Crime Corner -21-05-21

ગાંધીધામમાં ટ્રેક્ટર હડફેટે એક્ટિવા સવાર તરૂણનું મોત
ગાંધીધામ ઃ અહીંના સપનાનગરમાં મામા સાથે એક્ટિવા પર જતા ૧૬ વર્ષિય તરૂણનું ટ્રેક્ટર હડફેટે મોત નીપજ્યું હતું. બનાવને પગલે કિડાણામાં રહેતા રામારાવ અપ્યારાવ કાનેરૂએ ફરિયાદ નોંધાવી હતી. તેમના ભાણેજ નવિન ઉર્ફે ક્રિષ્નારાવ સોમેશ્વરરાવ અંબાતિનું મોત નીપજ્યું હતું. હતભાગીનો મિત્ર હોસ્પિટલમાં દાખલ હોઈ ખબર પૂછવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે એક્ટિવાને ટ્રેક્ટરે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
——–
આદિપુર રામબાગના ૧૬ તબીબો વિરૂદ્ધ ફરિયાદ
ગાંધીધામ ઃ આદિપુરની સરકારી રામબાગ હોસ્પિટલના તબીબો કોરોના અને વાવાઝોડાના કપરા સમયમાં હડતાળ પર ઉતર્યા હતા. જે શબબ મુખ્ય ડોક્ટરે ૧૬ તબીબો વિરૂદ્ધ આદિપુર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. ડો. અનુજ શ્રીવાસ્તવે નોંધાવેલી ફરિયાદ મુજબ કોરોના અને વાવાઝોડાની કપરી પરિસ્થિતિ વચ્ચે રજા કે હડતાળ કરીને તાકીદની સ્થિતિમાં ૧૬ તબીબોએ અવરોધ ઊભો કર્યો હતો ત્યારે આદિપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
——–
ભડલીમાં સગીરાનું અપહરણ કરાતા ફરિયાદ
નખત્રાણા ઃ તાલુકાના ભડલી ગામના વાડી વિસ્તારમાંથી સગીર વયની કન્યાનું અપહરણ કરવાના મામલે નખત્રાણા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. બનાવને પગલે સગીરાના પિતાએ લખપત તાલુકાના વિરાણીમાં રહેતા વાલજી સામજી કોળી નામના શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો. બનાવને પગલે નખત્રાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.