તલાટીની પરીક્ષા માટે કચ્છમાં શાળાઓ તારવવાની કવાયત

0
37

રાજકારણીઓની પરીક્ષા બાદ ર૯મી જાન્યુઆરીએ લેવાશે તલાટીની પરીક્ષા : કચ્છમાં પણ ર૦ હજારથી વધુ યુવાનોએ ભર્યા હતા ફોર્મ

(બ્યુરો દ્વારા)ભુજ : ડિસેમ્બરમાં રાજકારણીઓની પરીક્ષા બાદ આગામી ર૯મી જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીઓની ભરતી માટે પરીક્ષા લેવામાં આવશે. કચ્છની સાથે રાજ્યભરમાં ખાલી પડેલી ૩૪૩૭ બેઠકો પર તલાટી કમ મંત્રીની પસંદગી કરવામાં આવશે, પરંતુ નવાઈની વાત એ છે કે, ૩૪૩૭ બેઠક માટે લાખો બેરોજગાર યુવાનોએ ફોર્મ ભર્યા છે, ત્યારે આટલા બધા ઉમેદવારો માટે પરીક્ષાની બેઠક વ્યવસ્થા કેવી રીતે ગોઠવવી તેની તેૈયારી શિક્ષણ વિભાગ દ્વારા આરંભી દેવામાં આવી છે. સામાન્ય રીતે કચ્છમાં સરકારી પરીક્ષા ભુજમાં ઓલ્ફ્રેડ, વીડી, માતૃછાયા, ઈન્દિરાબાઈ સહિતની સરકારી શાળાઓમાં લેવાતી હોય છે પરંતુ આ વખતે ઉમેદવારોનો ધસારો જોતા ભુજની સરકારી, ખાનગી તેમજ અંજાર, ગાંધીધામ, ભચાઉ, નખત્રાણા, માંડવી સહિતના વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.ગુજરાત સરકારે ગત ૨૮ જાન્યુઆરીએ ગામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત કરી હતી. ભરતીના ફોર્મ ભરતી વખતે કચ્છમાં બેરોજગાર યુવાનોનો ફલો એટલો બધો વધી ગયો છે કે સરકારી વેબસાઈટ ક્રેસ થઈ જતાં અનેક ઉમેદવારોના ફોર્મ સમયસર ભરી શકાયા ન હતા, જેથી નારાજગી પણ જોવા મળી હતી. આગામી ૨૯મી જાન્યુઆરીએ લેવાનારી તલાટીની પરીક્ષાની તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. આ પરીક્ષા માટે અત્યાર સુધીમાં સૌથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. તેની વ્યવસ્થા હવેથી જ શરૂ કરવાની જરૂર છે, જેથી જિલ્લાઓમાં કેટલી શાળાઓ છે અને કેટલા વિદ્યાર્થીઓને સમાવી શકાય તેની માહિતી મંગાવવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેમના તાબામાં આવતી પરીક્ષા લઈ શકાય તેવી સ્કૂલોની માહિતી માગી છે