૧.ર૭ કરોડની ઠગાઈના કેસમાં ભુજ એલસીબીને ફેર તપાસનો હુકમ કરાયો

બોર્ડર પર ચાલતા કામોના ટેન્ડર આપવાની લાલચે ૮ આરોપીઓએ કરી હતી ઠગાઈ : ભુજ કોર્ટે ૬૦ દિવસમાં ગુનાની રી-ઈન્વેસ્ટીગેશનનો રિપોર્ટ રજૂ કરવા કર્યો આદેશ

ભુજ : ૧.ર૭ કરોડની ઠગાઈના બે વર્ષ પૂર્વેના ચકચારી કેસમાં ભુજ કોર્ટે ફેર તપાસનો હુકમ આપ્યો છે તેમજ ૬૦ દિવસમાં ગુનાની રી-ઈન્વેસ્ટીગેશનનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા જણાવ્યુું છે.આ કેસની વિગતો મુજબ સુખપર ગામના ગોપાલભાઈ ગાંગજીભાઈ વરસાણી સાથે ઠગાઈ થઈ હતી. આરોપી મિરજાપરના હિતેશ વેલજી પરમાર, નરેન્દ્ર વેલજી પરમાર, બાલાજી નામના બીએસએફ ઈન્જિનિયર, કદમ નામના બીએસએફના સિનિયર ઓફિસર, સતીષ નામના બીએસએફના ક્લાર્ક, સચિવ સાહેબ (દિલ્હી), અંજારના માવુભા ઉર્ફે મહાવીરસિંહ નરપતસિંહ વાઘેલા અને ગોપાલસિંહ માવુભા વાઘેલા સામે ફરિયાદ માનકુવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ભારતીય સેનાના બોર્ડર પર ચાલતા કામો માટે અલગ-અલગ ટેન્ડર ભરવા બાબતેની વાતો કરી જો ટેન્ડરનુું કામ જોઈતું હોય તો આગોતરા આયોજનની તૈયારી માટે સિક્યોરિટી ડિપોઝીટ, એડવાન્સ ટેક્સ, સેન્ટ્રલ એક્સાઈઝડ્યુટી, ગવર્મેન્ટના એડવાન્સ પેમેન્ટ ચેકના જામીનગીરી માટે બોન્ડ પેટે રકમ ચૂકવવી પડશે તેવું જણાવી ફરિયાદી અને સાહદોને વિશ્વાસમાં લઈ ૧ કરોડ ર૭ લાખ રૂપિયા આરોપીઓએ મેળવી લીધા હતા અને છેતરપિંડી – વિશ્વાસઘાત આચર્યો હતો, જે ગુનામાં તપાસ કરનાર અમલદાર દ્વારા કોર્ટમાંં ચાર્જશીટ રજૂ કરાઈ હતી, પરંતુ ગુના કામે ગયેલી રોકડ કબજે લીધી ન હતી કે તેની તપાસ પણ કરાઈ ન હતી, જેથી ચાર્જશીટ સામે ફરિયાદીએ વાંધો ઉઠાવતા તપાસ કરનાર અમલદારો પીઆઈ વી.એસ. ચંપાવત અને પીએસઆઈ જે.જી. રાણા વિરૂદ્ધ એસપી અને આઈજીને ફરિયાદ કરતા ભુજ ડિવિઝનના ડીવાયએસપીને તપાસ સોંપાઈ હતી, જે તપાસમાં અમલદારો કસૂરવાર સાબિત થતા વી.એસ. ચંપાવતને આઈજી દ્વારા ઠપકો તેમજ જે.જી. રાણાને બેદરકારી બદલ પાંચ હજારનો દંડ કરાયો હતો. આ કેસમાં ફરીથી રી-ઈન્વેસ્ટીગેશન કરતા ભુજ એલસીબીને તપાસ સોંપાઈ હતી અને હાલમાં નામદાર કોર્ટમાં ફરી અરજી રજૂ થતાં ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંશુલકુમાર કૌશિક દ્વારા અરજી મંજૂર કરાઈ છે અને એલસીબી પીઆઈ ભુજને હુકમ કરાયો છે કે આ ગુનાનું રી-ઈન્વેસ્ટીગેશન કરી ૬૦ દિવસમાં ફરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવે. રી-ઈન્વેસ્ટીગેશનની અરજી મંજૂર થતા આરોપીઓ દ્વારા તેના પર સ્ટે લાવવા અરજી કરાઈ હતી, જેની સામે ફરિયાદીએ વાંધો ઉઠાવતા કોર્ટે સ્ટેની અરજી પણ ફગાવી છે. આ કામે ફરિયાદીના વકીલ તરીકે બાબુલાલ ગોરડિયા અને ઋષિ ઉપાધ્યાય હાજર રહ્યા હતા.