હોસ્પિટલોમાં ફાયર એનઓસી + ઈલેક્ટ્રીક ઓડીટ ફરજીયાત = અમલવારી શૂન્ય

રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં ઉપરા-છાપરી આગના બનાવોમાં ઈલેક્ટ્રીક લોડ વધી જતા આગ લાગ્યાનું આવ્યું છે તારણ : કચ્છમાં મોટા ભાગની કોવિડ હોસ્પિટલોએ કાર્યવાહીથી બચવા વ્યવસ્થા કરી, પણ નોન કોવિડ હોસ્પિટલો હજુ પણ અંધારામાં હોવાનો ઘાટ : દવાખાનામાં ફાયરના બે સાધનો રાખી સંતોષ માની લેવાની વૃત્તિ મોટી ઘટનાને આપી શકે છે અંજામ

ભુજ : રાજ્યની સાથે કચ્છમાં અવાર-નવાર આગના બનાવો બનતા હોય છે. મોટા ભાગના કિસ્સામાં ઈલેક્ટ્રીક સ્પાર્ક થવાથી કે લોડ વધી જવાથી આગની ઘટના બને છે, જેથી સરકારે ફાયર એનઓસી સાથે હવે ઈલેક્ટ્રીક ઓડીટનું સર્ટી પણ ફરજીયાત બનાવ્યું છે, પણ કચ્છમાં તેની અમલવારી સાવ શૂન્ય હોય તેવો તાલ જાેવા મળી રહ્યો છે. કારણ કે, આગ લાગે ત્યારે કૂવો ખોદવાની તંત્રની નીતિના કારણે અમુક કોવિડ હોસ્પિટલોએ તાબડતોબ જેમ-તેમ સર્ટી બનાવી લીધા, પણ શહેરોથી લઈ ગામડાઓમાં ધમધમતી નોન કોવિડ હોસ્પિટલો હજુ પણ આ નિયમ બાબતે અંધારામાં છે.

જિલ્લામાં આવેલી મોટા ભાગની હોસ્પિટલ કે જાહેર એકમોમાં સંચાલકો એવું માને છે કે આગની ઘટનાથી બચવા સંકુલમા ફાયરના બે સાધનો રાખી દઈએ. માટી ભરેલી ડોલ સ્ટેન્ડબાય રાખીએ. વિશાળ સંકુલ હોય તો ફાયરની લાઈનો પાથરી સંતોષ માની લેવાય છે, પણ જ્યારે આગ લાગે ત્યારે આ સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહેતા હોય છે. આગ લાગવાની મોટા ભાગની ઘટનાઓમાં ઈલેક્ટ્રીક ઉપકરણોનો વધુ વપરાશ થવાથી શોર્ટસર્કિટના કારણે આગની જ્વાળાઓ ફાટી નીકળે છે, જેથી ફાયરના સાધનો એનઓસી સાથે ઈલેક્ટ્રીક ઓડીટ પણ ફરજીયાત બનાવાયું છે. જે-તે હોસ્પિટલમાં દૈનિક કેટલા યુનિટનું વીજ વપરાશ થાય છે, તેની સામે કેટલી ક્ષમતા વિદ્યુત ઉપકરણો છે. વોલ્ટેજ કેટલા છે, લો-વોલ્ટેજ નથી ને તે સહિતની ઈલેક્ટ્રોનિક બાબતો ઈલેક્ટ્રીક ઓડીટમાં આવરી લેવાય છે. આ ઓડીટના આધારે જરૂરી વિદ્યુત પરિવહનમાં ફેરફાર પણ કરવામાં આવે છે. આ ઓડીટ પીજીવીસીએલના ઈજનેર દ્વારા કરી અપાય છે. હાલમાં ૧૦૦ જેટલી કોવિડ હોસ્પિટલોમાં તંત્રએ કડક આદેશ આપતા અપવાદ સિવાયની હોસ્પિટલોએ ઈલેક્ટ્રીક ઓડીટ કરાવી સંતોષ માન્યો છે, પણ જિલ્લામાં ૭ શહેરો, ૧૦ તાલુકામાં સેંકડો હોસ્પિટલો આવેલી છે. નાના બાળકોથી લઈ સર્જન સુધીની સારવાર માટે હોસ્પિટલો અને દવાખાના ધમધમે છે ત્યાં મોટા ભાગે ઈલેક્ટ્રીક ઓડીટ ફરજીયાતના નિયમનું સુરસૂરિયું થયું હોય તેવો તાલ છે. કારણ કે, આવા સંચાલકો માત્ર ફાયરના બે સાધન વસાવી સંતોષ માની છે. આ બેદરકારી લોકો માટે જીવલેણ સાબિત થાય તેમ છે. તંત્ર પણ અમલવારી બાબતે પાણીમાં બેસી ગયું છે. ઉપરથી સૂચના આવે કે ક્યાંક હોસ્પિટલમાં આગ લાગે તો ફરી ફાયર એનઓસી ભંગની કાર્યવાહી કરવાનું ચાનક ચડે છે, પણ સામાન્ય દિવસોમાં આ કામગીરીની ફાઈલો અભેરાઈએ ચડાવી દેવાય છે.