હવે કચ્છમાં પાલિકા, તાલુકા-જિલ્લાકક્ષાનો ચૂંટણી માહોલ ગરમાશે

Now the election atmosphere of Palika, Taluka-District level will heat up in Kutch

હવે કચ્છમાં પાલિકા, તાલુકા-જિલ્લાકક્ષાનો ચૂંટણી માહોલ ગરમાશે

  • મહાનગરોમાં મતદાન-મત ગણતરી પ્રક્રિયા પૂર્ણ થતાં 

પાંચ સુધરાઈનો જંગ : ભાજપની સાપેક્ષમાં કોંગ્રેસે ૧૦ મહિલાઓને ઓછી ટીકીટ આપી

ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી અને મુન્દ્રા-બારોઈ નગરપાલિકાની ચૂંટણી : ભાજપે ૯૮ તો કોંગ્રેસે ૮૮ મહિલા ઉમેદવારોને મેદાન-એ-જંગમાં ઉતાર્યા 

ભુજ : કચ્છમાં પાંચ નગરપાલિકાની ચૂંટણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે હવે તો ઉમેદવારોનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો પણ ચૂંટણીના પ્રચારમાં જોતરાઈ ગયા છે. દેશમાં જ્યારે સ્ત્રી સશક્તિકરણ અને આત્મનિર્ભર મહિલાની વાત થતી હોય ત્યારે ચૂંટણીમાં મહિલા ઉમેદવારોનું વર્ચસ્વ જરૂરી બની રહે છે. આજે મહિલાઓ સરકાર ચલાવી રહી છે ત્યારે કચ્છના સ્થાનીક સ્વરાજ્યના જંગમાં મહિલા ઉમેદવારોનું વર્ચસ્વ જોવા મળે છે. જોકે, ભાજપની સાપેક્ષમાં કોંગ્રેસે ૧૦ મહિલાઓને ઓછી ટીકીટ આપી છે. કચ્છમાં કલેકટર તરીકે મહિલા અધિકારી સુકાન સંભાળી રહ્યા છે. આ ઉપરાંત અન્ય સરકારી કચેરીઓમાં પણ મહિલા અધિકારી અગ્રેસર છે. સમાજમાં મહિલાઓ આજે પુરૂષ સમોવડી બની છે. નગરપાલિકાના જંગની વાત કરીએ તો ભુજમાં ભાજપે ર૧ અને કોંગ્રેસે ર૦ મહિલા ઉમેદવાર ઉભા રાખ્યા છે. ગાંધીધામમાં ભાજપે ર૬ તો કોંગ્રેસે ર૩, માંડવીમાં ભાજપે ૧૮ તો કોંગ્રેસે ૧૬ જ્યારે મુન્દ્રા-બારોઈ સુધરાઈની ચૂંટણીમાં ભાજપે ૧પ અને કોંગ્રેસે ૧૪ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. અંજાર નગરપાલિકાના જંગમાં ભાજપે ૧૮ તો કોંગ્રેસે ૧૭ મહિલા ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જોકે, કોંગ્રેસમાંથી બે મહિલા ઉમેદવારે ફોર્મ ખેંચી લેવા આંક ૧પ થયો છે. આમ જોવા જઈએ તો નગરસેવકની ૧૯૬ જગ્યા માટે ભારતીય જનતા પાર્ટીએ ૯૮ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૮૮ મહિલા ઉમેદવારોને મેદાન-એ-જંગમાં ઉભા રાખ્યા છે. મહિલાઓ સામે મહિલાઓની કાંટે કી ટક્કર થશે.

