હાઇકોર્ટના અવલોકન-રિપોર્ટ રાજ્ય સરકાર ને મળ્યા બાદ કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા થશે ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવાશે

રાજ્યમાં કોરોના ટેસ્ટ ની સંખ્યા અને કોન્ટેક્ટ ટ્રેસીંગ પણ વધારવામાં આવ્યું છે : -મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, કોરોના સામેના સંઘર્ષમાં રાજ્ય સરકાર કોઈ જ પીછે હટ કરશે નહીં. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની બેન્ચ દ્વારા રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગેનો અવલોકન-રિપોર્ટ સરકાર ને મળ્યા બાદ કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા થશે અને ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવાશે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે રાજ્યમાં કોરોના વધુ ના ફેલાય એટલું જ નહિ સંક્રમિત લોકોને ત્વરિત સારવાર મળે અને કોરોના ને કારણે કોઈનું મૃત્યુ ના થાય એ સરકાર ની જવાબદારી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ બાબતે સરકાર અત્યંત ગંભીર છે અને તે માટે સરકાર દ્વારા આવશ્યક તમામ પગલાં લેવાઇ રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકોએ ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. હાલની પરિસ્થિતિ જોતા કેસ વધવાની સંભાવના છે. ગુજરાતમાં ૬૦ ટકા કેસ ચાર મહાનગરોમાં જોવા મળી રહ્યા છે.
છેલ્લા એક વર્ષથી પ્રજાના સહકારથી આપણે કોરોના સામે સંઘર્ષ કરી રહ્યા છીએ, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ એ જણાવ્યું કે, રાજ્યમાં વેક્સિનેશનની સંખ્યા વધારી રોજના ચાર લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૭૦ લાખ લોકોને રસી અપાઇ ગઇ છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના દરેક લોકો રસી મેળવે અને માસ્ક બરોબર પહેરે તેવી અપીલ કરતાં કહ્યું કે, હાલ આ માસ્ક અને વેક્સિન એ બે જ ઇલાજ આપણી પાસે ઉપલબ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં પહેલા રોજ ૬૦ હજાર કોરોના ટેસ્ટ કરતાં હતા. હવે રોજના 1,20,000 ટેસ્ટ થઈ રહ્યા છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ અને દર્દીઓની ટ્રીટમેન્ટ પણ સઘન બનાવી છે. નાગરિકોને 104ની સેવા ઉપલબ્ધ કરાવી છે. સંજીવની રથ થકી ઘર બેઠા આરોગ્ય સેવા લોકો માટે ઉપલબ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે જરૂર વગર ઘરની બહાર નહી નીકળવા અને જાહેર જગ્યાએ વધુ પડતા એકઠા નહી થવા પણ અપીલ કરી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરતના ખાનગી નર્સિંગ હોમ્સને માઈલ્ડ અને એસિમ્ટોમેટિક દર્દીઓની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રેમ્ડેસિવીર ઇન્જેક્શનનો ઓર્ડર આપવામાં આવ્યો છે તેનો પ્રથમ જથ્થો આજે રાત સુધીમાં સુરત પહોંચી જશે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્ય મંત્રીશ્રી એ સુરત માં કોરોના સંક્રમણ નો વ્યાપ જોતા રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓ ની ખાલી જગ્યાઓ પણ સત્વરે ભરવા મંજૂરી આપી છે તેમ પણ જણાવ્યું હતું