કચ્છના પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર ખાતે રૂ.૧.૧૭ કરોડના ખર્ચે તૈયાર થનારા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરાયું

0
55

નારાયણ સરોવરના અત્યાધુનિક બસ સ્ટેન્ડથી યાત્રાળુઓની મુસાફરી સુવિધાસભર અને સુગમ બનશે. – શ્રીમતિ પારૂલબેન કારા

આજરોજ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલા પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર ખાતે રૂ.૧.૧૭ કરોડના ખર્ચે તૈયાર થનારા નવા બસ સ્ટેન્ડના ભવનનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે શ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, કચ્છ પ્રવાસનનું હબ બન્યું છે તેનો શ્રેય માત્રને માત્ર રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને જાય છે. પ્રવાસનને વિકસાવવા માટે પવિત્ર યાત્રાધામની આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ કરવો જરૂરી છે. આથી રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમને એક કરોડથી વધારે રૂપિયાની રકમ ફાળવણી કરીને પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર બસ સ્ટેન્ડનું નવું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકારી સંપત્તિને આપણે પોતાની જ સંપતિની જેમ સાચવીને તેનું જતન કરવું જોઈએ. આ પવિત્ર યાત્રાધામ ખાતે બસ સ્ટેન્ડ આધુનિક હશે તો યાત્રાળુઓ સારા અનુભવો લઈને જશે અને તેમની મુસાફરી સુગમ બનશે. છેવાડાના લોકોને વિકાસ થાય, તેમના સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે અને શહેર જેવી માળખાકીય સુવિધાઓ તેમને મળી રહે તે નેમ રાજ્ય સરકારે લીધી છે. જેના ભાગરૂપે અત્યાધુનિક બસ સ્ટેન્ડ નારાયણ સરોવર ખાતે બનવા જઈ રહ્યું છે. નવા બસ સ્ટેન્ડની ભેટ મળવા બદલ પ્રમુખશ્રીએ ગામજનો અને ઉપસ્થિતો સૌને અભિનંદન આપ્યા હતા.પ્રાસંગિક ઉદ્બોધન કરતાં ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રજાજનોને સારી માળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નાનામાં નાની સમસ્યા આજે સરકાર સાંભળી રહી છે અને તેનું નિવારણ આવે તે દિશામાં પ્રયત્ન કરી રહી છે. તેઓએ નારાયણ સરોવર વિસ્તારના સ્થાનિકોને અભિનંદન પાઠવીને કહ્યું કે, આ બસ સ્ટેન્ડ પવિત્ર યાત્રાધામના વિકાસમાં સહભાગી બનશે.  

અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્ય સરકારનો આભાર માનીને જણાવ્યું હતું કે, આ બસ સ્ટેન્ડ થકી વધારેમાં વધારે યાત્રાળુઓ સરળતાથી કોઈ જ મુશ્કેલી વગર નારાયણ સરોવરની મુલાકાત લઈ શકશે. નારાયણ સરોવર અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં યાત્રાળુઓને કોઈ જ તકલીફ ના પડે તેનું ધ્યાન સરકાર રાખી રહી છે. નારાયણ સરોવરના વિકાસ માટેના અન્ય પ્રોજેક્ટની પણ માહિતી તેઓએ હાજર રહેલા ગામજનોને આપી હતી.માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, ભારતમાં ચાર સરોવરને હિન્દુ ધર્મના પવિત્ર માનવામાં આવે છે અને તેના દર્શને અનેક ભક્તો દેશમાંથી આવે છે. આ ચાર સરોવરમાંથી એક સરોવર એટલે આપણું નારાયણ સરોવર. શ્રીદવેએ ગામ પંચાયત થકી વૃક્ષારોપણ કરી, અન્ય માળખાકીય સુવિધાઓ ઊભી કરીને નારાયણ સરોવરને નંદનવન બનાવવા માટે સહિયારો પ્રયાસ કરવા માટે અપીલ કરી હતી.નારાયણ સરોવર ગાદીના મહંત સુશ્રી સોનલ લાલજી મહારાજે કહ્યું કે નારાયણ સરોવરના વિકાસમાં નવા બસ સ્ટેશન થકી એક નવું પીછું ઉમેરાવા જઈ રહ્યું છે. કોટેશ્વર જાગીરના મહંતશ્રી દિનેશગીરી બાપુએ આનંદ સાથે જણાવ્યું કે, ભારતના પશ્ચિમ છેડાએ આવેલા આ યાત્રાધામ માટે ધ્યાન રાખીને સરકારે વિશેષ સુવિધા ઊભી કરી છે.સ્વાગત પ્રવચન કચ્છ એસ.ટીના વિભાગીય નિયામકશ્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે , આ બસ સ્ટેશન માટે રાજ્ય સરકારે વિશેષ રકમ ફાળવી છે. તેઓએ નવનિર્મિત થનારા બસ સ્ટેશનની વિગતો આપતા જણાવ્યું કે આ બસ સ્ટેન્ડ શહેરોમાં તૈયાર થઈ રહેલા બસ સ્ટેન્ડ સમકક્ષ જ સુવિધાઓથી સંપન્ન હશે. રૂ. ૧.૧૭ કરોડના ખર્ચે તૈયાર થનારા નારાયણ સરોવર બસ સ્ટેશનમાં ૪ પ્લેટફોર્મ ઊભા કરવામાં આવશે. આ સાથે જ મુસાફરો માટેનો વેઈટીંગ હોલ, ટીકીટ પાસ માટેનો રૂમ, ઈન્ક્વાયરી રૂમ, લેડીઝ અને જેન્ટસ કન્ડકટર રેસ્ટ રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, વોટર રૂમ, પાર્સલ રૂમ, સ્ટોલ કમ શોપ, ટોઈલેટની સુવિધાઓ બસ સ્ટેશન પરિસરમાં જ ઉપલબ્ધ થશે. તેઓએ વધુમાં ઉમેર્યું કે વર્તમાન સમયમાં કુલ દસ એક્સપ્રેસ બસ અને ૧૨ લોકલ બસની કનેક્ટિવિટી નારાયણ સરોવરને આપવામાં આવી છે. આ બસ સ્ટેશનના નિર્માણ બાદ અને યાત્રાળુઓની જરૂરિયાતોને આધારે નવા રૂટ પણ ફાળવવામાં આવશે.આ પ્રસંગે નારાયણ સરોવર સરપંચશ્રી સુરુભા જાડેજા, શ્રીમતિ લક્ષ્મીબેન પટેલ, એટીવીટીના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, એસ.ટી વિભાગનો અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓએ અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.