હસ્તકલાઓના દુર્લભ ખજાના સમાન નવું પ્રદર્શન “વઝીરભાઈનો વારસો’નું એલએલડીસી મ્યુઝિયમ ખાતે લોકાર્પણ
ભુજ - કચ્છઉદય : એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે નુતન પ્રદર્શન “વઝીરભાઈનો વારસો’ વિવિધ હસ્તકળાઓ અને ટેક્સટાઈલ નિષ્ણાતો, કારીગરો, ડિઝાઇનરો, મહાનુભાવો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને આમંત્રિતો તેમજ હસ્તકળા પ્રેમીઓની ઉપસ્થિતિમાં કોનકાસ્ટ (ઈન્ડિયા) ના એમડી અને સીઈઓ કિરણ શાહના હસ્તે ખુલ્લુ મુકાયું હતું.
આ પ્રસંગે એલએલડીસી ખાતે દબદબાભેર યોજાયેલા ઉદ્દઘાટન સમારોહમાં શરૂઆતમાં એલએલડીસી વતી સૌને આવકારી સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ આ પ્રદર્શનના લીડ ક્યુરેટર અવની દેવધરે પ્રદર્શન અને તેના ક્યુરેશન અંગે વિગતવાર માહિતી આપી હતી. તો વઝીરભાઈના પુત્ર સલીમ વઝીર અને તેમના પરિવારના અસ્મા વઝીરે મરહૂમ અબૂ બકર અબ્દુલ્લાહ વઝીરની કલાયાત્રા, સંગ્રહ અને તેની સાચવણી માટેની તેમની ધગશ વિશે વાત કરી હતી, તેમના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
મુંબઈથી આવેલા આ પ્રદર્શનના મુખ્ય સહયોગી દાતા અને ઉદ્દઘાટા કિરણ શાહ, એમ.ડી. અને સીઈઓ, કોનકાસ્ટ (ઈન્ડિયા) દ્વારા પણ આ પ્રદર્શન સાથે જોડાવા અંગેનો રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો. એલએલડીસીના મેનેજિંગ ટ્રસ્ટી અમી શ્રોફે મહેમાનોને આવકારી નવા પ્રદર્શનની તૈયાર કરવાની યાત્રા, આ ગેલેરી અને તેના કલાત્મક પુરાણા દુર્લભ ભરતકામના નમુનાઓ વિષે માહિતી આપી અને વઝીરભાઈ અને તેમના આ અનન્ય દેશ-દુનિયાના સંગ્રહના સંરક્ષણકાર્યને બિરદાવ્યું હતું અને તેનો વારસો જાળવનારા પરિવારના સૌ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા અને આવા સુંદર પ્રદર્શન અત્રે યોજાયું તે બદલ આનંદ વ્યક્ત કર્યા હતો.
આ પ્રસંગે પ્રમોદ જેઠી, ઘટીત લહેરુ અને હસીબ શેખ જેવા શુભચિંતકોએ વઝીરભાઈ સાથેની પોતાની યાદો વાગોળી હતી અને નવા પ્રદર્શન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સૌના અભિપ્રાય અને વાતોમાં એક જ સૂર હતો કે, મરહૂમ વઝીરભાઈ માટે ટેક્સટાઇલ માત્ર કાપડ નહોતું. તેઓ તેને કારીગરોના જીવન, પરંપરા, સંસ્કૃતિ અને સામૂહિક સ્મૃતિ સાથે જોડાયેલા દસ્તાવેજ તરીકે જોતા હતા. તેમની સંગ્રહ પદ્ધતિમાં કારીગરને તેમની કળાનું યોગ્ય મૂલ્ય આપવું અને દુર્લભ નમૂનાઓને કાપીને નવી વસ્તુમાં રૂપાંતરિત કરવાને બદલે તેમના મૂળ સ્વરૂપમાં જ સાચવવાનો અભિગમ હતો.
વઝીરભાઈના સંગ્રહમાં આશરે ૭,૦૦૦ નમૂનાઓ હતા. તેમાંના લગભગ ૩,૦૦૦ નમૂનાઓ તેઓ વેચાણ માટે નહીં, પરંતુ સંરક્ષણના હેતુથી પોતાના વ્યક્તિગત સંગ્રહમાં રાખેલ છે, જેમાંના અત્યંત બેજોડ અને અલભ્ય નમુનાઓને અત્રે પ્રદર્શિત કરાયા છે, જે જોવો અને માણવો પણ એક લ્હાવો છે ! વઝીરભાઈનો વારસો માત્ર સંગ્રહમાં રહેલા નમૂનાઓમાં નથી, પરંતુ કળાને સમજવાની, કારીગરની કળાને યોગ્ય સ્થાન આપવાની અને સમુદાય સાથે જોડાયેલા વારસાને સંરક્ષિત કરવાની તેમની દ્રષ્ટિમાં છે, જે આ પ્રદર્શન થકી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ! વઝીરભાઈના પરિવારની નવી પેઢીના સભ્યોની સાથે કિરણ શાહના હસ્તે દીપ પ્રાગટ્ય અને રિબન ઔપનિંગ કરવામાં આવ્યું હતું. પ્રીતિ શાહ, કોનકાસ્ટ (ઈન્ડિયા) ના એચઆર વડા પ્રાજક્તા અકોલકર અને અન્ય મહાનુભાવો પણ તેમની સાથે જોડાયા હતા અને ત્યારબાદ પ્રદર્શન મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જે નિહાળી સૌ અભિભૂત થયા હતા.
આ પ્રસંગે વઝીર પરિવારના શુભચિંતક કેટલાક વિદેશી મહેમાનો સિઆન વોરેન અને બરલે ડ્રીસ્કૉલ, પાબીબેન રબારી, શામજીભાઇ વણકર, ખમીરના ડાયરેક્ટર કાવ્યા સક્સેના, કસબના પુનિત સોની, સિનિયર કારીગર મામુદ મૂતવા, કલાધર મૂતવા, ઉમેશ જડોયા, કિરીટભાઈ દવે જેવા મહાનુભાવોએ હાજરી આપી હતી.
આ પ્રદર્શન દ્વારા એલએલડીસી વઝીરભાઈની આ દ્રષ્ટિને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આ પ્રદર્શનનું અનેરું સંયોજન અને મોહિત કરે તેવી ગોઠવણ તેમજ તેને ગરિમામય બનાવવામાં અને આયોજનમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અમી શ્રોફના માર્ગદર્શન હેઠળ અવની દેવધઘર, શ્રધ્ધા ઠક્કર, વિમલબેન ત્રિવેદો તેમજ એલએલડીસી આર્કાઇવના મોહનભાઇ મંગરિયા, નિહાલ રાઠોડ તેમજ અન્ય સ્ટાફ મિત્રો વગેરેએ કર્યું હતું. પ્રદર્શનના આયોજનમાં શ્રુજન એલએલડીસીના સમગ્ર સ્ટાફ મિત્રો જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન નિશા ધોળકિયાએ કર્યું હતું.

Comments