હાશ… આંકડો ઘટ્યો ખરો : કચ્છમાં કોરોના પોઝિટીવ કેસ ઘટીને 97 થયા

ભુજ : કચ્છ અને ગુજરાતમાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવી રહી છે. જિલ્લાની સાથે રાજ્યમાં પણ કોવિડના પોઝિટીવ કેસોમાં મહદઅંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. કચ્છમાં આજે કોરોનાના પોઝિટીવ કેસ સોથી અંદર આવીને 97 નોંધાયા હતા. આ જીવલેણ મહામારી પર મહદ અંશે અંકુશ આવતા લોકો અને તંત્ર તેમજ સરકારે પણ થોડો હાશકારો અનુભવ્યો છે. જો કે કોરોનાના કેસો ઘટ્યા છતાં લોકોને હજુ પણ સતર્ક રહેવાની તાંતી જરૂરિયાત છે. કચ્છમાં રવિવારે 173 દર્દીઓ નોંધાયા બાદ સોમવારે 60 કેસોના ઘટાડા સાથે કોરોનાના પોઝિટીવ કેસનો આંક ઘટીને 113 થયો હતો. તો આજે પોઝિટીવ કેસ 97 નોંધાયા હતા. રાજ્યની યાદી મુજબ કચ્છમાં કોરોનાને કારણે કોઈપણ દર્દીઓનું મોત નોંધાયુ ન હતુ. રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં પોઝિટીવ કેસનો આંક ગઈકાલની તુલનાએ ઘટ્યો હતો. સોમવારે ગુજરાતમાં કોરોનાના 7,135 કેસ નોંધાયા હતા. જ્યારે આજે 6,447 કેસ નોંધાયા હતા. કોરોનાના કારણે ગુજરાતમાં મૃત્યુઆંક પણ ઘટીને 67 થયો હતો. કોરોના મહામારીના સંકજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસોમાં ઘટાડો નોંધાતા આંશિક રાહતના સમાચાર છે. પોઝિટીવ કેસનો આંક ઉતરીને ડબલ ડિઝિટમાં આવ્યો છે. અઢીસોની આસપાસ પહોચેલા આકને કારણે એમ કહી શકાય કે આજે માત્ર 97 કેસ નોંધાયા હતા.