માતાનામઢમાં બંદુકના ભડાકે મોરની હત્યા

0
190

ગત રાત્રે દયાપર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બે શિકારીઓને રંગેહાથ ઝડપી લેવાયા : વનવિભાગના સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતના ઉંઘતા ઝડપાયા

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)દયાપર : એક સમય એવો હતો કે, પશ્ચિમ કચ્છના ગામડાઓમાં સવાર પડેને મોરનો મધુર કલરવ ઘરે ઘરે સંભળાતો પરંતુ જયારથી પવનચક્કીઓ આવી છે ત્યારથી ટહુકા વીલાઈ રહ્યા છે. તેટલું ઓછું હોય તેમ આ વિસ્તારમાં શિકારી ટોળકી પણ સક્રિય બની છે. અવારનવાર મીજબાની માણવા વન વગડામાં બંદુકના ભડાકે પક્ષીઓ અને પ્રાણીઓની હત્યા કરવામાં આવે છે પરંતુ જવાબદાર એવા વન વિભાગની ભૂંડિ ભૂમિકા અને અધિકારી, કર્મચારીઓની હપ્તાખોરી નીતિના કારણે આ ગેરપ્રવૃતિ સામે આંખ મિચામણા કરવામાં આવે છે, જેના પાપે આજે ગામડાઓ સુના ભાસી રહ્યા છે. ત્યારે દેશ દેશી માં આશાપુરાના સ્થાનક માતાનામઢમાં જ રાષ્ટ્રીય પક્ષી મોરની બે ઈસમોએ હત્યા કરી હોવાની ઘટના સામે આવતા રાષ્ટ્રપ્રેમીઓમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ દયાપર પોલીસની ટીમ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે માતાનામઢ વિસ્તારમાં અચાનક બંદુકની ગોળીનો અવાજ આવતા સ્ટાફના માણસો સતર્ક બન્યા અને વિસ્તારમાં શોધખોળ તેજ કરતા બે ઈસમો જોવા મળ્યા હતા. જેઓના હાથમાં દેશી બંદુક હતી, જેથી તપાસ કરતા જાણવા મળ્યું કે મુસ્તાક અને જુણસ નામના આ ઈસમો વન વિસ્તારમાં શિકાર માટે આવ્યા હતા અને તેઓએ દેશી બંદુક વડે ગોળીબાર કરી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નિપજાવી શિકાર કરતા બન્ને ઈસમોની અટકાયત કરીને તેમના કબજામાંથી બંદુક સહિતનો મુદ્દામાલ કબજે કરી આ બન્ને આરોપીઓ સામે દયાપર પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.