ભુજ : મુંદરા બંદરે કાળા મરી ભરેલા એક કન્ટેનરને ગેરરીતિની શંકાએ ડીઆરઆઈ દ્વારા તેને રોકાવીને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કન્ટેનરમાં ભરેલા કાળા મરી અફઘાનિસ્તાનના હોવાનું દર્શાવાયું છે. પરંતુ શાર્ક દેશો સાથે ભારતની થયેલી ટ્રીટી અનુસાર ત્યાંંથી આયાતમાં મળતી વિશેષ છુટછાટનો લાભ લેવા આવું કરાયું હોવાની શંકાના આધારે કાર્યવાહી કરાઈ રહી છે. લુધીયાણાની ડીઆરઆઈ એક મોટા કાળા મરીના કન્સાઈમેન્ટને લઈને કાસેઝમાં તપાસ ચલાવી રહી છે. જેમાં કસ્ટમના અધિકારીઓની પણ પુછપરછ કરાઈ છે. તેની વચ્ચે આ જ પ્રકારના એક કન્ટેનરને સ્થાનિક ડીઆરઆઈ દ્વારા મુંદરા બંદરે અટકાવાયું હતું. અને તેની તપાસનો દોર હાથ ધર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈની આયાતકારી પેઢી દ્વારા આ કન્ટેનર મંગાવાયું હતું. જેમાં ભરેલા કાળા મરીનું કન્ટ્રી ઓફ ઓરિજન અફઘાનિસ્તાન દર્શાવયું છે. પરંતુ અગાઉની તપાસમાં જે શંકા વ્યક્ત થઈ ચુકી છે તેમ ભારતના મીત્ર દેશો સાથે થયેલા કરારનો લાભ લેવા કાર્ગો જે તે દેશનો દર્શાવીને ખુબ મોટા પ્રમાણમાં કરચોરી કરીને દેશની તિજાેરીને નુકશાન પહોંચાડવાની મોડસ ઓપરેન્ડી લાંબા સમયથી અખત્યાર થઈ રહી છે. જેના પર નકેલ કસવા ગત ૬થી ૮ મહિનામાં જ કંડલા મુંદરા બંદરે ડીઆરઆઈ દ્વારા ૬થી ૭ અલગ અલગ કેસો કરવામાં આવ્યા છે.