કંડલા ઈફકોના પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી : મહાકાય ક્રેન એકાએક ધડામ

image description

ઈફકો પ્રશાસનનો ઘટના બાબતે ઢાંક પીછોડો : પીઆરઓએ ઘટના અંગે મગનું નામ મરી મહામહેનતે પાડ્યું : ગઈકાલે સાંજે બનેલી ઘટના પર પડદો પાડી દેવાયાનો વર્તારો : મહાકાય ક્રેન સહિતના સાધનોના મેઈન્ટેન્સ સામે ઊભા થયા મોટા સવાલો : દેશની સર્વમાન્ય ટોચની કંપની ઈફકો દ્વારા લોકોના જાનમાલ સહિતના સુરક્ષા નિભાવ નિયમોની અમલવારી શંકાના ઘેરામાં

ગાંધીધામ : આર્થિક પાટનગર એવા ગાંધીધામમાં આવેલા ઈફકોના પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી હોવાની ઘટના સામે આવવા પામી છે. કારણ કે, ગઈકાલે સાંજે ઈફકોના પ્લાન્ટમાં મહાકાય ક્રેન એકાએક ધડામ થઈને જમીન દોસ્ત થઈ જતા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. જોકે, સમગ્ર ઘટના અંગે ઈફકો પ્રશાસને ઢાક પીછાડાનો પ્રયાસ કર્યો છે.આ અંગેની વિગતો મુજબ ગાંધીધામમાં ઈન્ડિયન ફાર્મર ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડ એટલે કે, ઈફકોનો પ્લાન્ટ આવેલો છે. અહીં ખાતરનું ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવે છે. ઉત્પાદન માટે ઈફકોના પ્લાન્ટમાં મહાકાય સાધન-સામગ્રીનો ઉપયોગ થતો હોય છે. આ પ્લાન્ટમાં ક્રેનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દરમિયાન સામે આવેલી વિગતો મુજબ ગઈકાલે સાંજે ઈફકોના પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી હોય તેવી ઘટના સામે આવવા પામી છે. કારણ કે, જેટી નજીક આવેલા ઈફકોના પ્લાન્ટમાં આવેલી મહાકાય ક્રેન એકાએક ધડામ થઈને પલટી મારી ગઈ હતી. સામાન્ય વાહન પલટી મારે તો મોટી દુર્ઘટના ન થાય, પરંતુ ઈફકો જેવા પ્લાન્ટમાં મોટી ક્રેન એકાએક પલટી મારી જાય તે મોટી ઘટના કહી શકાય. તસવીર પરથી એવું લાગી રહ્યું છે કે, ઈફકોના પ્લાન્ટમાં યોગ્ય મેઈન્ટેન્સ ન થવાથી આ ઘટના બનવા પામી છે. ઈફકોના પ્રશાસને જાનમાલની નુકશાની ન થઈ હોવાનો દાવો કરી આ ઘટનામાં કોઈને પણ નુકશાની થઈ નથી તેવું કહ્યું છે, પરંતુ સમગ્ર ઘટનાન્ પર ઢાકપીછોડો થતો હોય તેવું જણાઈ રહ્યું છે. જો આ ઘટનામાં જાનહાની થઈ હોત તો કોની જવાબદારી બનત તે પણ એક રહસ્યમય સવાલ છે.દરમિયાન આ બાબતે ઈફકોના પીઆરઓ સત્યમુર્તિને સમગ્ર ઘટના અંગે પુછતા શરૂઆતમાં તો કોઈપણ ઘટના ઈફકોમાં ન બની હોવાનું જણાવ્યું હતું. બાદમાં કબૂલાત કરતા કહ્યું કે, શનિવારે સાંજે ૪થી ૪ઃ૩૦ વાગ્યાના અરસામાં આ ઘટના ઈફકોના પ્લાન્ટમાં બની હતી. ક્રેન પલટી મારી ગઈ હોવાનું જણાવી આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી તેવો દાવો કર્યો હતો. બાદમાં પરિસ્થિતિ હવે પૂર્વવત થઈ હોવાનું પણ જણાવ્યું હતું. અલબત્ત આ ઘટના કેવી રીતે બની ? કોની બેદરકારી છે તે સહિતની બાબતો પુછતા મગનું નામ મરી ન પાડી એટલું કહ્યું હતું કે, ટેકનિકલ અને મિકેનીકલ ખામીના કારણે આ ઘટના બની છે. આ ઘટના મોટી નહીં, પરંતુ સામાન્ય હોવાનું કહ્યું હતું.