૪-પ માસ સુધી સામખિયાળી-મોરબી હાઈવે પર હાડમારી ભોગવવા લોકો રહે તૈયાર

ભુજ : મોરબીના હરિપર નજીક રેલવે ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત બન્યો છે, ત્યારે સામખિયાળી – મોરબી હાઈવે પર ભારે ટ્રાફિક જામ થવા પામ્યો છે. રેલવેના જણાવ્યા પ્રમાણે આ ક્ષતિગ્રસ્ત બ્રિજનું સમારકામ ૪થી પ મહિના સુધી ચાલશે. જેથી વાહન ચાલકોને હાડમારી વેઠવા તૈયાર રહેવું પડશે. કારણ કે, નેશનલ હાઈવે પર ટ્રાફિક નિવારવા માટે કોઈ નક્કર આયોજન કરાયું નથી.પરિણામે લક્ઝરી બસ, એસટી બસ, કાર, છકડા, ટેમ્પો, ટ્રેકટર, ડમ્પર સહિતના વાહનો રોડ પર ફસાઈ ગયા હતા. ઘણા વાહન ચાલકો વાહનમાં બેસી બેસીને કંટાળી જતાં વાહનોમાંથી નીચે ઉતરી રોડ પર સમય પસાર કર્યો હતો. લોકોએ ભૂખ્યા – તરસ્યા રહી આ ટ્રાફિક જામમાંથી પસાર થયા હતા. આ હાઈવે પર દરરોજ ર૦ હજારથી વધુ વાહનો અવર જવર કરતા હોવાથી લોકો પરેશાન બની ગયા છે.દરમિયાન આ કામ લાંબુ ચાલવાનું હોવાથી અહીંથી પ્રવાસ કરતા લોકોએ પોતાનું પ્લાનિગ બદલી રાધનપુરથી જવું પડશે. અન્યથા કલાકો સુધી ટ્રાફિક જામમાં અકળાવવાનો વારો આવશે.નેશનલ હાઈવે પર કામના કારણે એક તરફનો રોડ બ્લોક કરાયો છે, ત્યારે બીજીતરફના ડબલ વેમાં સિંગલ વેબ પર ડિવાઈડર લગાવી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવે તો સમસ્યામાં આંશિક રાહત મળશે.

ભુજ-ભચાઉ રોડનું રિસર્ફેસીંગ ન થાય ત્યાં સુધી લાખોંદ ટોલ ટેક્સ બંધ કરો : વિનોદ ચાવડા

કલેક્ટર કચેરી ખાતે જીએસઆરડીસી અને કોન્ટ્રાક્ટર સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં કચ્છ સાંસદે લાલ આંખ કરી સોમવાર સુધીમાં કામ શરૂ કરી દેવા આપી સૂચના : રોડનો કોન્ટ્રાક્ટ ર૦ વર્ષનો હોવા છતાં ૯ વર્ષમાં જ પડ્યા ઠેર-ઠેર ગાબડા

ભુજ : ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કો.ના અધિકારી તથા રોડ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટરો સાથે સાંસદ વિનોદભાઇ ચાવડાએ કલેક્ટરની ઉપસ્થિતિમાં તેમની કચેરીમાં ભુજ – ભચાઉ સુધીના રોડની મરામત – રીસર્ફેસીંગ બાબતે સમીક્ષા બેઠક કરી હતી.એકલ બાંભણકા રોડ તેમજ પલાંસવાથી ટીકર રોડ-રસ્તા માટે સ્ટેટ આર એન્ડ બીને સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરને દરખાસ્ત કરતા શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, ભુજ – ભચાઉ રોડના મેઈન્ટેનન્સનું કામ વાલેચા એજન્સી પાસે હોવાથી તેમને આ રોડ જલ્દીથી મરામત કરવા – ખાડા પુરવા તેમજ કબરાઉ પાસે ફોરલેન રોડની હાલત ખૂબજ ખરાબ છે તે ત્વરિત રીપેરીંગ કરવામાં આવે અને આ રસ્તો સંપૂર્ણપણે મરામત ન થાય ત્યાં સુધી લાંખોદ પાસેનો ટોલટેક્ષ બંધ કરવા જણાવ્યું હતું. આ રસ્તો કચ્છનો એન્ટ્રી પોઈન્ટ રોડ છે, જેનો કોન્ટ્રાક્ટ ૨૦ વર્ષનો છે. ૨૦૧૧મા આ રસ્તો બનેલ છે. ચાંદ્રાણી પાસે પુલ બનેલ છે, પરંતુ પુલની પાસે ખૂબજ ખાડા હોવાથી લોકોને પુલ નીચેથી પસાર થવું પડે છે. કબરાઉ શાળાએ જતાં બાળકોને રસ્તો ક્રોસ કરવો પડે છે, જેથી અંડરબ્રીજ બનાવવા, લોદ્રાણી નર્મદા કેનાલ પાસેનો રસ્તો રીપેર કરવા બાબતોના સૂચન સાંસદે કર્યા હતા તેમજ જીએસઆરડીસી તથા વાલેચા એજન્સીના અધિકૃત પ્રતિનિધિઓને આ રસ્તાના કામ સોમવાર સુધીમાં ચાલુ કરવા અને ચાલુ થયેલ કામની માહિતી મંગળવાર સુધી પહોંચાડવા જણાવ્યું હતું, જેથી રસ્તાના ચાલુ કામની સમીક્ષા માટે મુલાકાત લઈ શકાય.આ મિટીંગમાં કલેક્ટર, સાંસદ વિનોદભાઈ ચાવડા, અધિક કલેક્ટર શ્રી ઝાલા, જીએસઆરડીસીના ડેપ્યુટી જનરલ મેનેજર તથા પ્રોજેકટ ઇન્ચાર્જ જીગર પટેલ, ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર, આર.એમ. ઝાલા, નરેશભાઈ ભાનુશાલી મદદનીશ ઇજનેર તેમજ વાલેચા એજન્સીના કોન્ટેટીવ સર્વેયર સત્યવાનજી, લાંખોદ ટોલ પ્લાઝા મેનેજર સૌરભ ભાર્ગવે ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

