K U T C H U D A Y
Trending News

મુંદરાના હવાલા રેકેટમાં વધુ એક કસ્ટમ અધિકારી સાણસા...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કચ્છમાં અનેક ખાનગી પ્રિ-સ્કૂલો અને કોચિંગ ક્લાસીસમાં ફાયર સેફટીના નામે મીડું 

29 May

વિદ્યાર્થીઓના જીવન પર જોખમ





જિલ્લામાં રહેણાક વિસ્તારોમાં ધમધમતા મંજૂરી વગરના ટ્યૂશનના હાટડાઓની તપાસ થવી અનિવાર્ય : નાના ભૂલકાઓની સુરક્ષા મામલે વહીવટી તંત્ર દાખવે ગંભીરતા : અનેક પ્રિ-સ્કૂલ અને કોચિંગ સેન્ટરમાં માત્ર દેખાવ પૂરતી ફાયર સેફટી સિસ્ટમ થઈ છે ઈન્સ્ટોલ : સ્પર્ધાત્મક કસોટી, ઈંગ્લિશ સ્પીકીંગ, સ્કીલ ડેવલપમેન્ટ જેવા કોર્સ ચલાવતા સેન્ટરોની તપાસ થવી ઘટે


ભુજ : રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કચ્છ સહિત સમગ્ર દેશને હચમચાવી દીધું છે. ર૮ નિર્દોષ લોકોએ આ માનવ સર્જિત દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે. બેજવાબદાર અને ભ્રષ્ટ તંત્રના પાપે આવીકરૂણ દુર્ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી તંત્રએ બોધપાઠ લીધો હોત તો કદાચ આપી દુર્ઘટનાઓ બનતી અટકી હોત પરંતુ તેવું બન્યું નથી અને રાજ્યમાં કરૂણાંતિકાઓનો સીલસીલો વણથંભ્યો રહ્યો છે. 
કચ્છ જિલ્લાના સંદર્ભે વાત કરીએ તો રાજકોટના ગેમઝોનની જેમ જ કચ્છમાં ઠેરઠેર પ્રિ-સ્કૂલ અને કોચીંગ ક્લાસ ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા વગર ધમધમી રહ્યા છે. તો કેટલાક સ્થળોએ માત્ર દેખાડા પુરતી ફાયર સેફટી સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. અનેક પ્રિ-સ્કૂલ કે કોચીંગ ક્લાસમાં ફાયર એનઓસી રિન્યૂ કરવામાં આવી જ નથી. જિલ્લામાં અનેક ટ્યૂશન કલાસીસ ટ્રાફિકની ભરચક વિસ્તારોમાં માત્ર એક જ એન્ટ્રી અને એકિઝટ દ્વાર સાથે ચાલી રહ્યા છે. જિલ્લા મથક ભુજ સહિત કચ્છભરમાં શેરી ગલીઓ અને એપાર્ટમેન્ટમાં પ્રિ-સ્કૂલો અને ક્લાસીસ ચાલી રહ્યા છે ત્યારે બાળકોની સુરક્ષા પર અનેક સવાલો ઊભા થયા છે. અનેક જગ્યા પર પ્રિ-સ્કૂલ કે ક્લાસીસ રેસિડેન્સીયલ મકાનોમાં ચાલી રહ્યા છે ત્યાં બાળકોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે. દુભાગ્યની વાત એ છે કે, કેટલીક પ્રિ-સ્કૂલો અને કોચીંગ ક્લાસ કોઈપણ જાતના રજીસ્ટ્રેશન વગર જ ખાનગી ધોરણે ધમધમે છે. વાલીઓ પોતાના સંતાનોને સારું શિક્ષણ મળે તે હેતુથી આવા સ્થળો પર કોચીંગ લેવા માટે મોકલતા હોય છે. રાજકોટ જેવી કોઈ મોટી દુર્ઘટનાનું જોખમ સતત જળબતું રહે છે. તેનાથી ખુદ વાલીઓ અજાણ હોય છે. જિલ્લા મથક ભુજ અને કચ્છના શહેરી વિસ્તારોમાં અનેક ખાનગી કલાસીસ ચાલી રહ્યા છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કોમ્પ્યૂટર કોચીંગ, ઈન્ટરનેશનલ બેન્ગવેઝ, ઈંગ્લિશ સ્પીકીંગ કોર્સ, સ્કીલ ડેવલપમેન્ટ, સ્કૂલોના કોચીંગ જેવા ક્લાસીસ ચાલતા હોય છે. મોટાભાગના કોચીંગ સેન્ટર રેસિડેન્સીયલ ઈમારતો કે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ચાલતા હોય છે. આવા સેન્ટર પર ફાયર સેફટીના પૂરતા સાધનોનો અભાવ હોય છે. 


..........


શાળાઓ શરૂ થતા જ વાહોનોની થશે તપાસ : આરટીઓ 


પશ્ચિમ કચ્છ આરટીઓ વિભાગના શ્રી વાઘેલાએ જણાવ્યું કે, શાળા શરૂ થશે ત્યારે આરટીઓની ટીમ દ્વારા બાળકોને લઈ જતા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવશે તેમાં સેફટીનો ખાસ ખ્યાલ રાખી વાહનોની તપાસ ટીમ દ્વારા કરવામાં આવશે. જો કોઈ ખામી દેખાશે કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શાળાએ જતા બાળકોને તેડવા-મુકવા માટે રીક્ષા, ગેસ આધારિત ગાડીઓનો વપરાશ કરાય છે. ક્યારેક વધુ પૈસા કમાવવાની લ્હાયમાં ઓવર લોડ સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવે છે અને સીએનજીની ગાડીઓમાં ટાંકી પર બેસાડાય છે જે અત્યંત જોખમી છે. 

 

Comments

COMMENT / REPLY FROM