ક્રાઈમ કોર્નર

મેઘપર (બો)માં બંધ મકાનમાંથી ૪૬ હજારની ચોરી

અંજાર : તાલુકાના મેઘપર બોરીચીમાં બાગેશ્વરી બંગલોઝ સોસાયટીમાં આવેલા એક બંધ ઘરમાંથી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના સહિત ૪૬ હજારની માલમત્તા સેરવી ગયા હતા. બનાવને પગલે ભીખાભાઈ કારાભાઈ આહિરે ફરિયાદ નોંધાવી હતી. તેમના બંધ મકાનને નિશાન બનાવીને અજાણ્યા તસ્કરોએ હોલમાં લાગેલી ટીવી અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ ૪૬ હજારની માલમત્તા તફડાવી ગયા હતા. બનાવને પગલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ભુજના વેપારી સાથે થયેલી ઠગાઈ અંગે દોઢ વર્ષે ફરિયાદ

ભુજ : અહીંના વેપારી સાથે ઓનલાઈન માલ મંગાવીને રૂા.૮,૧૪રની ઠગાઈ કરાતા ૧૮ માસ બાદ ગુનો નોંધાયો છે. સ્ટેશન રોડ પર આર સ્કેવર નામે ભાગીદારી પેઢી ચલાવતા રોહિતભાઈ જયંતીલાલ ગોરે ફરિયાદ નોંધાવી હતી. તેમણે અલગ અલગ વેબસાઈટમાં પીવીસી પાઈપ અને કોન ખરીદવા સંપર્ક કર્યો હતો. જેમાં ડી.એસ. એન્ટરપ્રાઈઝ અને તેનું બીજુનામ ગુલાબ વેલ્ડ એન્ડ સેફટી વર્કસ પેઢીના ધનંજયભાઈએ એડવાન્સ રૂપિયા ૮,૧ર૪ ભરાવીને માલ નહીં આપી ઠગાઈ આચરી હતી.

દેવપર (યક્ષ) પાસે ત્રિપલ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ

નખત્રાણા : તાલુકાના દેવપર-યક્ષ નજીક ટ્રક, કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક લાખા દેવા રબારી (ઉ.વ. ૧૯)ને અસ્થિભંગ સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને પ્રથમ નખત્રાણા ત્યાર બાદ ભુજ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

પૂર્વ કચ્છમાં એલસીબીએ એક વર્ષથી વોન્ટેડ ચોર ઝડપ્યો

ગાંધીધામ : પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે છેલ્લા એક વર્ષથી ચોરીના ગુનામાં નાસતા ફરતા એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી ચિરાગ કિશોરભાઈ દેવીપૂજક (ઉ.વ.ર૦)એ અંજાર પોલીસ મથકની હદમાં બને ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો અને છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસે આરોપીના કબજામાંથી એક ટીવી, ટીવી ૬ મોબાઈલ મળીને રૂા.ર૬,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મુન્દ્રાના સમાઘોઘામાંથી ૬ જુગારીઓ જબ્બે

મુન્દ્રા : તાલુકાના સમાઘોઘામાં સ્થાનિક પોલીસે બાતમીને આધારે દરોડો પાડીને રૂા.૧૮,૩૭૦ની રોકડ રકમ સાથે ૬ શખ્સોને ઝડપી પાડ્યા હતા. સમાઘોઘામાં આવેલ પ્રિશા કોલોની પંકજ પાર્ક ખાતે બાવળની ઝાડીઓમાં પોલીસે દરોડો પાડીને દિલીપ હરગોવિંદ ચોરસીયા, હરિશ છન્નુલાલ ચોરસીયા, રાધેચરણ બહોરીલાલ ચોરસીયા અને રાજુ ગંગામણી ચોરસીયા તેમજ સમાઘોઘાના પપુ હલકે વિશ્વકર્મા અને રાજુસિંગ લક્ષ્મણસિંગ ઠાકુરને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના કબજામાંથી ૩૦,૮૭૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.