સુરત આર.ટી.ઓ.માં ભુજનો ફોલ્ડર સીઓટીની ટીમના હાથે ઝડપાઈ જતા નાસી ગયો

0
149

  • ર૦૧૯માં ભુજ આર.ટી.ઓ.માં ફરજ બજાવી ગયેલા અધિકારીપોતાના પંટરને સાથે લઈ ગયા

ડી.એમ. સીરીઝ ટેક્સ કૌભાંડ અને મેમો ડિલીટ કરવામાં સંડોવાયેલા અધીકારીનું સુરતમાં પરાક્રમ : અધિકારીઓના શીતયુદ્ધ વચ્ચે સીઓટીની ટીમ ત્રાટકી હતી

ભુજ : ત્રણ વર્ષ પુર્વે ભુજની આર.ટી.ઓ.માં ફરજ બજાવી ગયેલા અને ડીએમ સીરીઝ ટેકસ કૌભાંડ તેમજ મેમો ડિલીટ કરવાના પ્રકરણમાં ચર્ચામાં રહેલા અધિકારી સુરત પહોંચતા જ વિવાદમાં આવી ગયા છે. સુરત આરટીઓમાં અધિકારીઓના શીત યુદ્ધ વચ્ચે સીઓટીની મહિલા અધિકારીની ટીમ ત્રાટકી હતી અને તેમનો ફોલ્ડર ભુજનો યુવક કાગળો સાથે ઝડપાઈ જતા નાસી ગયો હતો. ભુજ આર.ટી.ઓ.માં ફોલ્ડર તરીકે આ યુવક તેમની પાસે લાગ્યા બાદ ગાંધીનગર, ગોધરા અને હવે સુરત ખાતે તેને સાથે લઈ ગયા છે.દિવાળી ટાણે ગોધરા આર.ટી.ઓ.માં ફરજ બજાવતા એમ. આર. ગજ્જરની સુરત આર.ટી.ઓ.માં બદલી થઈ હતી. અધિકારી દરેક જગ્યાએ થોડાક દિવસો એજન્ટો, ઓફીસના કર્મચારી અને અરજદારો પર ધાક બેસાડવા માટે કડક વલણ અપનાવે છે બાદમાં પોતાની કામગીરીના ભાવ ઉઘરાવવાનું શરુ કરે છે. સુરત આર.ટી.ઓ. કચેરીમાં અધિકારીઓ વચ્ચે ભાવ ઉઘરાવવા મુદ્દે શીત યુદ્ધ ચાલી રહ્યું છે જે વિવાદ વધુ વકરતા સુરત આર.ટી.ઓ.માં મહિલા અધિકારી વિનિતા યાદવ સહિતના અધિકારીઓની ટીમ તપાસ માટે પહોંચી હતી. મહિલા અધિકારીની ટીમ તપાસ માટે પહોંચી ત્યારે એમ. આર. ગજ્જરનો ફોલ્ડર એવો ભુજનો લાલા નામનો યુવક કાગળો સાથે પકડાઈ ગયો હતો. મહિલા અધિકારીની ટીમ કાંઈ વધુ પુછપરછ કરે તે પહેલા જ કાગળો મુકી લાલો ચાર નંબરના ગેટ પરથી નાસી છુટયો હતો. ભુજથી છેક ગાંધીનગર, ગોધરા અને હવે સુરત સુધી પંટરને સાથે લઈ ગયેલા અધિકારી દરેક કચેરીએ વિવાદમાં જ રહેતા હોય છે. સુરત આર.ટી.ઓ.માં વિવાદ વકરતા સીઓટીની ટીમ આવી પહોંચી હતી અને લાલો નાસી છુટતા હવે ફોર્મ લેવાનું જ બંધ કરાયું છે. નોંધનીય છે કે, અગાઉ ભુજમાં પણ ડી.એમ. સીરીઝ ટેકસ કૌભાંડ અને મેમો ડિલીટ કરવાના પ્રકરણની કાર્યવાહી આ અધિકારી સામે ચાલી રહી છે ત્યારે હવે સુરત આર.ટી.ઓ.માં થયેલા વિવાદની ફરિયાદ છેક કમીશનર ઓફીસ સુધી પહોંચતા મામલો વકર્યો હતો અને સીઓટીની ટીમ ત્રાટકી હતી. બીજી તરફ ભુજથી છેક લાલા અને તેમણે ચેમ્બરમાં લગાવેલી એસી પણ તેઓ સાથે લઈ ગયા હતા.

ગાધીનગરના એક ગામડામાં ચેકિંગનો રોફ જમાવવા જતા મેથીપાક મળ્યો હતો

આર.ટી.ઓ.ના અધિકારીઓ અનેક વખત વિવાદમાં રહેતા હોય છે અગાઉ સાણંદ ખાતે ટ્રાન્સપોર્ટર અને ડ્રાઈવરો સાથે પણ માથાકુટ થઈ હોવાના બનાવ બની ચુકયા છે. ત્યારે ભુજની ગાંધીનગર બદલી કરાવી ગયેલા એક અધિકારી ચેકિંગની કામગીરી કડક હાથ ધરી એક ગામડામાં રોફ જમાવવા માટે ગયા હતા. જો કે ગ્રામજનો અને સરપંચના આકરા તેવરને કારણે અધિકારી-ડ્રાઈવરને મેથીપાક ચખાડયો હતો અને આજ પછી કયારેય ચેકિંગ કરવા માટે ગામમાં નહીં આવે તેવો માફી માંગતો વિડીયો કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો.