11 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ સુધી કચ્છમાં હર ઘર તિરંગા સપ્તાહ યોજાશે

0
88

કલેકટર શ્રી પ્રવિણા ડીકે ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ અન્વયે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે  ભુજ ખાતે બેઠક યોજવામાં આવી

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ થઈ રહ્યું છે જે અન્વયે તારીખ 11 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ દરમિયાન કેન્દ્રના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સ્વતંત્રતા સપ્તાહ યોજવામાં આવશે જે હેઠળ હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રીય વ્યાપી ઉજવણી કરવાનો નિર્ણય કરાયો છે જે અન્વયે આજરોજ કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી પ્રવીણા ડીકે ના અધ્યક્ષ સ્થાને સંબંધિત તંત્ર સાથે એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા સમાહર્તા શ્રી પ્રવિણા ડી.કે કચ્છમાં કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબતે રૂપરેખા સાથે સંબંધિત અધિકારીશ્રીઓને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કાર્યક્રમનો હેતુ જણાવતા કહ્યું હતું કે ,લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે .આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ઘરો ,દુકાન ,ઉદ્યોગ અને વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે તમામ સ્થળે રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક લહેરાવવામાં આવશે. તેમણે જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારના તમામ લોકો ઉપયુક્ત કાર્યક્રમમાં જન ભાગીદારી સાથે જોડાય અને તમામ ઘર ,સસ્તા અનાજની દુકાનો ,એપીએમસી, સરકારી મંડળીઓ, દૂધ મંડળીઓ, સરકારી કચેરીઓ, ભવનો ,શાળા ,કોલેજ તથા અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓ ,જેલ ,પોલીસ સ્ટેશન ,બસ સ્ટેશન, પેટ્રોલ પંપ, હોટલ ,ઉદ્યોગ ગૃહો ,વાણિજ્ય સંસ્થાઓ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સીએચસી વગેરે તમામ જગ્યાએ આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ  લહેરાવવાનો કાર્યક્રમ યોજાય તે સુનિશ્ચિત કરવા ચીફ ઓફિસર શ્રીઓને જણાવ્યું હતું .આ સાથે તેમણે વધુમાં જાહેર સ્થળો પર રાષ્ટ્રધ્વજના વેચાણના સ્ટોલ લગાવવા દરેક વોર્ડમાં સામાજિક સંસ્થાઓ તથા આગેવાનો ને સાથે રાખીને બેઠક યોજવા ઔદ્યોગિક સમુહો અને વેપારી સંગઠનોનો સહયોગ મેળવવા તમામ પદાધિકારીશ્રીઓને જોડાવા પ્રોત્સાહિત કરવા સંબંધી પાલિકા કચેરીના અધિકારીશ્રીઓને સૂચના  આપી હતી.
આ ઉપરાંત સ્થાનિક જરૂરી પ્રચાર પ્રસાર દ્વારા વિશાળ જન ભાગીદારી સાથે સમગ્ર આયોજન કરવા જણાવ્યું હતું. બેઠકમાં સંબંધીત અધિકારીશ્રીઓને રાષ્ટ્રધ્વજનુ નિયત સમયે વિતરણ, કાર્યક્રમના પ્રચાર પ્રસાર કેમ્પેઇન દરમિયાન રાષ્ટ્રધ્વજને આદરપૂર્વક લહેરાવવામાં આવે તે બાબતે સંબંધિતોને તાલીમ આપવા તથા ફ્લેટ કોડ થી માહિતગાર કરવા ખાસ જણાવવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારીશ્રીઓને કાર્યક્રમના આયોજન અંગેના અમલીકરણ અંગેનું મોનિટરિંગ કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત તેમજ સંબંધિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.