અંજારમાં કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં લોકોએ ખુલ્લા મને હૈયાવરાળ ઠાલવી

0
64

મામલતદાર કચેરીમાં રાશનકાર્ડ ધારકોને સિક્કા ન મારી આપવાની નીતિ સાથે નગરપાલિકા અને બાયપાસ સહિતના મુદ્દા છવાયા : વિધાનસભાના વિપક્ષી નેતા અમીત ચાવડાએ પ્રશ્નોના નિરાકરણ મુદ્દે ધારદાર રજૂઆત કરવાની આપી બાંહેધરી

અંજાર ઃ ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં પ્રજાની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે. ભાજપ અવાર-નવાર ધર્મના નામે ભાગલા પાડી મત મેળવી પોતાના મનસુબા પાર કરી રહ્યા છે પરંતુ પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં નિષ્ફળ રહે છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા જનમંચ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેમાં આજે અંજારમાં નાગરીકોએ મોટી સંખ્યામાં પોતાને કનડતા પ્રશ્નો રજૂ કર્યા છે જેના નિવારણ માટે ધારદાર રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી વિધાનસભાના વિપક્ષી નેતા અમીત ચાવડાએ આપી હતી.
વધુમાં શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, આ મંચ સરકારની ટીકા ટીપ્પણીનો નથી. કોંગ્રેસની વાત કરવાનો નથી. માત્રને માત્ર પ્રજાના પ્રશ્નો સાંભળીને તેના ઉકેલ માટેનો મંચ છે. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકાર ભાજપની છે. બધી જગ્યાએ ભાજપનું શાસન હોવા છતાં કોઈ પણ ગામ કે, પાલિકાના વોર્ડમાં જાઓ તો લોકો હેરાન પરેશાન છે. લોકોના પ્રશ્નો સાંભળવા માટે કોઈ ન હોવાનું જણાવ્યું હતું. જેથી લોકોના પ્રશ્નો સાંભળવા અને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
આજે સવારે અંજાર ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત જનમચં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેમાં શહેરી વિસ્તારમાં ખાસ કરીને રાશનકાર્ડમાં સિક્કા મારી આપવામાં આવતા નથી. તેમજ શહેરમાં ગટર, પાણી અને સફાઈનો મુદ્દો કદી ઉકેલાયો નથી, રસ્તાઓ ખરાબ છે, અંજારમાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ છે, પરંતુ સ્ટાફ સહિતની અસુવિધાઓના કારણે ભુજનો ધક્કો પડે છે. ઐતિહાસિક શહેર હોવા છતાં અંજારમાં એક પણ કોલેજ નથી, તેમજ બાયપાસ રોડ સાથે વિવિધ સરકારી કચેરીઓ અને તાલુકા પંચાયત અને નગરપાલિકાને સાંકડતા મુદ્દા લોકો દ્વારા રજૂ કરવામાં આવતા એક યાદી તૈયાર કરવામાં આવી છે જે અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા ધારદાર રજૂઆત કરી ઉકેલ માટેના પ્રયાસો કરવામાં આવશે.
આજના કાર્યક્રમમાં વિધાનસભાના વિપક્ષી નેતા અમીત ચાવડા સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ શંભુભાઈ ડાંગર, શહેર પ્રમુખ અલ્પેશભાઈ દરજી, તાલુકા પંચાયત વિપક્ષી નેતા યુવરાજસિંહ જાડેજા, શહેર નગરપાલિકા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, વી.કે.હુંબલ, ધનજીભાઈ સોરઠીયા, બચુભાઈ આરેઠીયા, કિશોરભાઈ પીંગોલ, વાલજીભાઈ દનીચા સહિત ગાંધીધામ, ભચાઉ, અંજાર સહિતના વિસ્તારમાંથી અગ્રણીઓ આવ્યા હતા. સ્વાગત પ્રવચન અરજણભાઈ ખટારીયાએ કર્યું હતું. લોકોના જુસ્સાને જાેઈ કોંગ્રેસનો આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.