રાજકીય પક્ષોના નેતાઓ મહાનગરપાલિકાઓની જવાબદારીમાંથી મુકત થતા જિલ્લાઓ તરફ કરશે રૂખ
(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે આગામી રવિવારે મતદાન યોજાવાનું છે. જિલ્લામાં ૪૪૦ બેઠકો માટે ચૂંટણી યોજાવાની હોઈ કાર્યાલયો શરૂ થવા સાથે અગાઉથી ચાલતા ચૂંટણી પ્રચારમાં હવે તેજી જોવા મળી રહી છે. ઉમેદવારો પણ સ્થાનિક નેતાઓની સાથે પ્રચાર-પ્રસારમાં જોડાયા છે. જેમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન તેમજ મત ગણતરી પ્રકિયા પૂર્ણ થતા હવે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ગરમાવો વધશે.આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકાઓની કુલ્લ મળી ૪૪૦ બેઠકો માટે ર૮મીએ મતદાન યોજાશે. જિલ્લામાં રાજકીય પક્ષો તેમજ અપક્ષો મળી એક હજારથી વધુ ઉમેદવારો મેદાને હોઈ હાલે શહેરોની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર પ્રક્રિયાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જો કે, મહાનગરોની ચૂંટણી માટે મતદાન અને મત ગણતરી પુર્ણ થતા સ્ટાર પ્રચારકો સીધી જિલ્લા અને તાલુકા મથકોની વાટ પકડશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ માટેના કાર્યક્રમો પણ તૈયાર કરી દેવાયા હોવાની જાણકારી મળી રહી છે. બીજી તરફ કોગ્રેસે પણ પોતાના કેન્દ્રીય પ્રચારકોને જિલ્લા, તાલુકા અને ન.પા.ની ચૂંટણીઓ માટે સભાઓ ગજવવા તૈયાર રહેવા જણાવ્યુ છે. જેના પગલે આગામી અઠવાડીયુ હવે જિલ્લા કક્ષાની ચૂંટણીઓના જોરદાર પ્રચાર-પ્રસારવાળુ બની રહે તો નવાઇ નહી. મહાનગરપાલિકાઓમાં જે નીતિ રીતિ અનુસરી પ્રચાર કરવામાં આવ્યો છે તેના આધારે મહાનગરપાલિકાઓમાં રાજકીય પક્ષોના જે પણ ઉમેદવારો વિજય પ્રાપ્ત કરશે તે વિજયનું ભાથું લઈ રાજકીય આગેવાનો અહીં પણ પ્રચાર ઝુંબેશમાં જંપલાવશે.

  • ચૂંટણીના કારણે કચ્છની સરકારી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પર વિપરીત અસર
    સ્ટાફને ચૂંટણીની જવાબદારી સોંપાઈ હોવાથી મોટા ભાગની શાળાઓમાં અભ્યાસના નામે વિદ્યાર્થીઓને ઈત્તર પ્રવૃત્તિ કરાવાય છે

ભુજ : હાલમાં જ્યારે કચ્છભરમાં ચૂંટણીલક્ષી માહોલ છવાયેલો છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા ઈવીએમને લગતી કામગીરી કરવામાં આવી રહી છેે. ચૂંટણી પ્રક્રિયામાં શિક્ષકોને જોડી લેવાતા કચ્છની સરકારી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પર વિપરીત અસર જોવા મળી રહી છે. આ અંગેની વિગતે વાત કરીએ તો આગામી રવિવારે મતદાન થવાનું છે, જેમાં ૧૦ હજારથી વધુ કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે, જેમાં શિક્ષકોનો પણ સમાવેશ થઈ જાય છે. મતદાન મથક પર ફરજ બજાવતા પૂર્વે ઈવીએમની તૈયારી, બેલેટ પેપર, મશીન ફાળવણી તેમજ અન્ય સરકારી કાગળોમાં વિગતો પૂરવાની કામગીરી કરવામાં આવે છે. હાલમાં છેલ્લા પખવાડિયાથી ચૂંટણી સંદર્ભેની તાલીમ અને કામગીરી ચાલી રહી છે. તાલીમ માટે શિક્ષકોએ કાર્યક્રમમાં હાજરી આપતા ભુજની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ હતી, તો અમુક સ્થળોએ ઓછા તાસ લેવાયા હતા. ક્યાંક કહેવા ખાતર શાળાઓ ખૂલ્લી રખાઈ, પણ સ્ટાફ ન હોવાથી અભ્યાસના બદલે વિદ્યાર્થીઓને ઈત્તર પ્રવૃત્તિ કરાવાઈ હોવાની વિગતો વર્તુળોમાંથી મળવા પામી છે. હજી પણ શિક્ષકો કામગીરીમાં જોતરાયેલા છે, જેથી શાળામાં શિક્ષણ કાર્ય પર ધ્યાન આપી 
શકતા નથી. હાલની સ્થિતિએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ રેગ્યુલર છે, જેના શિક્ષકો ચૂંટણી ફરજમાં આવી જતા એકલ-દોકલ શિક્ષકોની મદદથી શાળાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જે વાતમાં બેમત નથી. ચૂંટણી પૂર્ણ થયા બાદ જ શાળાઓમાં અભ્યાસ રેગ્યુલર થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

