મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસ : સમાઘોઘાના પૂર્વ સરપંચની કરાઈ ધરપકડ

Mundra Custodial Death Case: Former Sarpanch of Samaghogha arrested

મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસ : સમાઘોઘાના પૂર્વ સરપંચની કરાઈ ધરપકડ

પશ્ચિમ કચ્છ એસપીની ટીમ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી જયવીરસિંહને મહારાષ્ટ્રના લોનાવાલાથી ઝડપ્યો

ભુજ : કચ્છ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર મુંદરા કસ્ટોડિયલ ડેથના પ્રકરણમાં વધુ એક આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની ટીમ અને અમદાવાલ ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત કામગીરી કરીને આરોપીને મહારાષ્ટ્રના લોનાવાલામાંથી ઝડપી પાડ્યો હતો. મુંદરાના સમાઘોઘા ગામના બે-બે યુવાનોનું પોલીસ કસ્ટિડીમાં મોત થયાના ચકચારી બનાવમાં ફરાર સમાઘોઘાનો પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજા મહારાષ્ટ્રના લોનાવાલામાંથી ઝડપાયો છે. આ કેસમાં સમાઘોઘાના દેવરાજ ગઢવીએ આરોપી શક્તિસિંહ ગોહિલ, અશોક કન્નડ અને જયદેવસિંહ ઝાલા સામે ફરિયાદ આપતા ર૦મી જાન્યુઆરીના ગુનો રજિસ્ટર થયો હતો. જેની તપાસ દરમિયાન મૂળ ધ્રાંગધ્રાના અને મુંદરાના પીઆઈ જયેન્દ્રસિંહ અનોપસિંહ પઢિયાર, લુંણીના વિરલ ઉર્ફે મારાજ જીતેન્દ્રભાઈ જોશીની સંડોવણી ખુલતાં તેઓ ઝડપી પાડી જેલમાં ધકેલાયા છે. જયારે તપાસ દરમિયાન અમદવાદના કપીલ અમરતભાઈ દેસાઈ, થરાદના ગફુરજી પીરાજી ઠાકોર તેમજ સમાઘોઘાના પૂર્વ જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાની સંડોવણી ખુલી હતી. જેમા ગફુરજી પીરાજી ઠાકોરને એટીએસની ટીમે ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘના માર્ગદર્શન તળે ડીવાયએસપી જે.એન પંચાલ સહિતની વિવિધ ટીમો દ્વારા સતત આ કેસ પર વર્કઆઉટ કરાઈ રહ્યુ છે. જેમા પશ્ચિમ કચ્છ એસપીની ટીમ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળીને પૂર્વ જયવીરસિંહને લોનાવાલામાંથી દબોચી લીધો છે. તો અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ પણ પોલીસના હાથવેંતમાં હોવાનું સુત્રો મારફતે જણાવા મળ્યુ છે.