હોળી – ધુળેટીએ અપમૃત્યુના બનાવોમાં પાંચ જિંદગીઓ હોમાઈ

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : હોળી – ધુળેટીના સપરમાં તહેવારોમાં સરહદી કચ્છમાં પાંચ માનવ જિંદગીઓ પર પૂર્ણ વિરામ મુકાયું હતું, જેમાં મુંદરામાં આધેડ તેમજ યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. તો મુંદરામાં રોડ ક્રોસ કરતા યુવાનને ટ્રકે હડફેટમાં લેતા મોત થયું હતું. નાના નખત્રાણામાં દાઝી ગયેલી મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજીતરફ અબડાસાના મોટી બેરમાં ડેમમાં ન્હાવા પડેલ વિથોણના યુવાનનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મુંદરાની અલક નંદા સોસાયટીમાં ર૮ વર્ષિય મનસુખ રણશોભાઈ પરમારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેવી જ રીતે આદર્શ ટાવર પાસે રહેતા નરશીભાઈ તુલસીભાઈ કોલીએ કોઠાવાડી વિસ્તારમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મુંદરામાં આધેડ અને યુવાને અગમ્ય કારણોસર આત્મઘાતી પગલું ભરતા પોલીસે અકસ્માત મોતના બનાવો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો મુંદરાના ઉમિયાજી ડાઈનીંગ હોલ સામે ટ્રક ચાલકે યુવાનને હડફેટમાં લેતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે દિનેશકુમાર બિંદી યાદવ (ઉ.વ.૪૧) એ નોંધાવેલી ફરિયાદ મુજબ જીજે૧ર બી. ડબલ્યુ. ૧રપ૮ નંબરના ટ્રક ચાલકે પુરપાટ વેગે અને ગફલતભરી રીતે વાહન હંકારી રોડ ક્રોસ કરતા ફરિયાદીના કૌટુંબીક ભત્રીજાને હડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. બનાવને પગલે મુંદરા પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોધતા પીએસઆઈ બી. જે. ભટ્ટે આગળની તપાસ હાથ ધરી છે.તો બીજીતરફ નાના નખત્રાણામાં રહેતા જશુબેન કરમશીભાઈ રબારી (ઉ.વ.૪૦)નું દાઝી જવાથી મોત નિપજયું હતું. માંડવી તાલુકાના મોટા રતાડીયામાં બનાવ બન્યો હતો. જેમાં હતભાગી જશુબેન ચુલામાં રસોઈ બનાવવાનું કામ કરતા હતા, ત્યારે અચાનક ભડકો થતા શરીરે પહેરેલ કપડામાં આગ લાગી જતા ગંભીર રીતે દાઝી ગયા હતા.હતભાગીને પ્રથમ સ્થાનિકે સરકારી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જો કે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ગઢશીશા પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દર્જ થયો હતો. આ તરફ અબડાસાના મોટીબેર ગામની પૂર્વ બાજુએ આવેલ મણીયારા ડેમમાં વિથોણના ર૧ વર્ષિય યુવાનનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું. વાયોર પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ ભરતભાઈ બાબુભાઈ ધેડા (મહેશ્વરી) (રહે. વિથોણ)નામનો યુવાન મણીયારા ડેમમાં ન્હાવા ગયો હતો, તે દરમ્યાન ડુબી જવાથી હતભાગીનું મોત નિપજયું હતું. બનાવને પગલે વાયોર પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી પીએસઆઈ એમ. બી. જાડેજાએ તપાસ હાથ ધરી હતી.