કચ્છમાં ડુપ્લિકેટ મતદાન ટાળવા ચૂંટણી પંચની કવાયત

0
37

ઘરેથી મતદાન કરનારની યાદીમાં નામ પર પોસ્ટલ બેલેટનો લગાવાય છે સિક્કો : મતદાર પોતે જ મતદાન કરે છે તેની ખાતરી રાખવા માટે કાર્યવાહીનું કરાતું વીડિયો રેકોર્ડિંગ

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છની છ વિધાનસભા બેઠકો માટે ૪૪૪ શતાયુ મતદારો સહિત સિનિયર સિટીજન અને દિવ્યાંગ મળી ૧૯૪પ જેટલા મતદારોએ ઘરેથી મતદાન કરવા માટે દરખાસ્ત કરી હતી. ગઈકાલે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી જે આજે સાંજે પૂર્ણ થશે. કચ્છમાં ડુપ્લિકેટ મતદાન ટાળવા ચૂંટણી પંચ દ્વારા ખાસ કવાયત હાથ ધરાઈ છે. જેમાં ઘરેથી મતદાન કરનારની યાદીમાં નામ પર પોસ્ટલ બેલેટનો સિક્કો લગાવાય છે અને મતદાર પોતે જ મતદાન કરે છે તેની ખાતરી રાખવા માટે કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવે છે.આ અંગેની વિગતો મુજબ ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા, દિવ્યાંગ તેમજ કોરોના સંક્રમિત હોય તેવા મતદારો ઘરેથી મતદાન કરી શકે તે પ્રકારનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવાયો હતો. મતદારોએ ઘરેથી મતદાન માટે જે-તે વિધાનસભા વિસ્તારના રિટર્નિંગ ઓફિસર સમક્ષ દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત બાદ હવે મતદાનના દિવસે એક ટીમ મતદારના ઘરે જઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવી રહી છે. કચ્છમાં ૪૪૪ શતાયુ મતદાર સહિત ૧૯૪પ મતદારોએ ઘરેથી મતદાન કરવાની ઈચ્છા દર્શાવી હતી. જોકે, આ કામગીરી વખતે બોગસ મતદાન કે બે વખત મતદાન ન થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે.આ મતદારો ઘરે પોસ્ટલ બેલેટથી મત આપ્યા બાદ પોલીંગ બુથ પર જઈને મતદાન ન કરે તે માટે મતદાર યાદીમાં તેમની નામની ઉપર પીબી (પોસ્ટલ બેલેટ) એવો સિક્કો મારવામાં આવી રહ્યો છે. ઉપરાંત મતદારો ઘરે બોગસ મતદાન ન કરે તે માટે પોલીસ સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવી છે. મતદાનની પ્રક્રિયાની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે.રાજકીય પક્ષોના પ્રતિનિધિ પણ મતદાન વખતે હાજર રહી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. જેથી મતદાર જ મતદાન કરે છે તે સાબિત કરી શકાશે. આ ઉપરાંત જે મતદારોએ ઘરેથી પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે દરખાસ્ત કરી છે અને તેમની દરખાસ્ત મંજૂર થઈ છે તેવા મતદારો પોલીંગ બુથ પર જઈને બીજો મત આપી ન આવે તે માટે બુથ પર પોલીંગ સ્ટાફને આપવામાં આવનારી મતદાર યાદીમાં આવા મતદારોના નામ પર પીબીનો સિક્કો મારી દેવામાં આવે છે.