બનાસકાંઠામાં રૂ.૧.૯૧ કરોડ રૂપિયાના અનાજ કૌભાંડનો પર્દાફાશ, મેનેજર સામે ફરિયાદ

Food scam worth Rs 1.91 crore exposed in Banaskantha, complaint lodged against manager

બનાસકાંઠામાં રૂ.૧.૯૧ કરોડ રૂપિયાના અનાજ કૌભાંડનો પર્દાફાશ, મેનેજર સામે ફરિયાદ

(જી.એન.એસ.)પાલનપુર,બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરના અનાજ ગોડાઉનમાં ગરીબ અને રાશન કાર્ડ ધારકોને આપવાની જગ્યાએ ખાનગી બજારમાં અનાજ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગોડાઉનના મેનેજર નાગજીભાઈ રોત અને તેમના પુત્ર કન્હૈયાલાલ રોત પર ૧.૯૧ કરોડ રૂપિયાના અનાજની ઉચાપત કરવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે જિલ્લા પૂરવઠા અધિકારી એસએસ ચાવડાએ ફરિયાદ દાખલ કરાવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગોડાઉનના મેનેજર નાગજી રોત અને તેમના પુત્ર કન્હૈયા પર ગોડાઉનના અનાજને બારોબાર સગેવગે કરવાનો આરોપ લાગ્યો હતો. વિભાગીય ટીમે તપાસ કરતાં આ આરોપ સાચા ઠર્યા હતા.જેમાં ૫૦ કિલો વજનની ૧૨,૭૭૬ બોરી ઘઉ અને ૨૪૭૨ બોરી ચોખા ઓછા મળી આવ્યા હતા. જેની કિંમત ૧.૯૧ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ મામલે પૂરવઠા વિભાગે બે હજાર પેજનો રિપોર્ટ તૈયાર કરાવ્યો છે. જે અંતર્ગત ડેટા, જીપીએસ ટ્રેકર રિપોર્ટ, પંચનામું સહિત અલગ-અલગ કર્મચારીઓ અને શ્રમિકોના નિવેદન સામેલ છે.જો કે તપાસ દરમિયાન જ ૧૫ દિવસ પહેલા જ ગોડાઉનમાં કામ કરી રહેલા જૂના મજૂરોનું ગ્રુપ પોતાના ગામે પરત ફર્યુ અને પછી નવા મજૂરોને કામ પર લેવામાં આવ્યા છે. એવું મનાય છે કે, જૂના શ્રમિકો આ કૌભાંડના મોટા સાક્ષી હોવાથી તેમને પરત મોકલી દેવામાં આવ્યા છે. જેના કારણે હવે તપાસમાં અડચણ ઉભી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટી તંત્રએ મજૂરોના કોન્ટ્રાક્ટરની શોધખોળ માટે ચક્ર ગતિમાન કર્યા છે.