હાઇકોર્ટે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો

(જી.એન.એસ.)અમદાવાદ,દારૂબંધી મામલે થયેલી અરજી પર હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આ અરજી ટકવા પાત્ર છે કે નહિ તે મામલે હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. એડવોકેટ જનરલે આ અરજી સાંભળવાનો અધિકાર હાઈકોર્ટને ન હોવાની રજૂઆત કરી છે. એડવોકેટ જનરલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ આ મામલે બનેલા કાયદાને માન્યતા આપી ચુક્યુ છે. તેથી હાઈકોર્ટમાં સુનવણી કરી શકાય નહિ. તો બીજી તરફ, અરજદારે રજૂઆત કરી કે આ મામલે કોઇ અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ નથી. માટે તેની સુનવણી હાઈકોર્ટમાં થઇ શકે. આ મામલે હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.એડવોકેટ કમલ ત્રિવેદીએ કહ્યુ કે, દારૂબંધી અંગેની આ અરજી હાઈકોર્ટમા સાંભવા લાયક નથી અને ટકવા પાત્ર નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પણ વાંચવામા આવ્યા હતા. તેમજ કયા ધારાધોરણ મુજબ ગુજરાતમાં દારૂબંધી હતી તે અંગે ચર્ચા કરાઈ હતી. એડવોકેટ જનરલે સુનાવણી દરમિયાન કહ્યું કે, રાજ્ય મહાત્મા ગાંધીના સિદ્ધાંતો માટે કટિબદ્ધ છે અને દારૂ પીવાના જોખમને નાબૂદ કરવા માટે નિશ્ચિતપણે ઇરાદો રાખે છે.
ગઈકાલે રાજ્યમાં દારૂબંધી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણીમાં અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ઘરમાં વ્યક્તિ શું ખાશે શું પીશે તે સરકાર નક્કી ન કરી શકે. દારૂની છૂટ હોય તેવા રાજ્યમાથી દારૂ પીને આવતા લોકો સામે કાર્યવાહી ન થવી જોઈએ. દારૂ પીને આવેલા અન્ય રાજ્યના લોકો સામે કાર્યવાહી કરવી અયોગ્ય છે. ઘરમાં લોકો દારૂ પી શકે છે, તેમાં પોલીસ કાર્યવાહી ન કરી શકે. ગુજરાતમાં દારૂ પર રોક હોવાથી રાજ્યમાં દારૂ પીને આવતા લોકો સામે કાર્યવાહી થાય છે.ત્યારે એડવોકેટ જનરલે કહ્યું કે, આ અરજી ગુજરાતમાં ટકવા પાત્ર નથી. અરજદારની રજૂઆતો અયોગ્ય છે. તેમણે રાજ્યમાં દારૂબંધીને પડકારતી અરજી અયોગ્ય ગણાવી હતી.