હવે મીઠીરોહરમાં મુન્નાભાઈ એમબીબીએસ પર પોલીસની તવાઈ

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા ઊંટ વૈધને ૩૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યો

ગાંધીધામ : તાલુકાના મીઠીરોહરમાં વગર ડિગ્રીએ મેડિકલ પ્રેક્ટિસ કરતા શખ્સને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીના કબજામાંથી ૧૧,૮ર૦ની રોકડ રકમ તેમજ ૧૯,૩૩૬ની દવાઓ સહિતનો સામાન મળીને ૩૧,૧પ૬નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલની સૂચનાને પગલે જિલ્લામાં બોગસ ડિગ્રી ધરાવતા તબીબો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાને પગલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી. પીઆઈ ડી.એમ.ઝાલાને મળેલી બાતમીને આધારે મીઠીરોહરની સીમમાં લક્ષ્મણ ટિમ્બરની બહાર બનાવામાં આવેલી દુકાનોમાં ચાલતા ક્લિનીક પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ ક્લિનીકમાં મુળ પશ્ચિમ બંગાળના અને હાલ ગાંધીધામના પડાણાના ઓમનગરમાં ભાડેથી રહેતા બિલ્ટુ ચિતરંજન સમાજપતિ (ઉ.વ. ર૮)ની ધરપકડ કરાઈ હતી. આરોપી બોગસ ડિગ્રીને આધારે મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે દરોડામાં દવાઓ સહિતની સામગ્રી મળીને ૩૧,૧પ૬નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પીઆઈ ડી.એમ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એન.જેઠવા તેમજ ગાંધીધામના મેડિકલ ઓફિસર સહિતની ટીમે કાર્યવાહી કરી હતી.