૧૮+ રસીકરણમાં અંજારને પ્રથમ દિવસે બાકાત રખાતા લોકોએ ટિ્‌વટર પર ડીડીઓને કરી ફરિયાદ

વિરોધ બાદ આજે અંજારને એક કેન્દ્ર અપાયું, પણ ગણતરીની મિનિટોમાં ૧૦૦ લાભાર્થીઓ બુક થઈ જતા અન્યોની નોંધણી ન થઈ

ભુજ : કચ્છમાં ભુજ અને ગાંધીધામ બાદ અંજાર શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, પરંતુ ૧૮ પ્લસ રસીકરણના પ્રથમ દિવસે અંજારને રસીકરણમાંથી બાકાત રાખવામાં આવતા લોકોએ ડીડીઓને ટ્‌વીટર પર ફરિયાદો કરી હતી. પૂર્વ કચ્છના વડા મથક અંજારને રસીકરણમાં ક્યારે લેશો ? આખા કચ્છને રસીકરણ થઈ જાય પછી ? અંજાર શહેર અને તાલુકામાં વધારે કેસ હોવા છતાં અંજારમાં પ્રથમ શરૂઆત ન કરાઈ ? કચ્છની રાજધાની અંજાર આજે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે અળખામણુ બની ગયેલ છે. તેવી ફરિયાદો ડીડીઓને ટ્‌વીટર પર કરવામાં આવી હતી. જોકે, ડીડીઓએ તમામ ટ્‌વીટમાં જવાબ આપ્યો હતો અને જણાવ્યું કે, રસીકરણનો પ્રથમ દિવસ હોવાથી સ્થળોની સંખ્યા મર્યાદીત રખાઈ હતી. જેથી જરૂરી પ્રક્રિયા જોવા બાદ સુધારણા કરી શકાય અંજાર શહેર અને તાલુકાને પણ અગ્રમત્તા આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. વિરોધ બાદ આજે અંજાર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં રસીકરણનું કેન્દ્ર અપાયું છે. જોકે, આવડા મોટા શહેર અને તાલુકામાં પ્રથમ દિવસે માત્ર ૧૦૦ લાભાર્થીને રસી આપવાનું નક્કી કરાયું છે. જેથી ગણતરીની મિનિટોમાં સેશન ફુલ થઈ જતા લોકો રજિસ્ટ્રેશન કરાવી શક્યા ન હતા. જેનો બળાપો પણ ટિ્‌વટર પર ઠાલવાયો હતો.