કચ્છ બહાર જવા માળિયા- મિયાણાના બદલે રાધનપુરના માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ

ડાયવર્ઝનના કારણે સૂરજબારી પાસે ટ્રાફિક જામ થતાં વાહન ચાલકોને કરાયેલી અપીલ

ભુજ : કચ્છના પ્રવેશદ્વાર સૂરજબારી નજીક નેશનલ હાઈવે પર માળિયા તાલુકાના હરિપર નજીક રેલવે ઓવરબ્રિજની દિવાલ ધસી પડતાં કામ શરૂ કરાયું છે, જેના કારણે નેશનલ હાઈવે પર છેલ્લા બે દિવસથી ટ્રાફિક જામ થઈ રહ્યો છે. ત્યારે કચ્છ તરફ આવાગમન કરતા વાહન ચાલકોને માળિયા – મિયાણાના બદલે રાધનપુર તરફના માર્ગનો ઉપયોગ કરવા સલાહ અપાઈ છે. માળિયાના હરિપર નજીક રેલવે ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં એક બાજુનો રોડ રિપેરીંગ માટે બંધ કરવામાં આવ્યો છે, જેથી માળિયા અને સામખિયાળીનો બધો જ ટ્રાફિક એક જ રસ્તા પર હોવાથી વાહનો ધીમે ચાલી રહ્યા છે, જેથી પવનચક્કી, કન્ટેનર સહિતના ઓવરલોડ વાહનોને માળિયા – મિયાણાથી કચ્છ તરફ જવા માટે મંજુરી અપાઈ નથી. આવા વાહનોને કચ્છ તરફ આવવું હોય તો પાલનપુર – રાધનપુરનો વૈકલ્પિક માર્ગ અપનાવવા સલાહ અપાઈ છે.

રેલવે પુલ ક્ષતિગ્રસ્ત થયા બાદ વાહન ચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થતા હજારો વાહનોના પૈડા થંભી ગયા :
ભૂખ-તરસથી કંટાળીને વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા

કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો. દ્વારા કચ્છના ટોલ પ્લાઝાના પ્રશ્નો અંગે રજુઆત

ભુજ : કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા ટોલ પ્લાઝાના વિવિધ પ્રશ્નો જેમ કે પ્લાઝા હસ્તકના રસ્તાઓ તેની આજુબાજુની બાવળની ઝાડીઓ, કર્મચારીઓ દ્વારા કનસ્વી રીતે થતી દાદાગીરી વગેરે બાબતોએ કલેક્ટર, સાંસદ, રાજયમંત્રી, પૂર્વ કચ્છ એસપી વગેરેને પત્ર પાઠવી રજુઆત કરી છે.એસો.ના પ્રમુખ ડો. નવઘણભાઈ આહિરે રજુઆત કરતા જણાવ્યું કે, કચ્છમાં વિવિધ જગ્યાઓએ ટોલ પ્લાઝાને લગતા વારંવાર પ્રશ્નો ઉભા થતાં રહે છે જેમાં સામખિયાળી-સુરજબારી- મોખા ચોકડી, સામત્રા, અંગીયા, પધ્ધર ટોલ પ્લાજાનો સમાવેશ થાય છે. આ ઉપરોક્ત ટોલ પ્લાઝા હસ્તકના રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે અને ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે. તેમજ રસ્તાની આસપાસ બાવળની ઝાડીઓ ઉગી નિકળી છે.ખાસ કરીને સામખિયાળી, સુરજબારી ટોલ નાકા પર રોજ ટ્રાફિકજામ અને બિસ્માર રસ્તાઓને લઈને વાહનોનું બ્રેકડાઉનનું પ્રમાણ વધતું ગયું છે. ટોલ પ્લાઝાની ધીમી કામગીરીને લીધે વાહન ચાલકો વારંવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે.ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા મનસ્વી રીતે થતી દાદાગીરી પૂર્વકની કામગીરીને કારણે રોજ વાહન ચાલકો સાથે નાની-નાની વાતોને લઈને ઝઘડા અને માથાકુટના બનાવો રોજીંદા બની ગયા છે.આવા કર્મચારીઓની નિમણુંક વખતે કોન્ટ્રાકટર તેમની પોલીસ તપાસ કે રીપોર્ટ લેવામાં આાવતો નથી તેથી આ બાબતે પણ તપાસ થવી જરૂરી છે.ટોલ પ્લાઝા હસ્તકના બિસ્માર રસ્તાઓનું સમારકામ સમયે-સમયે થવું જોઈએ પરંતુ આ બાબતે ટોલ પ્લાઝા સંચાલકો આંખ આડા કાન કરી રહ્યા છે. ટોલ પ્લાઝાને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે અને વાહન ચાલકોને કચ્છ સ્થિત ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા નીતિ-નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવે તેમજ રસ્તાઓનું સમારકામ અને ઉગી નિકળેલી બાવળની ઝાડીઓ દુર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જો આ બાબતે કાર્યવાહી નહી કરાય તો એસોસીએશન દ્વારા ટોલ પ્લાઝાને લગતી કાયદાકીય ૩૦૪(એ) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ અપાઈ છે.