો શ્રમજીવીઓની આજીવિકા પર અસર જોવા મળી છે. બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં હાલે અનેકવિધ નાના-મોટા ખાનગી પ્રોજેક્ટ પ્રગતિમાં છે. ખાવડામાં એશિયાના સૌથી મોટા સોલાર એનર્જી પ્રોજેક્ટ, મુંદરાના માળખાકીય સુવિધાઓના વિસ્તારના કામો, ક્ડલા પોર્ટ તેમજ તુણા પોર્ટમાં ડીપી વર્લ્ડ સહિત, ડીફેન્સ, નેશનલ હાઈવેના નિર્માણ, ડિફેન્સના વિવિધ પ્રોજેક્ટ પ્રગતિમાં છે. જિલ્લા કક્ષાના રોડ-રસ્તાના કામો પણ ચાલી રહ્યા છે તેવામાં ખનિજના એટીઆર બંધ થવાથી પ્રોજેક્ટ સાઈટ પર રો-મટીરિયલની અછત ઉભી થઈ છે. સૂત્રો વધુમાં જણાવે છે કે, હાલમાં વરસાદની સિઝન ચાલી રહી હોવાથી લીઝ બંધ થયાની ખાસ અસર જોવા મળતી નથી, પરંતુ ચોમાસા બાદ તેની વ્યાપક અસર દેખાશે. બાંધકામ આગળ નહી વધે તો તેના સાથે સંકળાયેલા સિમેન્ટ, સ્ટીલ, ફર્નિચર, ઈલેકટ્રીક ઉપરકરણો સહિત અનેક રોજગાર ક્ષેત્રને અસર થશે. રાજ્ય સરકારને મળતી રોયલ્ટીની આવક તો ઘટશે પરંતુ આ ક્ષેત્રે સાથે સંકળાયેલા અનેક રોજગારીનો પ્રશ્ન ઉભો થાય તો નવાઈ પામવો જેવું નહી હોય. કચ્છ એ રાજ્યના છેવાડાનો જિલ્લો છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ ખૂબ વિશાળ છે તેથી કચ્છમાં બાંધકામ ઉપયોગીત રેતી, કાંકરી જેવું રો-મટેરિયલ જિલ્લા બહારથી લાવવું આર્થિક દ્રષ્ટિએ વ્યવહારૂ નથી. ખાવડા, મુન્દ્રા,  અબડાસા જેવા છેવાડાના વિસ્તારોમાં જિલ્લા બહારથી રો-મટેરિયલ પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ રો-મટેરિયલની કિંમત કરતા વધુ થશે. બીજી તરફ બાંંધકામનો વ્યવસાય ઠપ્પ થવાથી સ્ટીલ, સિમેન્ટ, ફર્નિચર જેવા સંલગ્ન વ્યવસાયોમાં પણ મંદી આવશે. બાંધકામ અને ટ્રાન્સપોર્ટ રોજગાર આપતા વ્યવસાય હોવાથી જિલ્લામાંરોજગારીનો પ્રશ્ન પણ વિકટ બનશે.


.........


ઈસીના અભાવે બંધ થયેલ લીઝની યાદી


લીઝનો પ્રકાર    સંખ્યા
ચાઈનાક્લે    ર૭
વ્હાઈટ ક્લે    ૩૮
જીપ્સમ         ૦૧
બોલક્લે        ૦૧
બેન્ટોનાઈટ    પ૭
બ્લેકટ્રેપ         પ૯
લાઈમસ્ટોન     ૧૩
સાદી રેતી       ૧૯
સેન્ડસ્ટોન       ૧પ

.........

બેંક લોનના હપ્તા અટકશે

ભુજ : કચ્છ જિલ્લામાં ગૌણ ખનિજની લીઝ એક સાથે બંધ થતાં અનેક સંલગ્ન વ્યવસાયો પર તેની માઠી અસર જોવા મળશે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કહે છે કે, ખનિજ ઉત્ખનની મશીનરી, ક્રશર, ખનિજ પરિવહન માટે ઉપયોગમાં લેવાતા મોટા ભાગના વાહનો બેંકની લોન મારફતે લેવાયા હોય છે. લીઝ બંધ થવાથી બેંક લોનના હપ્તા પણ ચૂકવવા મુશ્કેલ બનશે.


..........

જિલ્લામાં અન્ય માન્ય લીઝો પર બંધ થવાથી લટકતી તલવાર


લીજ વિસ્તારમાં મંજૂરીથી વધુ ખનન કરનાર લીઝધારકો સામે લેવાશે પગલાં : જિલ્લાની ૬૦ જેટલી ઈસી ધરાવતી લીઝ સામે શરતભંગની કાર્યવાહીનો ઘડાયો તખ્તો



ભુજ : કચ્છ જિલ્લામાં સ્ટેટ કમિટી પાસેથી ઈસી મેળવવામાં વિફળ રહેલી રપપ જેટલી લીઝના એટીઆર એક સામટા બંધ થયા બાદ હવે જિલ્લામાં ઈસી ધરાવતી અન્ય પ૦થી ૬૦ જેટલી ગૌણ ખનિજની લીઝ પર પણ બંધ થવાની તલવાર લટકી રહી છે. આ અંગે મળતી વિગતો મુજબ કચ્છ જિલ્લામાં આવેલી પ૦ થી ૬૦ જેટલી ગૌણ ખનિજની લીઝો દ્વારા પર્યાવરણીય મંજૂરી મેળવવામાં આવી છે. આ મંજુરીમાં વાર્ષિક ખનનનું લક્ષ્યાંકથી વધુ ખનન થયાનું તંત્રને ધ્યાનમાં આવ્યું છે.  લાંબા સમયથી કાર્યરત આ લીઝ પર નિયત મર્યાદાથી વધુ પ્રમાણમાં ખનિજનું ઉત્ખનન થયાનું સપાટીએ આવ્યું છે. લીઝની શરતથી વધુ માત્રામાં ખનન થયું હોવાથી તે તમામ લીઝ પર પગલાં તોડાઈ રહ્યા છે. પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગના અધિકારી દેવેન્દ્રભાઈ બારિયાએ જણાવ્યું હતું કે, જિલ્લાની પ૦થી વધુ લીઝ પર પ્રોસેસ કરી લેવામાં આવી છે. આગામી દિવસોમાં સુનાવણી બાદ રાજ્ય કચેરીના આદેશ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

............

Comments

COMMENT / REPLY FROM