RTO ઈન એક્શન : કચ્છમાં ૮૮૦૪ વાહનો પર ડીટેઈનની લટકતી તલવાર
RTO in Action: Detainee sword hanging on 8804 vehicles in Kutch

લાંબા સમયથી બાકી ટેકસ નહીં ચૂકવનારનું લિસ્ટ કરાયું તૈયાર : સત્વરે બાકી વેરો ભરવા પ્રાદેશ વાહન વ્યવહાર અધિકારીએ કરી તાકીદ
(બ્યુરો દ્વારા)ભુજ : ભુજ સહિત કચ્છભરના માર્ગો પર દોડતા વાહનોનો લાંબા સમયથી આરટીઓનો ટેકસ બાકી હોઈ આ ટેકસ વસુલવા માટે આરટીઓએ કાર્યવાહીનો દંડો પછાડયો છે. કચ્છનું આરટીઓ તંત્ર એકશન મોડમાં આવતા ૮૮૦૪ વાહન ચાલકોને નોટીસ ફટકારી સત્વરે બાકી વેરો ભરવા તાકીદ કરવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં ફુંકાયેલા વિકાસના વાયરાના પગલે ટ્રાન્સપોર્ટેશન વાહનો જેવા કે બસ, ટ્રક, ગુડઝ કેરીયર તેમજ નોન ટ્રાન્સપોર્ટેશન વાહનોની સંખ્યામાં ભારે વધારો થયો છે. જિલ્લામાં ટેકસ ભર્યા વગર વાહનો હંકારવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે, જેના લીધે તંત્રની તિજોરીને આર્થિક રીતે મસમોટો ધુંબો લાગતો હોય છે. ટેકસ ભર્યા વગર દોડતા વાહનો સામે કાર્યવાહી કરવા આરટીઓ તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સી.ડી.પટેલ દ્વારા જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં ૮૮૦૪ વાહનોના મોટર વાહન કર (ટેકસ) વાહન માલિકો દ્વારા ભરપાઈ થયેલ નથી. મોટર વાહન ટેકસ ભર્યા સિવાયનું કોઈપણ વાહન રોડ પર જણાઈ આવશે તો ગુજરાત મોટર વ્હીકલ ટેકસ એકટ ૧૯૮પની કલમ (૧ર-બી) અન્વયે ડીટેઈન કરી ટેકસ પેનલ્ટી વ્યાજ સહિત વસુલવામાં આવશે. લાંબા સમયથી મોટર વાહનનો ટેકસ ભરવાનું બાકી હોય તે તમામ વાહનોનું ટેકસ રીવન્યુ રાહે વસુલવામાં આવશે. જે વાહન ચાલકોનો ટેકસ બાકી છે તેઓને આરટીઓ કચેરી સુધી લંબાવવું ન પડે તે માટે રાજય માર્ગ પરિવહનની ઓનલાઈન સાઈટ પર પણ ટેકસ ભરી શકે છે.