  • જ્ઞાતિવાદના સમિકરણો રચાવાના શરૂ થતા 

    ભુજ પાલિકાના અનેક વોર્ડોમાં ક્રોસ વોટિંગનો ભય

ભુજમાં વર્ષ ર૦૦પમાં ત્રણ ટર્મથી ચુંટાતા સુનિલ કંસારા જ્ઞાતિવાદ સમિકરણના લીધે જ હારવાની આવી હતી નોબત તો કેટલાકે આજ સમિકરણના લીધે ચાખ્યો હતો વિજયનો શ્વાદ

ન માત્ર ભુજ પાલીકા પરંતુ અન્ય પાલીકાઓની સાથે - સાથ તાલુકા - જિલ્લા પંચાયતની કેટલીક બેઠકો પર પણ આવી સ્થિતિનું નિર્માણ

ભુજ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે લેખેલા દિવસો બાકી રહ્યા હોઈ પ્રચાર - પ્રસારની ઝુંબેશ વેગવાન બની ગઈ છે. ભુજ શહેરમાં પણ રાજકીય પક્ષો દ્વારા પાલિકાની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. જો કે, આ પ્રચાર દરમ્યાન ઉમેદવારો પક્ષને બદલે પોતાની જીતને વધુ પ્રાધાન્ય આપી રહ્યા હોય તેવેું ચિત્ર જોવા મળી રહ્યો છે. પ્રચારની વાત કરીએ તો ભુજ નગરપાલીકાના કુલ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો છે, આ વખતની ચુંટણીમાં ભાજપ - કોંગ્રેસ તેમજ આપની સાથો સાથ અપક્ષોએ પણ મોટા પ્રમાણમાં દાવેદારી નોધાવી હોઈ ચુંટણી જંગ રશપ્રદ બન્યો છે. ઉમેદવારોના ભારે જમાવડાના લીધે પેનલ ટુ પેનલ મત આપવાના બદલે મને જ મત આપજો તેવા પ્રચાર પણ શરૂ થઈ ગયા છે. વિગતે વાત કરીએ  તો શહેરના વોર્ડ નં. ર, પ, ૧૧ સહિત અન્ય વોર્ડમાં પણ ક્રોસ વોટિંગમાં મોટો ભય રાજકીય પક્ષોને સતાવી રહ્યો છે.  ભુજ પાલીકાના કેટલાક વોર્ડમાં તો પક્ષા - પક્ષી ભુલી જે - તે સમાજના લોકો પોતાના સમાજના ઉમેદવારને મત આપવાનું મન બનાવી લીધું હોઈ કેટલાક વિસ્તારોમાં ચાર મતના બદલે ત્રણ મતો પડે તો નવાઈ નહી.ભુજ નગરપાલીકામાં ચુંટણી ભુતકાળમાં ડોકીયું કરીએ તો જ્ઞાતિવાદ સમિકરણના લીધે કેટલાક આગેવાનો કારર્કિદી પર બ્રેક લાગી ચુકયા છે. તો અનેકોને આજ કારણથી રાજકારણમાં ઉદય પણ થયો છે. ર૦૦પની ચુંટણીમાં અગાઉ ત્રણ ટર્મથી વિજેતા રહેલા સુનિલ કંસારા જ્ઞાતિવાદ સમિકરણનો ભોગ બન્યા હતા, તો કેટલાક ઉમેદવારો માટે આ સમિકરણ ટર્નિંગ પોઈન્ટ સમાન સાબીત થયો હતો. આ ચુંટણીમાં પણ ન માત્ર ભુજ પાલીકા પરંતુ અન્ય નગરપાલીકામાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની કેટલીક બેઠકો પર પણ આવા સમીકરણો રચાયા હોઈ ચુંટણી પરિણામમાં પણ મોટા ઉલટફેર થવાની પણ સકયતાઓ પણ સેવાઈ રહી છે.