નખત્રાણામાં જજના ઘરમાં ચોરી કરનાર આરોપીની ધરપકડ

image description

નખત્રાણા પોલીસે મુળ નેપાળી અને હાલ મણીનગર વિસ્તારમાં જ રહેતા શખ્સને ઝડપી પાડતા અન્ય એક ચોરીનો પણ ઉકેલાયો ભેદ

નખત્રાણા : નગરના મણીનગર વિસ્તારમાં રહેતા નખત્રાણા કોર્ટના જયુડીશીયલ મેજીસ્ટ્રેટના ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે નોધાયેલી ફરિયાદની તપાસમાં પોલીસે મુળ નેપાળના અને હાલ નખત્રાણાના મણીનગરમાં રહેતા આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીની પુછતાછમાં મણીનગરમાં જ થયેલી અન્ય એક ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે. આર. મોથલીયા તેમજ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક મયુર પાટીલની સુચનાથી તેમજ નખત્રાણા વિભાગના ડીવાયએસપી વી. એન. યાદવના માર્ગદર્શન તળે નખત્રાણા પોલીસનો સ્ટાફ મિલકત સબંધી ગુનાઓ શોધવા માટે પેટ્રોલીંગમાં હતો. નખત્રાણા પીઆઈ બી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલા સ્ટાફમાંથી એએસઆઈ મુકેશ સાધુને મળેલી સચોટ ખાનગી બાતમી હકિકતને આધારે મુળ નેપાળના અને હાલ નખત્રાણાના મણીનગરમાં રહેતા લક્ષ્મણ જનકસિંહ દમાઈ (ગુરખા) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીએ થોડા સમય પૂર્વે નખત્રાણા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટના ઘરને નિશાન બનાવી ૮પ હજારના સોના – ચાંદીના તેમજ બાળકોની પીજી બેંકમાંથી છ હજાર મળીને કુલ્લ ૯૧ હજારનો મુદ્દામાલ ચોર્યો હતો. આરોપી નખત્રાણાની મેઈન બજારમાં કોઈ સોની ત્યાં સોના – દાગીના વેચાણ કરવાની પેરવીમાં હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે તુરંત જ વર્કઆઉટ કરીને દબોચી લીધો હતો. આરોપીના કબજામાંથી સોનાના બે પેંડલ્સ, બે નંગ સોનાની નથડી, ત્રણ નંગ ચાંદીની મુર્તિ, ત્રણ ચાંદીના સીક્કા અને ચાંદીનો મુખવાસનો ડબ્બો કબજે કર્યો હતો. આરોપીની પુછતાછમાં તેણે ર૦ર૦માં નખત્રાણાના મણીનગરમાં જ અન્ય એક મકાનને નિશાન બનાવીને તસ્કરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસની આ કાર્યવાહીમાં પીઆઈ વી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન. કે. ખાંભળ, એએસઆઈ મુકેશકુમાર સાધુ, હેડ કોન્સ્ટેબલ વીકેશભાઈ રાઠવા, નરેશગીરી ગોસ્વામી, કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સોઢા, ધનજી આહીર, નીલેશ રાડા, હોમગાર્ડ સુરેશભાઈ જોશી સહિતનો સ્ટાફ જોડાયો હતો.