હવે બદલાશે કચ્છ-ગુજરાત : ઈશુદાન ગઢવીનો હુંકાર

0
25

સસ્તુ શિક્ષણ – વિજળી દિલ્હીમાં મળે તો કચ્છમાં કેમ નહીં ? : આમ આદમી

આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાનો જન સંવેદના કાર્યક્રમ હેઠળ કચ્છના પ્રવાસે : માધાપર ખાતે યોજાયો કાર્યક્રમ : કોરોના પ્રોટોકોલ અંતર્ગત ઉમટ્યો જનસમુહ

ભુજ : આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ જન સંવેદના કાર્યક્રમ હેઠળ કચ્છના પ્રવાસે આવ્યા છે ત્યારે પ્રથમ દિવસે માધાપર ખાતે આવેલી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી, વિજયભાઈ સુવાળા, પ્રવીણ રામ, ભોમાભાઈ ચૌધરી, રમેશભાઈ નાભાણી, કે.કે.અંસારી સહિતના આપના કાર્યકરોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાનભાઈ ગઢવીએ જણાવ્યું કે, પાર્ટીની જન સંવેદના મુલાકાત કચ્છમાં પહોંચી છે. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી રહી છે. ર૦રરમા અમારી સરકાર બનશે તો ગાંધીનગર ખાતે કોરોનામાં મૃત્યુ પામેલાની યાદમાં સ્મારક બનાવવામાં આવશે. કચ્છ સહિત ગુજરાતમાં લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. ભાજપ સરકારે નિવેદન આપ્યું કે, ઓક્સિજનની અછતના લીધે કોઈપણ દર્દી
મૃત્યુ પામ્યો નથી. તે ખરેખર જુઠુ છે. સેંકડો કોરોના ગ્રસ્ત દર્દીઓ ઓક્સિજનની કમીના લીધે મૃત્યુ પામ્યા છે. ભાજપે આ નિવેદન આપીને કોરોનામાં મૃત્યુ પામેલા લોકો તેમજ તેમના પરિવારનું અપમાન કર્યું છે. ભાજપને મત આપવું એટલે પાપને મત આપવું તેના પ્રયાશ્ચિતરૂપે ર૦રરમા ભાજપને ભગાડી આમ આદમી પાર્ટીની સરકારને લાવવા અપીલ કરી હતી. વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે. આમ આમ આદમી પાર્ટીને જન સંવેદના કાર્યક્રમ હેઠળ જે રીતે લોકોનો પ્રેમ અને સહકાર મળી રહ્યો છે તેવું લાગી રહ્યું છે કે, ર૦રરમા આપની સરકાર આવશે. અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીમાં ઓછા બજેટમાં સહાયક પેકેટ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં તો બજેટ પણ ઘણુ છે ત્યારે ગુજરાતમાં પણ સહાય લાગુ કરવામાં આવે તેવી પણ રજૂઆતો પાર્ટી દ્વારા કરવામાં આવશે. ભાજપ સરકાર પોતાના જ નેતાઓ, જજોની જ જાસૂસી કરાવી રહી છે. આનાથી કોઈ જુઠી પાર્ટી હોઈ ન શકે. અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીને જે રીતે ભ્રષ્ટાચાર મુક્ત કરવામાં આવ્યું છે. તેવી રીતે ગુજરાતમાં પણ આપની સરકાર આવતા ગુજરાતને પણ ભ્રષ્ટાચાર મુક્ત કરવામાં આવશે. આગામી સમયમાં ભાજપના મોટા મોટા નેતાઓ આપમાં જોડાશે તેવી ખાતરી તેમણે વ્યક્ત કરી હતી. ભાજપ દ્વારા ગોપાલભાઈ ઈટાલિયાના વીડિયો તથા ઓડિયો સાથે છેડખાની કરી તેને વાયરલ કરી ગુજરાતની પ્રજામાં ભ્રમીત કરવામાં આવી રહી છે. જો ગુજરાતમાં પેટ્રોલના ભાવ ૧૦૦ને પાર પહોંચશે ત્યારે પાર્ટી દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને ગુજરાતમાં ભાજપના નેતાઓને પણ બહાર નિકળવું પણ મુશ્કેલ બની જશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક મોકો આપો, જો પાર્ટી સત્તામાં આવશે અને કોઈ કાર્ય નહીં કરી શકે તો બીજી વખત કચ્છ અને ગુજરાતમાં પાર્ટી ક્યારે પણ મત માગવા આવશે નહીં તેવું તેમણે અંતમાં જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ રોહિતભાઈ ગોર, મીડિયા કોર્ડિનેટર ગિરીરાજસિંહ જાડેજા સહિતના પાર્ટીના આગેવાનો જોડાયા હતા.

માધાપર ખાતે ગોપાલ ઈટાલિયાનો બ્રહ્મ સમાજ દ્વારા શાંતિપૂર્વક વિરોધ

ભુજ : આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ કચ્છમાં જન સંવેદના મુલાકાતે આવ્યા છે ત્યારે આ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલિયા દ્વારા બ્રહ્મ સમાજ તેમજ ઓબીસી વર્ગ અને સનતાન ધર્મ વિશે બેજવાબદારી પૂર્વક નિવેદનો આપ્યા હતા. તેના વિરોધમાં ભુજ તાલુકા બ્રહ્મ સમાજ તેમજ કચ્છ જિલ્લા પરશુરામ સેના દ્વારા પ્રવાસ રદ્દ કરવા કચ્છ કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. માધાપર ખાતે યોજાયેલા સંવેદના કાર્યક્રમમાં ગોપાલભાઈ ઈટાલિયા હાજર રહ્યા ન હતા. તેથી બ્રહ્મ સમાજના આગેવાનોએ શાંતિપૂર્વક વિરોધ કર્યો હતો. જો ગોપાલભાઈ કચ્છના પ્રવાસે આવશે તો તેમનો ઉગ્ર રીતે વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ આગેવાનો દ્વારા આપવામાં આવી હતી.